કળશ ૪

વિશ્રામ ૨૪

પૂર્વછાયો

કાર્તિક શુદી નવમી તણી, રહી પાછલી છ ઘડી રાત;1

રામાનંદજી જાગિયા, રુદયે થયા રળિયાત. ૧

શૌચક્રિયા ને સ્નાનવિધિ, કરી નિત્યક્રિયા નિજ જેહ;

સંધ્યા પૂજા પાઠ જપ, સહુ તરત કીધું તેહ. ૨

ચોપાઇ

સભામાં પછી જૈ બેઠા સ્વામી, અતિ અંતરે આનંદ પામી;

દેશાંતર થકી તેડાવેલા, હતા વેદિયા જેહ આવેલા. ૩

તેઓ પ્રત્યે બોલ્યા તતખેવ, તમે સાંભળો સહુ ભુદેવ;

નીલકંઠ છે આ બ્રહ્મચારી, તેને આપશું ગાદી અમારી. ૪

વિધિ વેદોક્ત મંત્ર જે જાણે, ક્રિયા કરવી છે શાસ્ત્ર પ્રમાણે;

સુણી બોલિયા દ્વિજ શિર નામી, ચારે વેદના વિપ્ર છે સ્વામી. ૫

માટે વેદવિધાન છે જેમ, કામ સર્વ કરાવશું તેમ;

નિરવિઘ્ન પુરું થવા કાજ, પૂજો ગણપતિને મહારાજ. ૬

અતિ છે શુભ લગ્ન2 અત્યારે, યજ્ઞશાળામાં વર્ણી પધારે;

વળી આપ પધારો જ ત્યાંય, મોટો હર્ષ ધરી મનમાંય. ૭

પછી સ્વામી તે શાળામાં આવ્યા, સાથે શ્રીઘનશામને લાવ્યા;

યજ્ઞકાર્યમાં પ્રેરેલા જેહ, મુકુન્દાનંદ વરણી તેહ. ૮

વળી આવિયા ભટ મયારામ, વિપ્ર વેદિયા સહિત તે ઠામ;

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, વસુધાતળ3 ને વ્યોમ4 ગાજે. ૯

પછી વેદોક્ત મંત્ર ઉચારી, પૂજ્યા ગણપતિને પૂજ્ય ધારી;

કર્યું માતૃકપૂ જન પ્રીતે, નાંદિશ્રાદ્ધ5 કર્યું રુડી રીતે. ૧૦

સ્વસ્તિવાચન6 વિપ્રોએ કીધું, તેના કળશ તણું જળ લીધું;

ચારે વેદની ભણી આશીષ, છાંટ્યું તે યજમાનને શીશ. ૧૧

દ્વિજને પછી દક્ષિણા દીધી, વિપ્રની વરુણી પછી કીધી;

પૂજ્યા આચાર્ય ને બ્રહ્માય, કરી ૠત્વિજની ત્યાં પૂજાય. ૧૨

બેઠા વિપ્રો કરે અનુષ્ઠાન, સ્વામી શિષ્ય ગયા સ્વસ્થાન;

વીત્યો વાસર ને વીતી રાત, થયું ઉજ્જળ ઉદય પ્રભાત. ૧૩

વ્રત દિવસ એકાદશી જાણી, ભદ્રા નાવા જવા ઇચ્છા આણી;

રામાનંદ ને શ્રીઘનશામ, સંઘ સહિત તો ભટ્ટ મયારામ. ૧૪

સંત સહુ સાથે મુક્તાનંદ, વર્ણી સૌ સાથે વર્ણી મુકુંદ;

ભદ્રા તીર્થમાં નાવા સિધાવ્યા, સાથે રાય રાણા બહુ આવ્યા. ૧૫

હાથી ઘોડા ને રથ છે અપાર, વાજે વાજિંત્ર વિવિધ પ્રકાર;

કોઈ તાલ મૃદંગ બજાવે, સંતમંડળ કીર્તન ગાવે. ૧૬

જેજેકાર બોલે છડીદાર, જોવા ટોળે મળ્યાં નરનાર;

કર્યું ભદ્રા વિષે જઈ સ્નાન, કરી નિત્યક્રિયા દીધાં દાન. ૧૭

જેવી શોભાથી નદિયે સિધાવ્યા, તેવી શોભાથી મંદિરે આવ્યા;

યજ્ઞશાળામાં આસન કરી, પૂજ્યા વિપ્રને ગણપતિ ફરી. ૧૮

એક વેદી ઉપર એ જ ઠાર, સ્થાપ્યાં રાધા ને કૃષ્ણ તે વાર;

કરી સ્નેહે ષોડશ ઉપચાર, પૂજ્યા મંત્ર કરીને ઉચ્ચાર. ૧૯

પછી કુંડમાં પાવક7 ધર્યો, કૃષ્ણમંત્ર વડે હોમ કર્યો;

જવ તિલ મધ ને ફળ ફૂલ, હોમ્યાં ચંદનકાષ્ઠ અતુલ્ય.8 ૨૦

ઘૃત હોમ્યાં ઘણાં પરનાળે, ભક્ત ભાવિક ભાવથી ભાળે;

એમ દેખાડિયો વેદધર્મ, મોટા મુનિજન જાણે તે મર્મ. ૨૧

ઉપજાતિવૃત્ત

તે કુંડથી દક્ષિણ દીશ પાસે, પવિત્ર બ્રહ્માસન9 કેવું ભાસે;

શ્રીજી તણી નાભિ સમીપ જેવું, પવિત્ર દિસે તિલચિન્હ તેવું. ૨૨

શોભીત સિંહાસન સૌથી સારું, જેનું નહી મૂલ્ય અમૂલ્ય ધારુ;

તે વિશ્વકર્મા વિધિયે ઘડેલું, હીરા તથા માણેકથી જડેલું. ૨૩

શું આપ છે અક્ષરબ્રહ્મ એહ, સ્વેચ્છાથી એવો ધરિયો સ્વદેહ;

સર્વત્ર વ્યાપી શુભ જેનું તેજ, શોભીત સિંહાસનરૂપ એ જ. ૨૪

ત્યાં વેદના મંત્ર દ્વિજો ઉચારે, સ્વામી હરીનો કર હાથ ધારે;

સિંહાસને શ્રીહરિ તો બિરાજ્યા, જે જે તણા શબ્દ વિશેષ ગાજ્યા. ૨૫

આનંદ આનંદ વધ્યો અતિશે, આકાશ તો નિર્મળ સ્વચ્છ દિસે;

નદી તળાવે પણ સ્વચ્છ નીર, સુગંધ ને શીત વહે સમીર.10 ૨૬

જ્યાં કુંડમાં પાવક તો બિરાજે, ત્યાં તે ભલો ધૂમ્ર રહીત છાજે;

સંતો તણાં નિર્મળ ચિત્ત ભાસે, ભાનુ ભલો વ્યોમ વિષે પ્રકાશે. ૨૭

આકાશમાં દેવવિમાન છાયાં, ગાંધર્વ વૃન્દે ગુણગીત ગાયાં;

નાચે મળીને નભ દેવનારી, થૈ પુષ્પ ને ચંદન વૃષ્ટિ સારી. ૨૮

વાજિંત્ર વાજે વિવિધ પ્રકાર, બ્રહ્માંડમાં હર્ષ વધ્યો અપાર;

ત્રિનેત્ર11 તો તાંડવ12 ત્યાં કરે છે, કીર્તિ કથા નારદ ઉચ્ચરે છે. ૨૯

વૈરી સદા સિંહ અજાદિ13 જેહ, પ્રાણી થયાં સૌ નિરવૈર તેહ;

ધર્મી જનો તો હરખ્યા વિશેષ, અધર્મીને તો ઉપજ્યો કલેશ. ૩૦

આચાર્ય બ્રહ્માદિક વિપ્ર જેહ, કરે હરિને અભિષેક તેહ;

મંત્રો શ્રુતિ ચાર તણા ઉચ્ચારે, સ્વહસ્ત તીર્થોદક14 દર્ભ15 ધારે. ૩૧

એવે સમે અક્ષરમુક્ત આવ્યા, અમૂલ્ય ને અદ્‌ભુત ભેટ લાવ્યા;

પ્રભુપદે મસ્તકને નમાવી, સ્નેહે સુકાવ્યોથી સ્તુતિ સુણાવી. ૩૨

સુનંદ ને નંદ ગરૂડ આવ્યા, સાથે વળી વિશ્વક્સેન લાવ્યા;

ધર્યા સહુએ શુભ દિવ્ય દેહ, દેખે જનો લોચન દિવ્ય જેહ. ૩૩

બ્રહ્મા તથા વિષ્ણુ મહેશ શેષ, ગણેશ ને સૂર્ય શશી સુરેશ;

પધારિયા સર્વ સ્વપત્નિ સાથ, નમ્યા હરીને નિજ જોડી હાથ. ૩૪

દશે દિશાના પતિ16 જેહ દેવ, ત્યાં આવિયા સૌ મળી તર્તખેવ;

સમગ્ર દેવો વળી સ્વર્ગવાસી, આવ્યા લઈને નિજ દાસ દાસી. ૩૫

ગંગા તથા પુષ્કરરાજ આદી, કાલિંદિ સિંધુ ગંડકી ગયાદી;

તે સર્વ તીર્થો અભિષેક નીરે, રહ્યાં મળી દિવ્ય શુચી શરીરે. ૩૬

છ શાસ્ત્ર ને વેદ ગણાય ચાર, પ્રત્યક્ષ આવ્યા મળી એહ ઠાર;

નારી સ્વરૂપે પૃથિવી પધારી, નિહાળવા શ્રીહરિ બ્રહ્મચારી. ૩૭

દેશાંતરોના જનસંઘ જેહ, નિહાળીને શ્રીહરિ રૂપ તેહ;

તથા રુડા મંડપને નિહાળી, આનંદની તો અતિ હદ્ય વાળી. ૩૮

સજી શરીરે શણગાર સાર, એકત્ર બેઠી અબળા અપાર;

આનંદ એના ઉરમાં ન માય, ગૌરી મળી મંગળ ગીત ગાય. ૩૯

મંડપનું વર્ણન (‘પ્રભુની પૂજા માનસી રે’ એ રાગ)

મોટા મંડપની શોભા તે શી વરણવું રે,

જોવા ઇંદ્રાદિક દેવો લલચાય રે, રંગમંડપ છાયો મોતીયે રે;

જેવો પાંડવોનો ઇંદ્રપ્રસ્થ ઓપતો રે,

   એવી મંડપને ઉપમા અપાય રે… રંગમંડપ꠶ ૪૦

ઉપર કનકના કળશ ચડાવીયા રે,

   ધ્વજા પતાકા ચડાવી ચારે પાસ રે… રંગમંડપ꠶

બાંધ્યાં તોરણ મનોહર મણિ મોતિનાં રે,

   તેનો ચારે દીશે પ્રસરે પ્રકાશ રે… રંગમંડપ꠶ ૪૧

ઉંચા ઉલેચ બંધાવ્યા જાદર ચીરના17 રે,

   ઝાઝાં ઝૂમર લટકાવ્યાં હારોહાર રે… રંગમંડપ꠶

હેમસાંકળે લટકાવી ઘણી હાંડીયો રે,

   માંડ્યા કાચ તણા તખતા અપાર રે… રંગમંડપ꠶ ૪૨

ભીંતે ચતુર ચિતારે ચિત્ર ચીતર્યાં રે,

   તેમાં ચિત્ર્યાં ચારુ18 ચોવી અવતાર રે… રંગમંડપ꠶

સંતો સાથે શ્રીહરિની સભા ચીતરી રે,

   ઠરી રહે જન જોવા ઠારોઠાર રે… રંગમંડપ꠶ ૪૩

નીચે જાજમો ગાલીચા પથરાવીયારે,

   માંડી ખૂરશીયો સુંદર શોભીત રે… રંગમંડપ꠶

ગાદી તકિયા રુડા કોઈ ઠામે ગોઠવ્યા રે,

   પોપટ પાંજરાં લટકાવ્યાં રુડી રીત રે… રંગમંડપ꠶ ૪૪

ત્યાં તો આવીને બિરાજ્યા રાણા રાજવી રે,

   રામાનંદ સાથે શોભે ઘનશામ રે… રંગમંડપ꠶

વાજાં વજાડીને સંત ગુણ ગાય છે રે,

   જોવા ઉલટ્યું છે ત્યાં તો આખું ગામ રે… રંગમંડપ꠶ ૪૫

હવે હોમ તણી શોભા હેતે હું કહું રે,

   કર્યો કુંડ તેમાં કસર ન કાંય રે… રંગમંડપ꠶

ત્યાં તો રંભા19 કેરા થંભ રુડા રોપિયા રે,

   વેદવિધિ કરે વિપ્રો બેઠા ત્યાંય રે… રંગમંડપ꠶ ૪૬

પછી સિંહાસને શામને પધરાવિયા રે,

   વેદમંત્ર વડે કીધો અભિષેક રે… રંગમંડપ꠶

મુક્તો અક્ષરના નિરખવા આવિયા રે,

   આવ્યા ઇંદ્રાદિક અમર અનેક રે… રંગમંડપ꠶ ૪૭

સખી આજ તો સોનાના સૂરજ ઉગિયા રે,

   આજ મોતીડાના વરસે છે મેહ રે… રંગમંડપ꠶

સખી ધન્ય ધન્ય ભાગ્ય છે જો આપણાં રે,

   આવે અવસરે આવ્યો જનદેહ રે… રંગમંડપ꠶ ૪૮

જેનાં દરશન દુર્લભ છે દેવને રે,

   તેને નિરખીને થઇયે નિહાલ રે… રંગમંડપ꠶

સખી સભામાં શોભે છે ઘનશામજી રે,

   વાલો વૃષવંશી20 વિશ્વવિહારીલાલ રે… રંગમંડપ꠶ ૪૯

ચોપાઇ

એવી રીતે રામા21 ગાય ગીત, ધરી પ્રભુપદ પૂરણ પ્રીત;

રામાનંદસ્વામી છે સુજાણ, પ્રભુને જાણે પ્રગટ પ્રમાણ. ૫૦

સર્વના ગુરુ સર્વના ઇષ્ટ, સહજાનંદ સૌથી વરિષ્ઠ;22

ભજે જેને અક્ષરમુક્ત જેવા, રામાનંદજી જાણે છે એવા. ૫૧

તોય રાખવાને લોકાચાર, ઉપદેશ દિધો તેણી વાર;

વર્ણીરાજ સુણો શુભ મર્મ, તમે પાળજો વેદનો ધર્મ. ૫૨

શોભાવો ઉદ્ધવી સંપ્રદાય, જેથી જીવોનાં કલ્યાણ થાય;

સર્વે શિષ્યોને ધર્મ પળાવો, જ્ઞાન વૈરાગ્ય ઉર ઉપજાવો. ૫૩

કરો કરાવો વૈષ્ણવયાગ, ઘણું ખરચીને દ્રવ્ય અથાગ;

વળી મંદિર મોટાં કરાવો, રાધાકૃષ્ણાદિ મૂર્તિ સ્થપાવો. ૫૪

બાઈ ભાઈ ગૃહસ્થ કે ત્યાગી, ભક્ત થાવા ઇચ્છે બડભાગી;

તેને તો તેવી દીક્ષા ધરાવો, ધર્મ સહિત સુભક્તિ કરાવો. ૫૫

જન દિસે કુપાત્ર જરૂર, કરજો સંપ્રદાયથી દૂર;

સંપ્રદાયના ગ્રંથ રચાવો, ઉંડા પાયા તો એ જ નંખાવો. ૫૬

કદી મંદિર તો પડી જાય, દેશ પણ કદી ઉજ્જડ થાય;

પણ ગ્રંથ સદૈવ દેખાય, એથી અચળ રહે સંપ્રદાય. ૫૭

શિષ્ય અર્પે વસન અલંકાર, સુખે કરજો તે તો અંગિકાર;

નહીં તમને કરી શકે બાધ, દિસે શક્તિ તમારી અગાધ. ૫૮

એવો ઉપદેશ સાંભળી સાર, ઉચર્યા શ્રીહરિ ૐકાર;23

રામાનંદે ઉમંગ ધરીને, વસ્ત્રાભરણ ધરાવ્યાં હરીને. ૫૯

કડાં વેઢ વીંટીયો કુંડળ, હીરા મોતીના હાર નવલ;

ધૂપ દીપક આગળ ધારી, પછી આરતિ ગુરુયે ઉતારી. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

કરી હરિ તણું પૂજનાદિ પ્રીતે, ગુરુજી રહ્યા નિજ આસને સુરીતે;

પછી વૃષસૂર સર્વ સ્નેહ ધારી, કરી અરચા હરિ આરતી ઉતારી. ૬૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિપટ્ટાભિષેક-ક્રિયાવર્ણનનામા ચતુર્વિંશતિતમો વિશ્રામઃ ॥૨૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે