વિશ્રામ ૮
પૂર્વછાયો
વાંકિયામાં રજની વિષે, પૌઢિ ઉઠ્યા પ્રભૂજિ પ્રભાત;
નિધિ તૈયારી ચાલવા, સખા સંત લઈ સંઘાથ. ૧
ચોપાઈ
સોઢિબાઇએ સ્નેહ સહીત, ઘેલા ખાચરે પણ રુડિ રીત;
બહુ વિનતિ કરી પ્રભુ પાસ, વસો આજ દિવસ અહીં વાસ. ૨
સુણી બોલિયા સુંદરશ્યામ, ઉતાવળથી જવાનું છે કામ;
રાજકોટ જવું છે અમારે, માટે તાણ ન કરવી તમારે. ૩
એવું સાંભળિ બોલ્યાં ન કાંઈ, સમઝ્યાં તે મરમ મનમાંઈ;
જસો ખાચર બાળક જેહ, સોઢિબાઇએ તેડેલા તેહ. ૪
પગે શ્રીહરિને ત્યાં લગાડ્યા, હરિએ શિર હાથ અડાડ્યા;
વળિ છાતીમાં ચાંપિયાં ચરણ, અઢળક ઢળ્યા અશરણશરણ. ૫
પછિ ત્યાંથિ પ્રભૂ પરવરિયા, રસ્તે બે ગાઉ સુધી સંચરિયા;
તહાં સંત બે સન્મુખ આવ્યા, પત્ર સાહેબનો તેહ લાવ્યા. ૬
પત્ર આપ્યો ને કીધા પ્રણામ, ત્યારે બોલિયા સુંદરશ્યામ;
કહો સંતો તમે ક્યાંથી આવ્યા, કેનો પત્ર આ ક્યાં થકિ લાવ્યા. ૭
કહે સંત સુણો જગવંદ, જે છે પરમ ચૈતન્યાનંદ;
ભુજ જાત્રા કરી તેનિ સાથ, રાજકોટ આવ્યા અમે નાથ. ૮
મુંબૈ કેરા ગવર્નર જેહ, રાજકોટમાં છે આજ તેહ;
તેણે આપિયો આપનો પત્ર, લૈને આવ્યા છૈયે અમે અત્ર. ૯
પત્ર શ્રીજીએ તે વાંચિ લીધો, શુક સ્વામિને વાંચવા દીધો;
પછિ ઉચ્ચર્યા શ્રીહરિ એમ, પૂરો સાહેબનો દિસે પ્રેમ. ૧૦
મુની મુક્ત લખે જેવિ રીતે, પત્ર અમ પર પૂરણ પ્રીતે;
એવો પ્રેમ જણાય છે એનો, જુઓ મર્મ વિચારીને તેનો. ૧૧
હેત સાંભળિ સાહેબ કેરું, સૌને અચરજ ઉપજ્યું ઘણેરું;
દાદો ખાચર કહે શિર નામી, તમે છો પ્રભુ અંતરજામી. ૧૨
કહ્યું વાટમાં આવે છે પત્ર, તે તો આવ્યો ખરેખરો અત્ર;
પછિ ત્યાંથિ ચાલ્યા સુખરાશી, આટકોટ ગયા અવિનાશી. ૧૩
ત્યાંના હરિજન દર્શને આવ્યા, ભેટ કરવાને ભાતું તે લાવ્યા;
કૃપાનાથે કીધું અંગિકાર, ચાલ્યા આગળ જગતઆધાર. ૧૪
નદિ આવી બુઢણપરિ નામ, કરિ નિત્યક્રિયા તેહ ઠામ;
ભાતું સર્વને શ્રીજીએ દીધું, પોતે પણ તહાં ટીમણ કીધું. ૧૫
ત્યાંથિ આગળ ચાલિયા જ્યારે, એક ડુંગર દીઠો તે વારે;
તેના શિખર ઉપર દેરી હેરી, પુછ્યું હરિએ આ શેની છે દેરી? ૧૬
બોલ્યા દાદાખાચર પ્રભુપાસ, એનો તો એક છે ઇતિહાસ;
કહે છે બેય ચારણ હતા, પોઠિયા ભરિ માલ લાવતા. ૧૭
તેઓ આવતાં આ સ્થળ માંહી, બેય વાદ વદ્યા માંહો માંહી;
જેનો પોઠીયો ભારસહીત, ચડે શિખરે તેની થાય જીત. ૧૮
ન ચડે તેનિ હાર્ય કહાવે, તે આ શિખરમાં દેરી કરાવે;
પછિ એકનો પોઠિયો ચડ્યો, બીજાનો અધવચથી જ અડ્યો.1 ૧૯
તેણે પોઠિયા વેચિ તમામ, એહ દેરી કરાવિ આ ઠામ;
તેથી ડુંગરનું પણ શ્યામ, પડ્યું બળધવો ડુંગર નામ. ૨૦
સુણિ બોલિયા જગજીવન, કેવા હોય છે મુરખ જન;
કોડી ખર્ચે નહીં સારે રસ્તે, વ્યર્થ વાદમાં ખરચે સમસ્તે. ૨૧
ઉપજાતિવૃત્ત (વ્યર્થ ધન વાવરવા વિષે)
જુઓ જનો મૂરખ હોય કેવા, કાંઈ વિચારે નહિ ઊર એવા;
ઉગે નહીં એ સ્થળ અન્ન વાવે, ઉગે તહાં વાવિ શકે ન ભાવે. ૨૨
દેવાર્થ2 દેતાં ધન એમ ધારે, ઓછું થશે એટલું દ્રવ્ય મારે;
વાદે ચડે વ્યર્થ મમત્વ ખેંચી, તો વાવરી દે ઘરબાર વેચી. ૨૩
સુસંતને સારિ રસોઇ દેતાં, બહૂ વિચારે મનમાંહિ તે ત્યાં;
વાદે ચડી ખૂબ વિવાહ ટાણે, દેવું વધ્યાનો ડર તે ન આણે. ૨૪
જુગાર માંહી ધન જે ગુમાવ્યું, વાદે વિવાદે વળિ જે ઉડાવ્યું;
લીધું ઠગોયે ઠગિ દ્રવ્ય જેનું, તે વ્યર્થ જાણો નહિ પુણ્ય તેનું. ૨૫
ફુલાઇને નાત્યવરા3 કરે છે, વાદે વધારે ધન વાવરે છે;
પછીથિ જ્યારે ઘર જપ્ત થાય, લજ્જા તથા દ્રવ્ય સમસ્ત જાય. ૨૬
દ્રવ્યાર્થ જે દેશ વિદેશ જાય, અત્યંત કષ્ટે ધન ત્યાં કમાય;
વિવાદમાં વ્યર્થ પછી ઉડાવે, તે મૂર્ખ મોટો જગમાં કહાવે. ૨૭
પોતે ન ખાધું પરને ન આપ્યું, ન કોઇનું સંકટ કાંઈ કાપ્યું;
ન કાંઈ એનો ઉપયોગ થાય, કુસંગિનું દ્રવ્ય કુમાર્ગ જાય. ૨૮
આ દેરી દેખી દિલમાં વિચારો, કુવો કર્યો હોત ગણાત સારો;
વિવેકવાળો જન જેહ હોય, આવું કદી કામ કરે ન કોય. ૨૯
ચોપાઈ
શિખામણ એવી શ્રીજીએ દીધી, હરિભક્તોએ ઉર ધરિ લીધી;
ગામ આવ્યું જતાં બળધોઈ, તેમાં માણસ દીઠું ન કોઈ. ૩૦
ત્યાંથિ આગળ ચાલિયા જ્યાંય, દીઠાં બોરડિએ બોર ત્યાંય;
વર્ણિ વૈકુંઠાનંદે તે લીધાં, તે તો શ્રીજીને અર્પણ કીધાં. ૩૧
હતા રાયજી નામે જે પાળા, લાવ્યા તે પણ બોર રસાળાં;
આપ્યાં તે હરિને હેત આણી, જમ્યા પ્રીતથી સારંગપાણી. ૩૨
બ્રહ્મચારિ બોલ્યા તેહ ઠોર,4 શબરીનાં આવાં હશે બોર;
સુણિને હસ્યા સુંદર શ્યામ, આપિ સૌને પ્રસાદિ તે ઠામ. ૩૩
એમ કરતાં ચાલ્યા સહુ એહ, આવ્યો ગોવાળિયા તણો નેહ;
એક ગોવાળીએ પુછ્યું ત્યાંય, કેનું લશ્કર જાય છે ક્યાંય. ૩૪
દાદો ખાચર બોલિયા ત્યાંઈ, નથી લશ્કર કોઇનું ભાઈ;
એ છે સ્વામિનારાયણ દેવ, સારા સંત સજે જેનિ સેવ. ૩૫
એવું સાંભળિ દોડ્યો ગોવાળ, નમ્યો જૈ પ્રભુને તતકાળ;
ભગવાને તેને કેવો ભાળ્યો, ખભે ડાંગ ને કાંબળો કાળો. ૩૬
જોડા ચમચમ બોલે ઓખાઈ, દીસે અંગમાં ઉન્મતતાઈ;
ભરવાડ્યો તહાં દોડિ આવી, વંદ્યા કૃષ્ણને શીશ નમાવી. ૩૭
નરનારિ કહે ભગવાન, આજ થાઓ અમારા મેજામાન;
અમે તો દાસ આપનાં છૈયે, જમ્યા વગર જવા નહિ દૈયે. ૩૮
અતિ તેઓને દેખિ અધીર, આવ્યાં શ્રીજીના નેણમાં નીર;
કહ્યું જે ઉતાવળ છે જવાની, વાત કરશો ન ખોટિ થવાની. ૩૯
દાદા ખાચરને કહે માવો, તમે સારી રિતે સમજાવો;
દાદા ખાચરે પણ પ્રેમિ ભાળ્યાં, સમઝાવિ ઘણું પાછાં વાળ્યાં. ૪૦
દાદા ખાચરે પૂછિયું એમ, નીર નેણ વિષે આવ્યાં કેમ;
સુણી ઉચ્ચર્યા શ્રીઅવિનાશી, મને સાંભર્યાં ગોકુળવાસી. ૪૧
પૂરાં પ્રેમિ હતાં તેઓ જેવાં, હતાં આ નરનારિયો એવાં;
દાદા ખાચરે વાણી ઉચ્ચારી, દયાળુ દયા ધન્ય તમારી. ૪૨
ત્યાંથી ચાલિયા શ્રીવનમાળી, આવ્યું ગામ તહાં ઉમરાળી;
રાજો ડાંગર સામૈયું લાવ્યા, ઘેર પોતા તણે પધરાવ્યા. ૪૩
તેણે સેવા સજી ભલિ ભાત, રહ્યા પ્રાણજીવન તહાં રાત;
ખોખરા ગામમાં થયું જાણ, આવ્યા છે પ્રભુ પુરુષપુરાણ. ૪૪
આવ્યા હરિજન દર્શન કાજ, તેનાં નામ કહું સુણો રાજ;
હતા નાડોદા તે સહુ જાતે, બહુ ભક્તિ કરે ભલિ ભાતે. ૪૫
સામે સિંધવ જેહ લખાય, એક કાનો પટેલ ગણાય;
અજો વસ્તો લખો કિકો ઉકો, તેજો કરશન નારણ પકો. ૪૬
કહું ગોહેલ બે તણાં નામ, એક મલ્લાર ને વિશરામ;
ચાવડા તો ખોડાભાઈ જાણો, વાઢેલા નરસિંહ પ્રમાણો. ૪૭
ઉમરાળિયે એ સહુ આવ્યા, સાથે ગાડાં જોડી જોડી લાવ્યા;
રાત વીતિ ગઈતિ વિશેષ, તેથી પોઢ્યા હતા પરમેશ. ૪૮
તેથિ તે પણ સૌ રહ્યા રાત, રાત વીતિને પ્રગટ્યું પ્રભાત;
હરિ જાગિને તાપતા હતા, આવ્યા હરિજન આતુર થતા. ૪૯
કહ્યું પ્રેમે કરીને પ્રણામ, ચાલો ગુણનિધિ ખોખરે ગામ;
ઘણા દિવસનિ આશા અમારી, આજ પૂર્ણ કરો કૃપા ધારી. ૫૦
કહે કૃષ્ણ છે કામ અમારે, માટે તાણ ન કરવી તમારે;
તમે આવિ કર્યાં દરશન, રાખો આનંદ એ થકિ મન. ૫૧
વળતાં આવશું અમે જ્યારે, ત્યારે આવશું ગામ તમારે;
એવું આપિ વચન એહ ઠામ, સરધાર ગયા ઘનશ્યામ. ૫૨
ગરનાળું સડકનું છે જ્યાંય, જઇ ઊતર્યા શ્રીહરિ ત્યાંય;
ગામમાંથી હરિભક્ત આવ્યા, ભેટ ધરવાને ટીમણ લાવ્યા. ૫૩
ધરિ ભેટ કહ્યું જોડિ હાથ, ગામ માંહિ પધારો હે નાથ;
કહે કૃષ્ણ છે કામ અમારે, માટે તાણ ન કરવી તમારે. ૫૪
કહિ એમ ચાલ્યા વનમાળી, આવ્યું ગામ જતાં અણિયાળી;
ગયા ત્યાં થકિ ગામ થોરાળે, કાંઠે આજિ નદીને રૂપાળે. ૫૫
કર્યો આંબા તળે ત્યાં ઉતારો, નાયા નીરમાં ધર્મદુલારો;
નાયો ત્યાં વળિ સર્વે સમાજ, આપ્યું ટીમણ જમવાને કાજ. ૫૬
જમિ ચાલિયા જીવન જ્યારે, પાડાસણના હરિભક્ત ત્યારે;
સરતાનજી આવિયા ત્યાંય, કહ્યું ચાલો પાડાસણ માંય. ૫૭
વળતાં આવશું દઇ વેણ, ચાલ્યા આગળ જનસુખદેણ;
રાજકોટ ગાઉ એક રહ્યું, ત્યારે સ્વારને શ્રીજીએ કહ્યું. ૫૮
પત્ર સાહેબનો લાવ્યા તમે, તેથિ આવ્યા અહીં સુધિ અમે;
જાઓ આગળથી એહ વાર, કહો સાહેબને સમાચાર. ૫૯
પુષ્પિતાગ્રાવૃત્ત
સુણિ પછિ અસવાર તે સિધાવ્યો, અધિપતિને જઇ સાર તે સુણાવ્યો;
સુણિ ઉર ઉપજી ખુશી અશેષ, વરણન તેનું ન થૈ શકે નરેશ. ૬૦
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિરાજકોટ-સમીપવિચરણનામ અષ્ટમો વિશ્રામઃ ॥૮॥