કળશ ૭

વિશ્રામ ૩૯

પૂર્વછાયો

જાળિયામાં જગજીવને, કર્યો જ્વરને અંગીકાર;

વર્ણિ કહે નૃપ સાંભળો, કહું તેહ કથા વિસ્તાર. ૧

ચોપાઈ

ઉપવાસ થયા અગિયાર, અન્ન નવ જમે જગદાધાર;

સતસંગી ને સંત સુજાણ, જમવાની કરે ઘણી તાણ. ૨

બારમે દિન અર્ધી નિશાએ, નમ્યા સંત પ્રભુજીને પાયે;

અતિ આગ્રહ જમવાનો કીધો, પ્રભુએ મનમાં ધરી લીધો. ૩

સૌને દીઠા અતીશે ઉદાસ, જમ્યા જીવન ત્યારે બે ગ્રાસ;

હરિભક્ત બોલ્યા સહુ વાણી, સુણો શ્રીહરિ સારંગપાણી. ૪

જમવાની રુચી હોય જેહ, કહો કૃષ્ણ કરાવિએ તેહ;

કહે કૃષ્ણ સુણો સહુ સંત, રાધા લક્ષ્મી જેવી અનંત. ૫

ભાત ભાતના લાવીને થાળ, જમવાને ધરે છે ત્રિકાળ;

અંગિકાર અમે નથી કરતા, જમવાની ઇચ્છા નથી ધરતા. ૬

સ્વાત્મરૂપ વિષે તૃપ્ત છૈયે, અન્યમાં નહિ આસક્ત થૈયે;

સતસંગી બોલ્યા તેહ ઠામ, પ્રભુ છો તમે પૂરણકામ. ૭

ઇચ્છા તમને ન હોય લગાર, ભક્ત અર્થે કરો અંગિકાર;

અમને જો હરખ ઉપજાવો, રુચિ જમવાની કાંઈ બતાવો. ૮

ત્યારે વાલાએ વેણ ઉચ્ચાર્યું, પેંડા બરફી મગાવો તો સારું;

વળિ જમિયે જલેબિ જો લાવો, બ્રહ્મચારીની પાસે કરાવો. ૯

એવું સાંભળીને હરિજન, અતિ રાજી થયા નિજ મન;

હીરો ઠક્કર નગો આહીર, રાતોરાત ચાલ્યા બેઉ વીર. ૧૦

ભાયાવદર દાખલ થૈને, જગાડ્યા ઝુણાભાઈને જૈને;

હાટ કંદોઈનું ઉઘડાવી, પેંડા બરફી આપ્યાં ત્યાંથી લાવી. ૧૧

ભર્યા ગોવિંદે બે ત્રણ ગ્રાસ, દેખી રાજી થયા સહુ દાસ;

જલેબીનો સામાન મગાવી, બ્રહ્મચારીને સોંપ્યો તે લાવી. ૧૨

જ્યારે વીતી ગઈ તેહ રાત, ભક્ત પ્રત્યે બોલ્યા નરભ્રાત;

આજ તો અમે ધાર્યું છે આવું, પાણી પુષ્કળ લૈને નહાવું. ૧૩

રેલો આંહિયાં થકી નીકળે, જઈ વેણુ નદીમાંથી મળે;

એટલું જળ નાવા મગાવો, હરિજન બાઇયોને કહાવો. ૧૪

વાત બાઇયોને કેવરાવી, બેડાં શુદ્ધ ભરી જળ લાવી;

પછી નાવાને બેઠા શ્રીરંગ, ચોળે નાજો ભગુજી બે અંગ. ૧૫

હીરો ભક્ત કરે જળધાર, મળ્યા દર્શને દાસ અપાર;

રેલો નીરનો ત્યાંથી નિકળિયો, જઈ વેણુ નદીમાંહિ ભળિયો. ૧૬

શાર્દૂલવિક્રીડિત

શ્રીવૈકુંઠ વિષેથી ગંગ ઉતરી તે નીલકંઠે શિરે,

ધારી ત્યાંથિ સુમેરુબાજઠ શિરે ધારા પડી છે ધિરે;

ચાલી પૃથ્વિ વિષે અનેક જનને ઉદ્ધારવાને વળી,

વેણુ સાગરમાં મહા ઝડપથી તે ગંગ જૈને મળી. ૧૭

ચોપાઈ

કોરાં વસ્ત્ર ધરીને કૃપાળ, બેઠા ઢોલિયે જન પ્રતિપાળ;

નિજ દાસ પ્રત્યે કહે માવો, આમલી તણા કાતરા લાવો. ૧૮

લાવો ચીભડાં જોઈને મીઠાં, ઘણા દિવસ થયા નથી દીઠાં;

તેહ ખાવાથી થાય સુવાણ, એ તો ઓસડ છે રામબાણ. ૧૯

હરિએ એવો હઠ બહુ લીધો, દાસ સૌએ વિચાર તે કીધો;

એ છે અજર અમર અવિકારી, એની રીત જગતથી છે ન્યારી. ૨૦

ઉપજાવા પ્રીતિ જનમન, જનચેષ્ટા1 કરે છે જીવન;

માટે જે માગે તે લાવી ધરીએ, એમાં સંશય કાંઈ ન કરીએ. ૨૧

પછી કાતરા ક્યાંઈથી આપ્યા, મહારાજે જમીને વખાણ્યા;

ચીભડું એક હરિજન લાવ્યો, જમી જીવને હરખ જણાવ્યો. ૨૨

જમે છે ચીભડાં જગરાય, એવી વાત ચાલી જનમાંય;

ગાડાં ચીભડાનાં ભરી ભરી, જનો ભેટ કરે ભાવ ધરી. ૨૩

ગામોગામથી હરિજન આવે, ગાડાં ચીભડાનાં ભરી લાવે;

જનમન હરખાવાને કાજે, મંદવાડ તજ્યો મહારાજે. ૨૪

ધનતેરશ ચૌદશ કાળી, કર્યો ઉછવ આવી દિવાળી;

અતિ હરખે રચી દીપમાળા, ગાય કીર્તન પુરુષ ને બાળા. ૨૫

અન્નકોટ તણો દિન આવ્યો, એહ ઉત્સવ સરસ કરાવ્યો;

પછી આવી પ્રબોધિની જ્યારે, થયો સારો સમૈયો તે વારે. ૨૬

પ્રભુ એવી રીતે એક માસ, કર્યો જાળિયા માંહિ નિવાસ;

જાળિયાના હરિજન તણો, સહુ ભાવ વખાણે છે ઘણો. ૨૭

રહ્યા સેવામાં નિત્ય હજૂર, પળ એક ખસ્યા નહિ દૂર;

જોઈ લીલા વિચિત્ર પ્રકાર, પણ સંશય ન થયો લગાર. ૨૮

જોયું કૃષ્ણચરિત્ર તે જ્યારે, ભ્રમ બ્રહ્માને પણ થયો ત્યારે;

માટે હરિજનનો મહિમાય, આજ તો અતિ અધિક ગણાય. ૨૯

બ્રહ્મા ભવ અને અમરઅધીશ,2 તેના ચરણની રજ ધરે શીશ;

ધન્ય ધન્ય ધરા ધન્ય ગામ, એવા ભક્ત વસે જેહ ઠામ. ૩૦

રહી જાળિયામાં જગદીશે, દાસને સુખ દીધાં અતીશે;

એ તો ઉત્તમ તીર્થ ગણાય, જન ત્યાં તીર્થ કરવાને જાય. ૩૧

વેણુ ગંગામાં જૈ કરે સ્નાન, પુણ્ય સરજુના સ્નાન સમાન;

એવો તે તીર્થનો મહિમાય, મોટા મોટા મુનિજન ગાય. ૩૨

પછી દુર્ગપુરે જવા કાજે, મન ઇચ્છા ધરી મહારાજે;

સારા બળદ ને શકટ3 મગાવ્યું, પણ બેસતાં તેમાં ન ફાવ્યું. ૩૩

થયા માણકીયે અસવાર, નહિ તે પણ ફાવી લગાર;

પછી ત્યાં વશરામ સુતારે, એક ડોળી બનાવી તે વારે. ૩૪

તેમાં બેસીને સુંદર શ્યામ, વિચર્યા તે ઊપલેટે ગામ;

ઝાંઝમેર ગયા ગિરધારી, ત્યાં તો દીઠી ખજુરીયો સારી. ૩૫

ગામથી તે આથમણી દિશાએ, આપ ઇચ્છાએ ઉતર્યા ત્યાંયે;

કર્યો વર્ણિ મુકુંદે ત્યાં થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૩૬

કહું તે ખજૂરી ધન્ય ધન્ય, જમ્યા જેની છાયામાં જીવન;

જાળિયા થકી નગો બાબરિયો, આવ્યો દર્શને હરખનો ભરિયો. ૩૭

તેના મન માંહિ સંશય જાણી, કૃપાનાથે કૃપા ઉર આણી;

ધર્યું વૈરાટ રૂપ મુરારી, જોઈ ભય ઉપજ્યો તેને ભારી. ૩૮

નાસવા માંડ્યું પાછા ફરીને, ત્યારે હરિ નરરૂપ ધરીને;

નગા બાબરિયાને બોલાવ્યા, ત્યારે તે પ્રભુની પાસે આવ્યા. ૩૯

પુછ્યું શ્રીહરિએ તેહ સમે, કહો કેમ નાઠા હતા તમે?

નગો બોલિયા મસ્તક નામી, આપ જાણો છો અંતરજામી. ૪૦

મારા મન માંહી સંશય હતો, તેથી સંકલ્પ વિકલ્પ થતો;

તમે વૈરાટ દેહ દેખાડ્યો, મારા મનનો સંદેહ મટાડ્યો. ૪૧

જોઈ વૈરાટ રૂપ તમારું, ભયભીત થયું મન મારું;

તેથી નાઠો ત્વરા ઘણી લાવી, આપે બોલાવ્યો રૂ૫ સમાવી. ૪૨

નરરૂપે જોયા ફરી જ્યારે, આપ પાસે આવી શક્યો ત્યારે;

નિજ જન પર રાખીને નેહ, ભક્ત અર્થે ધરી નર દેહ. ૪૩

જન અર્થે હરી જન સાથ, ઘણા લાડ લડાવો છો નાથ;

કોઈ હરખે છે સુતરુપે જોઈ, સુખ લે છે સખા ભાવે કોઈ. ૪૪

કોઈ તો સગા સ્નેહી પ્રમાણે, કોઈ તો ગુરુ કે શિષ્ય જાણે;

કોઈ ખોળામાં લૈને રમાડે, કોઈ જુગતિ કરીને જમાડે. ૪૫

કોઈ વસ્ત્ર આભૂષણ લાવી, ભાવે ભેટ ધરાવે છે આવી;

કોઇ વૈદ થઈ રોગ ટાળે, કોઈ ચોકી કરીને સંભાળે. ૪૬

કોઈ ગાન કરીને રીઝાવે, કોઈ છાની વાતો સમજાવે;

પંથે મારગ કોઈ દેખાડે, એક સ્થળથી બિજે પહોંચાડે. ૪૭

એવી રીતે અનેક પ્રકારે, દ્યો છો સુખ જનને કોઈ દ્વારે;

મૂળરૂપ છે જેહ તમારું, સૂર્ય કોટિ ઝાંખા કરનારું. ૪૮

એવે રૂપે જ જો રહો નાથ, સુખ શું લઇયે તમ સાથ;

દયાસિંધુ સદા દયા કરજો, આવે રૂપે જ અંતરે ઠરજો. ૪૯

વળી માગું છું હે વરદાય, તવ માયાથી મોહ ન થાય;

લીલા જોઈ વિચિત્ર તમારી, મતિ સંશય નવ કરે મારી. ૫૦

ભક્ત જાણીને હે ભગવાન, આપો એ જ મને વરદાન;

એવી વિનતી ઘણી કરી જ્યારે, તથા અસ્તુ કહ્યું હરી ત્યારે. ૫૧

ત્યાંથી વિચર્યા હરિ સંત સાથ, ગયા કંડોરડે કૃપાનાથ;

રાયપર ગયા શ્રીમહારાજ, નિજ ભક્તનું કરવાને કાજ. ૫૨

રાજગર સતસંગી તે ઠામ, લક્ષ્મણ અને માવજી નામ;

ઉતર્યા પ્રભુજી તેને ઘેર, તેણે સેવા કરી સારી પેર. ૫૩

ભગુજી મુળજી બ્રહ્મચારી, સમીપે હતા સેવનકારી;

ભગવાન બોલ્યા ભલી ભાતે, ઉઠી ચાલવું પાછલી રાતે. ૫૪

રાખ્યું ગાડું મગાવી તૈયાર, પણ કાયામાં ન હતો કરાર;4

વૃષનંદને વાત વિચારી, પરીક્ષા લેવા ભક્તોની ધારી. ૫૫

મારા મહિમાનો નિશ્ચય કેવો, તેના મનનો મરમ જાણી લેવો;

કરું કાંઈ મનુષ્ય ચરિત્ર, જોતાં સર્વને લાગે વિચિત્ર. ૫૬

પામે મોહ બ્રહ્માદિક જેવા, જોઉં આ દઝઢ ભક્ત છે કેવા;

પોતે જાગિયા પાછલી રાતે, જન સૌને જગાડિયા જાતે. ૫૭

સન્નિપાત5 વિષે બકે જેમ, પ્રભુ બોલવા લાગિયા તેમ;

જોઈ ચંદ્રને પશ્ચિમ પાસ, ભગુજીને કહે સુણ દાસ. ૫૮

કેમ ચંદ્ર જતો નથી આ તે, માટે માર્ય એને લાતે લાતે;

એવી હરિએ હઠીલાઈ ધારી, ભગુજી ત્યાં ઉઠ્યા હાક મારી. ૫૯

વળી તરત તાણી તરવાર, વિંઝી ચંદ્ર સામી બહુ વાર;

બોલ્યા શ્રીહરિ દાસની સાથ, હવે કેવો નમ્યો નિશાનાથ. ૬૦

પછી ચાલવા કીધી તૈયારી, કહ્યું ગાડે સુઓ ગિરધારી;

કહે હરિ ગાડું ટુંકું દેખાય, સુખે મારાથી કેમ સુવાય. ૬૧

ખેંચી ખેંચી કરો લાંબું તમે, તો તે ઉપર પોઢીયે અમે;

બાંધ્યું ધુંસરે દોરડું એક, જેમ છુટી પડે નહીં છેક. ૬૨

ભગુજી ખેંચે હાથમાં ધારી, ઠાઠું6 ખેંચે મુકુંદ બ્રહ્મચારી;

જ્યારે ખેંચ્યું ઘણું કરી જોર, ત્યારે બોલિયા ધર્મકિશોર. ૬૩

હવે લાંબું થયું તે વધારે, સુવા જોગ્ય થયું છે અમારે;

એમ કહિને ગાડે હરિ ચડિયા, ત્યારે હરિજન સૌ પગે પડિયા. ૬૪

રાજગર ભગુજી બ્રહ્મચારી, સ્તુતિ સૌએ મળીને ઉચ્ચારી;

તમે છો પ્રભુ કાળના કાળ, બહુનામી છો ધર્મના બાળ. ૬૫

વસંતતિલકા

હે ધર્મલાલ જનપાળ દયાળ દેવા,

સ્નેહે સજે સુર સુરેશ તમારિ સેવા;

છો અક્ષરેશ અચળેશ અશેષશક્તિ,

ભાવે કરે સકળ અક્ષરમુક્ત ભક્તિ. ૬૬

   માનુષ્ય રૂપ ધરિ વિશ્વ વિષે વિચિત્ર,

   કોઈ સમે મનુષ્ય તુલ્ય કરો ચરિત્ર;

   પામે જ મોહ અજ ઇન્દ્ર જટેશ7 જેવા,

   જાણો તમે પ્રભુ અમે નહિ કાંઈ એવા. ૬૭

છૈયે અમે જ સહુ અક્ષરમાંથિ આવ્યા,

માયા તમારિ થકિ શું ભમિયે ભમાવ્યા;

જેની ન હોય મતિ નિશ્ચળ મોહ પામે,

જ્યાં વજ્ર તુલ્ય અવની તરુ ત્યાં ન જામે. ૬૮

   છુટે ન ભાત પડિ તે કદિયે પટોળે,

   જો અન્ય રંગ રસમાં બહુ દિન બોળે;

   ઊગે ન સૂર્ય કદિ આથમણી દિશાયે,

   બુદ્ધિ અમારિ નહિ નિશ્ચયથી ડગાયે. ૬૯

કીધી અમારિ હરિ આજ તમે પરીક્ષા,

જાણી અમે તરત જેથિ તમારિ દીક્ષા;

આપો તથાપિ વર તે મુખ માગિ લૈયે,

માનુષ્ય ભાવ થકિ મોહિત તો ન થૈયે. ૭૦

ચોપાઈ

સુણી રીઝિયા સુંદરશ્યામ, હસી બોલિયા ધર્મના ધામ;

ધર્મવંત તમે ધન્ય ધન્ય, દૃઢ નિશ્ચયવાળા અનન્ય. ૭૧

કરી એવાં વિશેષ વખાણ, પ્રભુએ કર્યું ત્યાંથી પ્રયાણ;

સર્વે સંત સહિત તે ટાણે, હરિકૃષ્ણ ગયા કરિયાણે. ૭૨

તહાં કાઠી કાળો મકવાણો, પ્રભુનો મહાભક્ત પ્રમાણો;

ઘનશ્યામ રહ્યા તેને ઘેર, મનમાં ધરીને ઘણી મેહેર. ૭૩

દેહો ખાચર ત્યાં કરે રાજ, સ્નેહે તેણે સેવ્યા મહારાજ;

તેનો પાવન છે પરિવાર, તેનાં નામ સુણાવું આ ઠાર. ૭૪

ઓઢો ઉનડ લુણો ને રાણો, ભોજ પાંચમો પુત્ર પ્રમાણો;

સૌએ શ્રીહરિની સજી સેવા, મોટો લાભ અલૌકિક લેવા. ૭૫

એવામાં ખંડણી ઉઘરાવા, આવી ફોજ તે યુદ્ધ મચાવા;

દેહો ખાચર કૃષ્ણને કહે, હવે લાજ અમારી ન રહે. ૭૬

નથી નાણું પ્રભુ અમ પાસે, ફોજ લીધા વિના કેમ જાશે;

હોય આપણા ઝાઝા સિપાઈ, ફોજ સાથે તો કરીએ લડાઈ. ૭૭

ફોજ આવ્યાથી ગામ લુંટાશે, કૈકને પકડી લઈ જાશે;

નાણું આપશું તેહને જ્યારે, છોડી મુકશે માણસ ત્યારે. ૭૮

માટે આંહિથી ઉચાળા ભરિએ, છાના કોઈ સ્થળે જઈ ઠરિએ;

મટશે જ્યારે ફોજનો ત્રાસ, પાછા આવીને કરશું નિવાસ. ૭૯

કાં તો સામા થઈ યુદ્ધ કરશું, તેને મારશું કે કાં તો મરશું;

મોટો આવ્યો છે આપતકાળ, કહો શું કરું દીનદયાળ. ૮૦

કહે કૃષ્ણ હું પુછું છું તમને, કહોજી કેવા જાણો છો અમને;

દેહો ભક્ત બોલ્યા જોડી હાથ, જાણું છું તમને જગનાથ. ૮૧

તમે કોટીક બ્રહ્માંડકાર, વળી પળમાં પ્રલે કરનાર;

કહે કૃષ્ણ એવો મને જાણો, ત્યારે દૃઢ મન વિશ્વાસ આણો. ૮૨

તમે ધૈર્ય રુદે ધરો રાય, તમને કશુંએ નહીં થાય;

સુણી રાજાએ ધીરજ ધરી, શ્યામે એવે સમે સભા ભરી. ૮૩

જાણી વાત સુબે ફોજ માંહી, છેય સ્વામિનારાયણ આંહીં;

તેથી ધાર્યું તેણે નિજ મન, મળશે અહિથી બહુ ધન. ૮૪

કેટલા જન છે સ્વામી પાસ, જોવાને મોકલ્યા બેય દાસ;

સભા પાસે આવી ઉભા રહ્યા, જોઈ પાછા સુબા પાસે ગયા. ૮૫

જૈને એવા કહ્યા સમાચાર, શસ્ત્રધારી તો છે દશ બાર;

કહે સૂબો ગામ પર ચડશું, સ્વામિનારાયણને પકડશું. ૮૬

પૈસા આપશે પુષ્કળ જ્યારે, તેને તો છોડી મૂકશું ત્યારે;

દેહો ખાચર થર થર કાંપે, પણ શ્રીહરિ ધીરજ આપે. ૮૭

કહે શ્રીજી તમારા કુમાર, બીજા જે હોય બડકમદાર;8

તેહ સર્વને શસ્ત્ર ધરાવો, અમ આગળ આ ઘડી લાવો. ૮૮

આવ્યા તે સહુ તૈયાર થૈને, તરવાર ને બંદુકો લૈને;

પ્રભુ પાસે હતા જેહ પાળા, આવ્યા તે પણ બંદુકોવાળા. ૮૯

પ્રભુ તે સહુને સંગે લૈને, કાળુભાર નદી તટ જૈને;

પંચપીરની જગ્યા છે જ્યાંય, ઉભા રાખ્યા તે સર્વને ત્યાંય. ૯૦

કર્યા બંદુક કેરા બહાર,9 એ તો એકના ભાસે અપાર;

કાળુભારને સામે કિનારે, ચડીને આવ્યું લશ્કર જ્યારે. ૯૧

તેણે શ્રીજીના બડકમદાર, પેખ્યા10 પૂરા પચાસ હજાર;

તેથી જાણ્યું નહીં જ જિતાય, ખાલી માણસનાં મોત થાય. ૯૨

ધનની તજી આશા તમામ, ગયા પાંશરા11 કોટડે ગામ;

સૂબે પીઠાવાળા પાસે જૈને, પુછી જોયું તે વિસ્મિત થૈને. ૯૩

સ્વામિ પાસે તો બડકમદાર, અમે પેખ્યા પચાસ હજાર;

એટલા એણે રાખ્યા છે ક્યારે, પીઠોવાળો બોલ્યા પછી ત્યારે. ૯૪

સ્વામી પાસે પાળા દશબાર, અમે દીઠા છે બડકમદાર;

એ છે સ્વામિ પોતે ભગવાન, સર્વ સામર્થ્યના છે નિધાન.12 ૯૫

એ જ સ્વામિની ભૃકુટી વિલાસે, કોટિ બ્રહ્માંડ ઊપજે ને નાસે;

સુબો તે સુણિ વિસ્મિત થયો, ફોજ લૈ અમરેલિયે ગયો. ૯૬

પુષ્પિતાગ્રાવૃત્ત

પુનિત ચરિત એ રિતે ફરીને, કૃત કરિયાણ વિષે સ્થિતિ કરીને;

શ્રુતિ ધરિ સુણશે જિમેથી ગાશે, નકિ નરનારિ કૃતાર્થ તેહ થાશે. ૯૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

સોરઠદેશે શ્રીહરિ-વિચરણનામૈકોનચત્વારિંશો વિશ્રામઃ ॥૩૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે