કળશ ૧૦

॥ શ્રીહરિલીલામૃતમ્ ॥

કળશ ૧૦

 

उत्तरनाम दशमकलशप्रारंभः ॥

 

વિશ્રામ ૧

 

શાર્દૂલવિક્રીડિત

આવ્યા અક્ષરમુક્ત ત્યાં સ્તવન1 તો કીધું હરીનું ઘણું,

ત્યારે ધામ વિષે સ્વયં વિચરવા લીધું ઉદાસીપણું;

દેહોત્સર્ગ કર્યો જણાય ન કર્યો પ્રત્યક્ષ દીઠા તદા,

લીલા અદ્‌ભુતકારિ કૃષ્ણ હરિને વંદું સદા સર્વદા. ૧

પૂર્વછાયો

વર્ણિ કહે વસુધેશને, હવે શ્રીહરિ જાશે સ્વધામ;

તેહ કથા તમને કહું, સુણો રાખીને મન સ્થિર ઠામ. ૨

ચોપાઈ

રણછોડજિની પ્રતિમય, સ્થાપિ આચાર્યે વરતાલમાંય;

સમૈયો થયો તે સમે સારો, મળ્યા હરિજન સંત હજારો. ૩

નિત્યાનંદ આદિ મુનિવ્રાત,2 મળી શ્રીજિને તે કહિ વાત;

વખાણીને કહે જેમ જેમ, વારે વારે પૂછે પ્રભુ તેમ. ૪

નિત્યાનંદ કહે અહો સ્વામી, સમૈયામાં રહી નહિ ખામી;

થયું આચાર્યથી સુખ એવું, આપ પ્રત્યક્ષથી થાય જેવું. ૫

સુણિ વિચારે સુંદરશ્યામ, હવે પૂરું થયું મુજ કામ;

સંપ્રદાયની સંભાળ જેહ, કરશે બેય આચાર્ય તેહ. ૬

બોલ્યા ગોપાળજી મહારાજ, નાથ સાંભળો ગરીબનિવાજ;

રણછોડજિ સ્થાપિયા જેહ, મારિ ઇચ્છા પુરી થઇ એહ. ૭

કહે કૃષ્ણ રાજી થયા તમે, તેથિ સંતોષ પામિયા અમે;

પૂરી કરવા સ્વજનનિ ઇચ્છાય, અમે ધારણ કીધિ છે કાય. ૮

પછિ સૌ હરિભક્તે સુરીતે, પૂજા શ્રીહરિની કરિ પ્રીતે;

સૌને મધુર વચનથિ બોલાવ્યા, હૈયામાં હરિએ હરખાવ્યા. ૯

સંઘને કહે સકળજનેશ,3 જાઓ પોતપોતા તણે દેશ;

ધર્મ પાળિને કરજો ભજન, વળિ ધીરજ ધારજો મન. ૧૦

મારિ આજ્ઞા જો માનશો તમે, અંતે તેડવા આવશું અમે;

ધામમાં રહેશું સહુ સાથે, એમ વાત કરી બહુ નાથે. ૧૧

સુણિ શ્રીહરિ કેરિ આજ્ઞાય, થયા સંઘ તો સર્વ વિદાય;

એક વાસરે વિશ્વ આધાર, ભલા અક્ષરભુવન મોઝાર. ૧૨

સિંહાસન પર બેસિને શ્યામ, લાગ્યા મનમાં વિચારવા આમ;

ધર્મ સ્થાપવા ધરણી મોઝાર, લીધો આ સમે મેં અવતાર. ૧૩

માટે વેદ વિષે વખણાય, એવો સ્થાપ્યો ઉદ્ધવિ સંપ્રદાય;

તેના પાયા અચળ રચ્યા ચાર, સંપ્રદાયનો એ છે આધાર. ૧૪

મોટાં મોટાં જે ધામ રચાવ્યાં, તેમાં રૂપ મારાં પધરાવ્યાં;

પાયો અચળ એ થયો એક, જેથિ ઉદ્ધરે જીવ અનેક. ૧૫

સંપ્રદાયને સાચવનારા, સ્થાપ્યા બેય આચારજ સારા;

બીજો પાયો તો એ જ ગણાશે, સતસંગનું રક્ષણ થાશે. ૧૬

ધર્મશાસ્ત્ર રચ્યાં છે મેં જેહ, ત્રીજો પાયો તો છે દૃઢ તેહ;

ગ્રંથ સત્સંગિજીવન નામ, સતસંગિનું જીવન ઠામ. ૧૭

સતશાસ્ત્રનો સાર ઉદ્ધારી, શિક્ષાપત્રી રચી છે મેં સારી;

ભવસાગર તારણ જેવી, એ તો નૌકા છે અદ્‌ભુત એવી. ૧૮

ઘણા ધર્મવાળા સંત જે છે, ચોથો પાયો અચળ વળિ એ છે;

હરિભક્ત હજારો હજાર, થયા છે સતસંગ મોઝાર. ૧૯

ધર્મ ભક્તિ ને ઉદ્ધવ આદી, વળિ બીજા મુનિ મરીચ્ચાદી;

દુરવાસાના શાપથિ જેહ, પામિયા હતા માનવ દેહ. ૨૦

તેને શાપ થકી તો મુકાવ્યા, અને ભૌતિક દેહ તજાવ્યા;

કૈક દિવ્ય દેહે મુજ પાસે, રહિને મુજ ચરણ ઉપાસે. ૨૧

કૈકે રાખ્યા છે ભૌતિક દેહ, સતસંગ વધારે છે તેહ;

ઘણા અસુરે વળી વૈર લેવા, ધર્યા દેહ પિબેકાદિ જેવા. ૨૨

એવા સર્વનો આવિયો અંત, વિચરે છે સુખે હવે સંત;

વામ મારગનો થયો નાશ, થયો સત્સંગ સઘળે પ્રકાશ. ૨૩

મારે આવવાનો હેતુ જેહ, હવે સર્વે પુરો થયો તેહ;

સતસંગ વધારશે સંત, સતસંગિ તો થાશે અનંત. ૨૪

વળિ થાશે આચારજ જેહ, ગ્રંથો કરશે કરાવશે તેહ;

મંદિરો પણ મોટાં કરાશે, સંપ્રદાય તણી વૃદ્ધિ થાશે. ૨૫

વળિ વૃત્તાલના સમાચાર, સુણિ નિશ્ચે થયો નિરધાર;

આચારજ કામ પોતાનું કરશે, હરિજન પણ આજ્ઞાઓ ધરશે. ૨૬

હવે અડચણ તો નહિ આવે, નહિ કોઇ ધરમ અટકાવે;

રાજ અંગ્રેજિ પણ થયું સારું, રક્ષા સંત તણી કરનારું. ૨૭

હવે અક્ષરધામમાં જાઉં, આંહિથી તો તિરોધાન4 થાઉં;

પણ મારા પ્રેમી જન જેહ, વિજોગે કેમ જીવશે તેહ? ૨૮

માટે સાંતવના તેને કરું, પછિથી હું સ્વધામ વિચરું;

એવી ઇચ્છા કરી હરિ જ્યારે, આવ્યા અક્ષરના મુક્ત ત્યારે. ૨૯

કોટિ સૂર્ય શશાંક સમાન, દિવ્ય કાયા દિસે કાંતિમાન;

દિવ્ય ભૂષણ વસ્ત્ર ધરેલાં, જેનાં અર્ચન ઈશે કરેલાં. ૩૦

સત ચિદ ને આનંદ રૂપ, એવા અક્ષરમુક્ત અનૂપ;

વળિ ગોલોકના મુક્ત જેહ, હરિઇચ્છાએ આવિયા તેહ. ૩૧

પ્રભુને કર્યા દંડપ્રણામ, તન પુલકિત પ્રેમના ધામ;

કૃપાદૃષ્ટિ કરી જ્યાં કૃપાળે, અતિ સુખ ઉપજ્યું એહ કાળે. ૩૨

પછિ હેતે જોડી જુગ હાથ, ઉચ્ચર્યો સહુ મુક્તનો સાથ;

અતિ વિનયથી ગદગદ વેણે, શ્રીહરીનિ સ્તુતિ કરી તેણે. ૩૩

વસંતતિલકા

હે દેવદેવ! કરુણાકર સૌખ્યકારી,

શક્તિ અપાર સરવોત્તમ છે તમારી;

છોજી તમે અજર અક્ષરધામવાસી,

હૈયે અમે તમ તણા પદના ઉપાસી. ૩૪

  બ્રહ્માંડ કોટિ પ્રભુ છે તવ રોમકૂપે,

  ભાસે સદૈવ તમમાં પરમાણુ રૂપે;

  બ્રહ્મેશ વિષ્ણુ તવ સેવક છે અનેક,

  રાજાધિરાજ સરવોપરિ આપ એક. ૩૫

મસ્યાદિ જન્મ તમમાંથિ થતા જણાય,

અંતે તમારિ છબિમાં વળિ લીન થાય;

બ્રહ્માંડ માંહિ અવતાર થયા અમાપ,

તે સર્વના પ્રભુ તમે અવતારિ આપ. ૩૬

  જે દિવ્ય કામ અવતાર થકી કરાય,

  તે કામ આજ તવ સેવકનાથિ થાય;

  એવો પ્રતાપ પ્રભુ આપ તણો અપાર,

  વંદૂં પ્રભુજિ પદપંકજ5 વાર વાર. ૩૭

આપ પ્રતાપ થકિ કોઇક વૃષ્ટિ લાવે,

કોઈ સમાધિ નજરે જનને કરાવે;

જાણે પરાયું મન અંતરજામિ જેમ,

કોઈ થકી જમચરો ડરિ જાય એમ. ૩૮

  કોઈ વિષે વચનસિદ્ધિ દિસે વિશેષ,

  કોઈ કરે જ પરકાય વિષે પ્રવેશ;

  કોઈ મરેલ જનને ફરિથી જિવાડે,

  કોઈ લડી જબર રાક્ષસને પછાડે. ૩૯

ઐશ્વર્ય એમ તવ દાસ વિષે જણાય,

સામર્થ્ય આપ તણું કેમ કરી કળાય;

થાકે કહી નિગમ6 નેતિ કહે મુંઝાઈ,

જાણી અગમ્ય હરખે ગુણગાન ગાઈ. ૪૦

  સેવે અસંખ્ય મળિ અક્ષરમુક્તવૃંદ,

  તે તો તમે નરશરીર ધર્યું સ્વછંદ;

  જો પત્ર પુષ્પ જન અર્પણ જે કરે છે,

  તે અંગિકાર કરિયાં અતિ ધન્ય એ છે. ૪૧

વૈરાટ તાત જનની પુરુષ પ્રધાન,

તેના પિતાનું7 પણ છો પ્રભુજી નિદાન;8

છો કાળકાળ વૃષબાળક વિશ્વપાળ,

વંદું દયાળ દિલ વિશ્વવિહારિલાલ. ૪૨

ચોપાઈ

તમે ધરણિ ઉપર તનુ ધારી, કર્યાં અદ્‌ભુત કામ મુરારી;

તમે કૃત્યોને ઉપજાવ્યો ત્રાસ, કાલિદત્ત તણો કર્યો નાશ. ૪૩

અયોધ્યા માંહિ બાળચરિત્ર, કર્યાં પાવનકારિ પવિત્ર;

ભક્તિમાતાને દેખાડ્યાં ધામ, જ્ઞાન આપ્યું પોતા તણું શ્યામ. ૪૪

તમો ઘર તજિ વનમાં વિચર્યા, હિમાલયની તલાટીમાં ફર્યા;

ગયા બંગાળદેશ મોઝાર, જીત્યો પિબૈકને તેહ ઠાર. ૪૫

જગન્નાથ વિષે વસિ વાસ, કર્યો દુષ્ટ વેરાગિનો નાશ;

ફર્યા દક્ષિણ દેશ વિશેષ, કર્યાં તીર્થ પવિત્ર અશેષ. ૪૬

ગુજરાતથિ સોરઠ ગયા, રામાનંદજિના શિષ્ય થયા;

ગાદિ સોંપી ગયા તે સ્વધામ, કર્યાં તે પછી અદ્‌ભુત કામ. ૪૭

ઘણા જનને કરાવિ સમાધી, ધામ દેખાડ્યાં રહિત ઉપાધી;

કળા અષ્ટાંગ જોગનિ જેહ, પરિપૂર્ણ પ્રવર્તાવિ તેહ. ૪૮

અહિંસામય વૈષ્ણવયાગ, પ્રવર્તાવ્યા તમે તે અથાગ;

વામ માર્ગનું ખંડન કર્યું, અભિમાન અસુરોનું હર્યું. ૪૯

વેદમાર્ગ સનાતન જેહ, રુડિ રીતે પ્રવર્તાવ્યો તેહ;

હતા આચાર્ય ધર્મના ધ્વંશી,9 હતા રાજા અસૂરના અંશી. ૫૦

તમે તેનો પરાભવ કીધો, ડંકો જીતનો દેશમાં દીધો;

ઘણા દુષ્ટ થયા તમ સામા, પણ અંતે પરાભવ પામ્યા. ૫૧

કામ ક્રોધ લોભાદિક જેહ, વડો વંશ અધર્મનો તેહ;

વસે વાસ તે જનમન માંય, કર્યો તેનો પરાભવ ત્યાંય. ૫૨

અહિંસા સત્ય ને સદાચાર, એહ આદિ ધરમપરિવાર;

જનોના મનમાં તમે સ્થાપ્યો, સર્ગ અધરમ કેરો ઉથાપ્યો. ૫૩

સતશાસ્ત્ર ને બ્રાહ્મણ સંત, તેનું માન વધાર્યું અત્યંત;

મંદિરો મોટાં મોટાં કરાવ્યાં, તેમાં પોતાનાં રૂપ સ્થપાવ્યાં. ૫૪

વળિ બેય આચારજ સ્થાપ્યા, દેશ તેઓને વહેંચિને આપ્યા;

દીક્ષા વૈષ્ણવિની શુભ રીતી, પ્રવર્તાવિ તમે કરી પ્રીતી. ૫૫

સતશાસ્ત્રનો સાર ઉધારી, શિક્ષાપત્રી પ્રવર્તાવિ સારી;

સતસંગિજીવન ગ્રંથ જેહ, શતાનંદમુની પાસે તેહ. ૫૬

જનકલ્યાણ માટે કરાવ્યો, હવે તે તો પૂરો થવા આવ્યો;

વર્ણ આશ્રમના ધર્મ વળી, તથા ભક્તિ એકાંતિક ભલી. ૫૭

પ્રવર્તાવિ તમે વિશ્વમાંય, તે પ્રવૃત્તિ તો તમથી જ થાય;

જૈન પારસિ મુસલમાન, વળિ વેદાંતનું જેને તાન. ૫૮

કોઇ શંકર કેરા ઉપાસી, દેવી ભક્તિના કોઇ અભ્યાસી;

પોતપોતાના ઇષ્ટનું રૂપ, તેણે તમ માંહિ દીઠું અનૂપ. ૫૯

તેથી પોતા તણો મત છોડી, પ્રીતિ આપના પદ માંહિ જોડી;

એ તો અદ્‌ભુત કામ ગણાય, બીજા કોઇથી તે તો ન થાય. ૬૦

જે જે લીલા કરી હરિરાય, સુણિ ભવજળ પાર પમાય;

કરવાનું તે કીધું વિશેષ, હવે કાંઈ નથી અવશેષ. ૬૧

હવે વિનય સુણીને અમારો, બ્રહ્મધામમાં આપ પધારો;

સુણિ બોલિયા સુંદરશ્યામ, મારે આવવું છે બ્રહ્મધામ. ૬૨

ગયા કાર્તિક માસથી હુંય, મંદવાડ જણાવું તો છુંય;

પણ જે પ્રેમિભક્તો છે મારા, નથિ વિજોગ તે સહેનારા. ૬૩

મારિ પાછળ તે તજે દેહ, મને ચિંતા ઘણી રહે તેહ;

માટે સાંતવના કરું સારી, જેથિ તે રહે ધીરજ ધારી. ૬૪

એ જ બાકિ છે તે કરિ કામ, પછિ આવિશ અક્ષરધામ;

તમે તો તેહ ધામમાં જાઓ, નકિ જાણિને નિશ્ચિંત થાઓ. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણિ હરિ મુખની મધૂરિ વાણી, નિજ ઉર માંહિ અપાર હર્ષ આણી;

નિજનિજ થળ મુક્ત તેસિધાવ્યા, સહુ સમિપે શુભ શબ્દ તે સુણાવ્યા. ૬૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિતિરોધાનાદૌ-અક્ષરમુક્તકૃતસ્તુત્યાદિનિરૂપણનામ પ્રથમ વિશ્રામઃ ॥૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે