કળશ ૮

વિશ્રામ ૬૩

ઉપજાતિવૃત્ત

વર્ણી કહે હે વસુધાધિનાથ, કરી પ્રતિષ્ઠા પ્રભુએ સ્વહાથ;

સંક્ષેપમાં તે તમને સુણાવું, ઉત્સાહ મારા ઉર માંહિ લાવું. ૧

મહાપ્રભૂ મંડપમાં બિરાજ્યા, વિદ્વાન બેઠા બહુ વિપ્ર રાજા;

ત્યાં સર્વથા વેદવિધી પ્રમાણે, પૂજ્યા ગણેશાદિક તેહ ટાણે. ૨

સ્થાપ્યા સુવૃત્તાલય દેવ જ્યારે, જે જે હતા બ્રાહ્મણ તેહ વારે;

તે સર્વ આવ્યા ગઢપુર ગામ, માટે નથી ઊચરતો હું નામ. ૩

કર્યાં વરૂણો પ્રભુએ જ આપ, કરાવિયા પાઠ જપાવિ જાપ;

કર્યો તહાં હોમ ધૃતાદિ એવો, બીજા થકી તો ન બને જ તેવો. ૪

જે દેવને આહુતિયો અપાય, પ્રત્યક્ષ કે દેવ તહાં જણાય;

પ્રસાદિ શ્રીજી કરની વિચારી, લેવા પધાર્યા સુર હર્ષ ધારી. ૫

નિત્યાખ્યસ્વામી રઘુવીર જૈને, લાવ્યા ઉપાડી મુરતી સુ લૈને;

સ્થાપી જહાં છે અધિવાસ ઠામ, રાજી થયા શ્રીપ્રભુ પૂર્ણકામ. ૬

ચાલી ક્રિયા વાસર પાંચ સૂધી, જેવી લખી શાસ્ત્ર વિષે સુબુદ્ધી;

વેદોક્ત જે મારગ થાપનાર, તે કેમ લોપે વિધિ તે લગાર. ૭

જો મંત્રમાં બ્રાહ્મણ ભૂલ લાવે, તો શ્રીહરી તત્ક્ષણ તે બતાવે;

વેદો થયા શ્વાસ થકી જ જેના, મંત્રી અજાણ્યા નહિ કોઈ તેના. ૮

અઢારસેં વિક્રમ વર્ષ વીત્યાં, પંચાશિમી સાલ તથા થઈ ત્યાં;

આષાઢથી જે ચડતી ગણાય, થૈ દ્વાદશી અશ્વિન શુક્લ ત્યાંય. ૯

ચડ્યો રવી તો ઘડિ સાત જ્યારે, કરી પ્રતિષ્ઠા પ્રભુએ સુ ત્યારે;

સ્થાપી ભલી મધ્યમ ખંડમાંય, શ્રીગોપિનાથ પ્રતિમા તહાંય. ૧૦

શ્રીરાધિકાજી પણ વામ1 ભાગે, સ્થાપી સુમૂર્તિ ઘણિ સારિ લાગે;

જે ઓરડામાં છબિ વાસુદેવ, હતી કરી તે ચળ તર્તખેવ. ૧૧

ભક્તી તથા ધર્મનિ મૂર્તિ જેહ, હતી તહાં તે પણ લાવિ તેહ;

સ્થાપી ભલા પશ્ચિમ ખંડમાંય, વિધિ પ્રમાણે કરિ સર્વ ત્યાંય. ૧૨

ગોપીશના ખંડથિ પૂર્વ ખંડ, ત્યાં સ્થાપિયા શ્રીપ્રભુ મારતંડ;2

ત્રણે સ્થળે ત્રણ્ય સ્વરૂપ ધારી, ત્યાં આરતી શ્રીહરિએ ઉતારી. ૧૩

વાજિંત્રના નાદ થયા અપાર, બહૂ થયા બંદુકના બહાર;

એવે સમે અંગ ઉમંગ આણી, જનો ઉચારે જયકાર વાણી. ૧૪

દેવો સહુ દર્શન કાજ આવ્યા, ભેટો ભલી ત્યાં ધરવાનિ લાવ્યા;

આકાશથી પુષ્પનિ વૃષ્ટિ થાય, નાચે સુરંભા3 ગુણિ4 ગાન ગાય. ૧૫

જેવો થયો ઉત્સવ એહ ટાણે, થયો ન ક્યાંઈ કદિ એ પ્રમાણે;

બ્રહ્મા તથા શંકર ઇંદ્ર જેહ, આનંદ પામ્યા અતિ સર્વ એહ. ૧૬

સંતો તહાં તાલ મૃદંગ લૈને, ગાવે ગુણો હર્ષિત ચિત્ત થૈને;

તે સંતમાં સદ્‌ગુણ શ્રેષ્ઠ કેવા, સંક્ષેપમાં સર્વ સુણાવું એવા. ૧૭

મૃદંગપ્રબંધ અનુષ્ટુપશ્લોક

જ્ઞાનીતા સજતા સન્ત, માનીતા તજતા સદા;

દાસતા જતિતા મુખ્ય, ભાસતા સજતા મુદા. ૧૮

मृदंगप्रबंध

Image

ઉપજાતિવૃત્ત

કરી પ્રતિષ્ઠા શુભ એવિ રીતે, કહે તહાં વર્ણિ મુકુંદ પ્રીતે;

સ્થાપ્યા તમે હે હરિ ગોપિનાથ, ચોકી કરે સેવક કોણ સાથ. ૧૯

તે સાંભળીને પ્રભુ તર્તખેવ, સ્થાપ્યા તહીં શ્રી હનુમાન દેવ;

છે ખંડ ચોથો તહિં વામ ભાગે, શજ્યા ધરેલી શુભ જેહ જાગ્યે. ૨૦

તે ખંડનું દ્વાર જહાં બિરાજે, છબી ધરી ત્યાં હનુમાન છાજે;

કહે હરિ વર્ણિ મુકુંદ પાસ, તમે અમારા શુભ જેમ દાસ. ૨૧

તેવી રિતે આ હનુમાન જાણો, ગોપીશના સેવક છે પ્રમાણો;

ભક્તો તણાં સંકટ તે હરે છે, તે માટે તેનું શુભ નામ તે છે. ૨૨

શજ્યા વિષે શ્રીહરિ આપ બેઠા, કહ્યું અમારી અહિં થૈ પ્રતિષ્ઠા;

આંહીં સદા કાળ અમે રહેશું, તે પ્રેમિને દર્શનદાન દેશું. ૨૩

શ્રીગોપિના નાથન મૂર્તિ માંહી, રહીશ હું સંતત કાળ આંહિ;

તે માટે સર્વે જન એમ જાણો, એમાં અમોમાં નહિ ભેદ આણો. ૨૪

અમે અમારા પ્રતિઅંગ જેવી, કરાવી છે તે શુભ મૂર્તિ તેવી;

તે તો સદા તેહ વિષે રહેવા, એવે રૂપે દર્શન નિત્ય દેવા. ૨૫

શિખરિણી (ષટ્ધામ વિષે)

પુરે શ્રીને નામે નર સહિત નારાયણ રહે,

ભૂજાખ્યે ધામે તો કથિત સુર બે તે સહુ કહે;

હરે લક્ષ્મીનારાયણ વૃતપુરે સંભ્રમણ તે,

જુના દુર્ગે જોયા રસિક હરિ રાધારમણ તે. ૨૬

ઘણી ધોલેરામાં મદન કહિને મોહન કહો,

ગણો ગોપીનાથ પ્રભુ ગઢપુરાધીશ્વર અહો;

પ્રભાતે જે જાતે ખચિત ખટ ધામો સમરશે,

ટળે તાપો પાપો સકળ મનઅર્થો સુફળશે. ૨૭

ઉપજાતિવૃત્ત

કહે ઉમા આ કળિકાળ માંય, કલ્યાણકારી હરિધામ ક્યાંય;

છયે મુખે કાર્તિકજી કહે છે, શ્રીભૂવજૂધો છ ધામ5 એ છે. ૨૮

આકલ્પ6 કોટી કરિ કાશિવાસ, પ્રત્યક્ષ વિશ્વેશ્વર દેવ પાસ;

જે પુણ્ય ગંગાજળ સ્નાન કીધે, તે પુણ્ય ઘેલોદક7 અલ્પ પીધે. ૨૯

એવે સમે મંદિર માંહિ રાય, જોતાં તહાં તેજ ઘણું જણાય;

શશાંક ને સૂરજ કોટિ જેવું, તથા દિસે અક્ષરધામ તેવું. ૩૦

એવે સમે અક્ષરધામ કેરા, આવ્યા મળી મુક્ત તહાં ઘણેરા;

કરે સ્તુતિ ત્યાં રહિ તેહ કાળે, છે દિવ્યદૃષ્ટી જન તે નિહાળે. ૩૧

રાધા રમા આદિક સર્વ શક્તી, ભલી કરે કીર્તનગાન ભક્તી;

સ્તુતી કરે ત્યાં મળિ ચાર વેદ, ભાસે પુરી અક્ષરથી અભેદ. ૩૨

રાજી થયા ઉત્તમ રાય આપ, પોતા તણાં ભાગ્ય ગણ્યા અમાપ;

આનંદ વાધ્યો લલિતા જયાને, આનંદ વાધ્યો જન ત્યાં બધાને. ૩૩

બ્રહ્મા ગણે છે નિજ ભાગ્યહીન, દેવેશ ઊભા થઇને જ દીન;

માહાત્મ્ય જોતાં ગઢપૂર કેરું, કૈલાસનું માન ઘટ્યું ઘણેરું. ૩૪

ઉજેણ કાશી મથુરા અયોધ્યા, દ્વારામતી કાંચિપુરી પ્રબોધ્યા;8

માયાપુરી9 આદિક હે નરેશ, તે સર્વથી દુર્ગપુરી વિશેષ. ૩૫

સહસ્ર મોઢે કદિ શેષ ગાય, માહાત્મ્ય જેનું ઉચર્યું ન જાય;

તો શારદા નારદ શું વખાણે, આ સ્થાનમાહાત્મ્ય અપાર જાણે. ૩૬

કરી પ્રભુએ વિધિયે પ્રતિષ્ઠા, પૂજા કરે સંત મળી વરિષ્ઠા;

સુચંદનાદી લઇને ચડાવે, નૈવેદ્ય ને ધૂપ ભલાં ધરાવે. ૩૭

ગોપીશની શ્રી રઘુવીરજીએ, પૂજા કરી આપ ઘણી પ્રિતીયે;

સંતો મળી સર્વ સ્તુતી ઉચારી, ગોપીશ રૂપે હરિ ચિત્ત ધારી. ૩૮

નર્કુટકવૃત્ત (રાગ: વિહરતિ યોઽક્ષરે ક્ષરપદાક્ષરમુક્તપતિઃ)

(સાત છ ને ચાર અક્ષરે વિશ્રામ હોય તો કોકીલવૃત્ત કેવાય)

જય જય ગોપીનાથ મુનિનાથ અનાથપતિ,

તવ પદમાં થજો પ્રભુ અમારિ અખંડ રતિ;

નિજજન કાજ આજ અધિરાજ કૃપા જ કરી,

સ્થિતિ કરિ દેવ દુર્ગપુર માંહિ રહ્યા જ ઠરી. ૩૯

સુખનિધિ શ્રીહરિ સકળ કાળ વસો જ અહીં,

ગઢપુર ધામ શ્યામ પળમાત્ર તજો જ નહીં;

તવ પદ વારવાર સુખકાર સદા ભજિયે,

વિમુખ જણાય જેહ જન તેહ અમે તજિયે. ૪૦

શ્રુતિપથ થાપવા પ્રભુ તમે નરદેહ ધર્યો,

અસુર અધર્મકારિ દૃગ ધારિ વિનાશ કર્યો;

વળી વૃષ ભક્તિનાં વિઘન સર્વ તમે જ હર્યાં,

મુનિજનવૃંદને અભય આપ કૃપાથિ કર્યા. ૪૧

તવ ગુણગાન ધ્યાન ધરિ શંભુ સમાન કરે,

અજ અમરેશ શેષ ઉપદેશ હમેશ ધરે;

સદગુણવંત સંત મતિમંત અનંત ભજે,

તવ પદ નેહ તેજ નિજ દેહ ધરી ન તજે. ૪૨

રવિ શશિ સિંધુ શૈલ રચના રચનાર તમે,

ઉડુગણવૃંદ10 આ ગગન માંહિ અખંડ ભમે;

ઘન પવનાદિ સર્વ ઘનશ્યામ તમે જ સ્રજ્યા,

અકળ અહો હરી સકળ છે તમ કેરી અજા.11 ૪૩

તવ મરજાદમાં સરવ સર્વ સમે વિચરે,

પણ લવલેશમાત્ર નિજ ભૂલ કદી ન કરે;

અગણિત બ્રહ્મઅંડ તવ અંગ વિષે સુ વસે,

પ્રભુ તવ શક્તિ સર્વ થળ માંહિ સદૈવ દિસે. ૪૪

જય જય ધર્મપાળ સુકૃપાળ વિશાળમતે,12

ભવજળ તારનાર સુખકાર સદા સુગતે;13

જય જય અક્ષરેશ હૃષીકેશ14 રમેશ વિભો,

જય વ્રજના વિહારિ ભયહારિ અઘારિ પ્રભો. ૪૫

સ્તુતિ સુણિ સર્વદા નિજજન પ્રતિપાળ કરો,

તન મનના ક્લેશ લવશેષ અશેષ હરો;

જનમનના મનોરથ પુરા પ્રભુજી કરજો,

વિનતિ અમારિ એહ ધરિ નેહ દિલે ધરજો. ૪૬

અથ રાધાસ્તુતિ

જય જય રાધિકા જગતમાત અઘાત ગુણી,

પ્રભુ પર પ્રીત રીત તવ ચિત્ત નથી જ ઉણી;

નિજપતિ પાસ વાસ કરિ ત્રાસ વિનાશ કરો,

સકળ જનો તણાં સરવ કષ્ટ હંમેશ હરો. ૪૭

અથ સૂર્યસ્તુતિ

જય તિમિરારિ15 દેવ બલિહારિ તમારિ બહુ,

સ્તુતિ ભલિ તો ઉચારિ નરનારિ તમારિ સહુ;

તનમન અંધકાર સહુ ઠાર ઉદાર હરો,

પ્રભુ નિજ દાસ પાસ વસિ વાસ પ્રકાશ કરો. ૪૮

અથ વાસુદેવસ્તુતિ

જય જય વાસુદેવ સહુ દેવ સુસેવ સજે,

અજ ભવ ને ભવાનિ ભવપુત્ર16 સદૈવ ભજે;

વૃષસુત થૈ તમે જ સુચરિત્ર વિચિત્ર કર્યાં,

શ્રુતિપથ થાપિ આપિ સુખ કષ્ટ તમે જ હર્યાં. ૪૯

અથ ધર્મદેવસ્તુતિ

જય જય ધર્મદેવ પ્રભુના સુપવિત્ર પિતા,

તમ સમ ભાગ્યશાળિ નહિ કોઇ બિજા કથિતા;

સકળ અધીશ જેહ સુત તેહ સુ જેહ તણા,

મુનિ મનમાં સહાય પદ સંતત17 તેહ તણા. ૫૦

અથ ભક્તિસ્તુતિ

જય જય ભક્તિમાત અવદાત18 અઘાતમતી,19

પ્રભુપદમાં તમારિ નિરધારિ જણાય રતી;

ગઢપુરમાં બિરાજિ થઈ રાજિ અખંડ રહો,

હરિજનના તમે જ હિતકારિ હંમેશ અહો. ૫૧

અથ હનુમાનસ્તુતિ

જય હનુમાન જ્ઞાન ગુણવાન વિશેષ તમે,

ભજિ ભગવાન ધ્યાન ધરિ આપ અખંડ સમે;

અતિ બળવાન થૈ તજિ ગુમાન નિદાન રહ્યા,

રઘુવર મુખ્યદૂત કવિયે તમને જ કહ્યા. ૫૨

શય્યાસ્થળહરિસ્તુતિ

જય પ્રભુજી પલંગ પર અંગ ઉમંગ ધરી,

સ્થિતિ કરિ છો રહ્યા જનહિતાર્થ હમેશ હરી;

વળિ ધરિ દિવ્ય દેહ થળ એહ વિશેષ વસો,

પ્રિયજન પ્રાણનાથ થિર આંહિ હમેશ થશો. ૫૩

ઉપજાતિવૃત્ત

ઉચ્ચારિ સંતે સ્તુતિ એવિ રીતે, મહાપ્રભુની પરિપૂર્ણ પ્રીતે;

પછી લઈને જન સર્વ સાથ, પધારિયા મંડપ માંહિ નાથ. ૫૪

પૂર્ણાહુતી ત્યાં કરિ તેહ કાળે, સૌ દેવના દેવ મહાદયાળે;

તેવે સમે બ્રાહ્મણ તેહ સ્થાન, કરે સુ વૈશ્વાનર સામગાન. ૫૫

તહાં મળી સૌ હરિભક્ત આવ્યા, ભલી ભલી ભેટ અમૂલ્ય લાવ્યા;

તે શ્રીહરી આગળ આવિ ધારી, તેનો થયો ત્યાં સમુદાય ભારી. ૫૬

રાજા ભલા ઉત્તમ જે સુભાગ, તેણે કર્યો અર્પણ ભક્તિબાગ;

આવ્યા વળી વલ્લભિપૂર રાય, ભૂમી કરી અર્પણ કૃષ્ણપાય. ૫૭

આવ્યા જિવો ખાચર ત્યાં ઉમંગે, ભૂમી કરી અર્પણ એ પ્રસંગે;

જ્યાં સૂધિ છે સૂર્ય શશાંક એહ, ત્યાં સૂધિનું પુણ્ય ગણાય તેહ. ૫૮

દેવાર્થ નૈવેદ્ય સદા ધરાશે, એથી ઘણું અક્ષય20 પુણ્ય થાશે;

ભૂમી કરી અર્પણ એહ ઠાર, તેના અહો પુણ્ય તણો ન પાર. ૫૯

શિખરિણી (ભૂમિદાન વિષે)

ગયો રાજા ભોજે વળિ નરપતી વિક્રમ ગયો,

ગયા એવા એવા અમર નર કોઈ નવ રહ્યો;

જુવો કોઈ સાથે અવનિ કરમાત્રે નવ ગઈ,

દિધી દેવાર્થે તે નિજ હિત સદા નિશ્ચળ થઈ. ૬૦

દિધેલી ધર્માર્થે ધરણિ ફરિ લેવા મન ધરે,

મહાપાપી તે તો નરક જઈને નિશ્ચય ઠરે;

વિતે કલ્પો કોટી પણ તહિં થકી તે નવ છુટે,

પછી તે પસ્તાઈ રુદન કરિ હાથે શિર કુટે. ૬૧

ઉપજાતિવૃત્ત

વર્ણી કહે સાંભળ હે નરેશ, ભક્ત મળી ભેટ ધરી વિશેષ;

સૌરાષ્ટ્રના ને ગુજરાત કેરા, આવ્યા હતા ત્યાં જન તો ઘણેરા. ૬૨

કાઠી તથા જે રજપૂત રાજા, તથા હતા જે વળિ વૈશ્ય તાજા;21

તેણે દિધાં ભૂષણ વસ્ત્ર ભારે, અશ્વો કર્યા અર્પણ એહ વારે. ૬૩

આવ્યા વળી ત્યાં જન વર્ણ ચારે, શક્તી પ્રમાણે શુભ ભેટ ધારે;

જેની તહાં શક્તિ દિસે લગાર, તેણે સમર્પ્યા શુભ પુષ્પહાર. ૬૪

પછી પુરુષોત્તમ ઘાટ જ્યાંય, નાવા પધાર્યા હરિરાય ત્યાંય;

સાથે હતો સૌ જનનો સમાજ, ભણે શ્રુતીમંત્ર સુવિપ્રરાજ. ૬૫

વાજિંત્ર વાજે વિવિધ પ્રકાર, કર જનો સૌ જયનો ઉચાર;

સાથે કુટુંબી નર સર્વને લૈ, અવભ્રથી22 સ્નાન કર્યું તહાં જૈ. ૬૬

પછી પ્રભૂ મંદિર માંહિ આવી, સભા સભામંડપમાં ભરાવી;

દિધાં દ્વિજોને બહુ શ્રેષ્ઠ દાન, આપી શકે કોણ પ્રભૂ સમાન. ૬૭

સૌ વિપ્રને અંતર હર્ષ વ્યાપ્યો, મંત્રો ભણી આશિરવાદ આપ્યો;

રહ્યા દ્વિજો પૂનમ સૂધિ જેહ, જમીડિયા શ્રીહરિ સર્વ તેહ. ૬૮

જમ્યા સુસંતો પણ તેહ વાર, જમ્યા સહૂ જે જન વર્ણ ચાર;

નવે નિધી ને વળિ અષ્ટ સિદ્ધી, આવી વસી જ્યાં પ્રભુદૃષ્ટિ કીધી. ૬૯

સભા વિષે શ્રીહરિજી બિરાજી, કહે જનોને થઇ રાજિ રાજી;

માહાત્મ્ય આ ધામ તણું જ જેવું, તે તુલ્ય તો અન્ય નહીં જ એવું. ૭૦

આ ધામ છે અક્ષરધામ તુલ્ય, એમાં નથી રંચકમાત્ર ભૂલ્ય;

એ ધામના અક્ષરમુક્ત જેહ, પામ્યા અહીં છે અવતાર તેહ. ૭૧

જન્મ્યા અમે કોશળદેશ માંહી, સ્થિતિ કરી છે પણ આવિ આંહીં;

દ્વારામતીથી અધિકૂં વિશેષ, તેમાં નથી સંશયમાત્ર લેશ. ૭૨

જોયાં અમે તીર્થ સમસ્ત ચાલી, ઉન્મત્તગંગા અતિ છે વહાલી;

લીલા કરી તે તટ માંહિ જેવી, બિજે નથી ક્યાંઇ કરી જ એવી. ૭૩

ઘણું ઘણું શું ઉચરું નિદાન, સર્વોપરી તીરથ એહ સ્થાન;

લૈ સર્વ તીર્થો સહ તોલ થાય, આ તીર્થની તુલ્ય નહીં જણાય. ૭૪

તહાં શતાનંદ કવીંદ્ર આવ્યા, સત્સંગિનું જીવન ગ્રંથ લાવ્યા;

તેણે કહ્યું ત્યાં જુગ જોડિ હાથ, ભવિષ્ય સુદ્ધાં લખિ વાત નાથ. ૭૫

વાલો સુણીને વિચર્યા હલાસે, જૈ કૂપ ગંગાજળિયાની પાસે;

સભા ભરીને સનમાન દીધું, તે ગ્રંથનું પૂજન ત્યાં જ કીધું. ૭૬

તે ગ્રંથની આરતિ તો ઉતારી, પૂજ્યા કવીને પણ પ્રીત ધારી;

આભૂષણો ને ધન વસ્ત્ર લાવી, તે ભેટ તો પુસ્તકને ધરાવી. ૭૭

શ્રીમંત કે જે સરદાર રાય, સૌએ ધરાવી શુભ ભેટ ત્યાંય;

વસ્ત્રો તથા ભૂષણ દ્રવ્ય લૈને, મૂકે જનો પુસ્તક પાસ જૈને. ૭૮

જાણી શતાનંદનિ જોગ્ય જેહ, તેને સમર્પી શુભ ભેટ તેહ;

બાકી રહી તે હરિએ વિચારી, આચાર્ય બેના કર માંહિ ધારી. ૭૯

શ્રીજી કહે પુસ્તક એહ જાણો, સત્સંગિનું જીવન છે પ્રમાણો;

તેની કથા વાંચન થાય જ્યાંય, પ્રત્યક્ષ હું આવિ વસીશ ત્યાંય. ૮૦

પછી તહાં વાદ્ય વિશેષ લાવ્યા, સત્સંગિ સૌ સંત મળી સિધાવ્યા;

શ્યામે ધર્યું પુસ્તક શીશ ભાગ, પૂજા કરી જૈ વળિ લક્ષ્મીબાગ. ૮૧

કર્યો ભલો ઉત્સવ એહ કાળ, રાજી થયા દીન તણા દયાળ;

પ્રસાદિની સાકર વેંચિ દૈને, બિરાજિયા મંદિર માંહિ જૈને. ૮૨

હતા સમૈયે જન જેહ આવ્યા, સ્વદેશમાં શ્રીહરિએ વળાવ્યા;

પોતે જવાની રુચિ ઉર આણી, ગયા પ્રભુ જ્યાં પુર કારિયાણી. ૮૩

એકાંતવાસો કરિ એહ ઠામ, આવ્યા દિવાળી પર દુર્ગધામ;

કર્યો સમૈયો શુભ કાર્તકીની, પ્રબોધિની નામ તિથી ભલીનો. ૮૪

પુષ્પિતાગ્રાવૃત્ત

ગઢપુર છબિ ગોપિનાથજીની, પ્રભુ પધરાવિ તથા છબી રવીની;

પુનિત ચરિત તે સુણે સુણાવે, કદિ જમદાસ ન તેહ પાસ આવે. ૮૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુર્ગપુરે શ્રીગોપીનાથાદિ પ્રતિમાસ્થાપનનામ ત્રિષષ્ઠિતમો વિશ્રામઃ ॥૬૩॥

 

ઇતિ શ્રીહરિલીલામૃતે મહામંદિરનામ અષ્ટમકલશઃ સમાપ્તા ॥૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે