કળશ ૪

॥ શ્રીહરિલીલામૃતમ્ ॥

કળશ ૪

 

દીક્ષાનામ ચતુર્થ કલશ પ્રારંભઃ

 

વિશ્રામ ૧

 

 

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

વંદૂં જે હરિ લોજ માંહી શિખવી અષ્ટાંગયોગી કળા,

રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો તે પીપળાણે મળ્યા;

દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી,

સ્વામીયે ધુર1 સંપ્રદાય તણી તો જૈ જેતપૂરે દીધી. ૧

પૂર્વછાયો

વર્ણી કહે નરપતિ સુણો, ધરી શ્રીહરિ વરણી વેશ;

ફરતા ફરતા લોજમાં, આવ્યા સુંદર સોરઠ દેશ. ૨

ચોપાઇ

ગયાં સંવત શતક અઢાર, આષાઢાદિ છપન મોઝાર;

હતી શ્રાવણી છઠ્ય અંધારી,2 પ્રભાતે આવ્યા લોજ મોરારી. ૩

ફર્યા સાત વરસ એક માસ, અગિયાર દિવસ વનવાસ;

લોજથી દિશા ઉત્તરમાંય, દીઠી વાવ તથા વડ ત્યાંય. ૪

કર્યું વાવ વિષે જઈ સ્નાન, વડ હેઠે ગયા ભગવાન;

ભલી એક શીલા મોટી ભાળી, બેઠા તે પર શ્રીવનમાળી. ૫

જનમનને હરણ કરે જેવી, દિસે મૂર્તિ મનોહર એવી;

પશુ પક્ષી જોવા લલચાય, કેમ જનમન નહીં લોભાય. ૬

દૃષ્ટિ ચંદ્રે ચકોરની જાય, તે તો પાછી વાળી ન વળાય;

લોહને તો ચમક ખેંચે જેમ, જનમન હરિમાં જાય તેમ. ૭

જળ ભરવા આવે ઘણી નારી, રહે મૂર્તિ વિષે દૃષ્ટિ ધારી;

લીધા કોઇયે જળઘટ3 માથે, કોઈ માથે અને એક હાથે. ૮

મૂર્તિ દેખી રહી સ્થિર ઠરી, જાણે ચિત્રમાં હોય ચિતરી;

ધ્યાનમુદ્રાયે ધર્મકુમાર, બેઠા સ્થિર થઈ તેહ ઠાર. ૯

જોઈ બોલે પરસ્પર નારી, આ તે કોણ હશે બ્રહ્મચારી?

એની કાયા દિસે સુકુમાર,4 કોઈ ભાસે છે રાજકુમાર. ૧૦

કેમ લીધો હશે વૈરાગ? એ તો અચરજ દિસે અથાગ;

પુત્રરત્ન ખોયું જેણે એવું, તેની માતાને દુઃખ હશે કેવું? ૧૧

ક્યાંથી આવ્યા ને ક્યાં જશે એહ? આવો પૂછિયે આપણે તેહ;

એમ સુંદરિયો સહુ મળી, બોલાવે હરિને વળી વળી. ૧૨

‘જંગલ વસાવ્યું રે જોગીયે’ – એ રાગનું પદ

બોલો બોલો રે જોગી બાળુડા, ક્યાંથી આવિયા આપજી;

દેહ ધર્યો કિયા દેશમાં, કોણ માય ને બાપજી;

   બોલો બોલો રે જોગી બાળુડા. ૧૩

બાળપણામાં બટૂક5 તમે, કેમ લીધો વૈરાગજી;

   સગાં સંબંધિ તણો તમે, કહો કેમ કર્યો ત્યાગજી. બોલો ૧૪

માતા પિતાયે પ્રેમે કરી, ન લડાવ્યાં શું લાડજી;

   કે કાંઈ ભાઈ ભોજાઈથી, રીસાયા કરી રાડજી. બોલો ૧૫

કાયા તમારી છે કોમળી, પાદુકા નથી પાયજી;

   વાટે કાંટા અને કાંકરા, તમે કેમ ચલાયજી. બોલો ૧૬

ટાઢ ને તડકો બહુ પડે, કેમ સહન કરાયજી;

   ઝડિયો પડે વરસાદની, કહો કેમ ખમાયજી. બોલો ૧૭

પૃથ્વી ઉપર પોઢતા હશો, પાથર્યો ન પલંગજી;

   ખરેખરું ખૂંચતું હશે, આવે કોમળે અંગજી. બોલો ૧૮

કોણ સેવા સજતું હશે, સાચો રાખીને સ્નેહજી;

   ભૂખ તરસ વેઠતા હશો, દિસે દુર્બળ દેહજી. બોલો ૧૯

કમળ કે પુષ્પ ગુલાબનું, એવું શોભે શરીરજી;

   દેખી દયા અમને ઉપજે, આવે નેણમાં નીરજી. બોલો ૨૦

ચંદ્ર કે ઇંદ્ર દિનેંદ્ર6 છો, કે શંભુ સ્વરૂપજી;

   કે શું અક્ષરપતિ આપ છો, કોટિ ભુવનના ભુપજી. બોલો ૨૧

છત્ર ચામર યોગ્ય છો તમે, ભાગ્યવંત છો ભ્રાતજી;7

   તે જોગી થઈ જગમાં ફરો, એ તો અચરજ વાતજી. બોલો ૨૨

હાથી ઘોડા રથ પાલખી, તમને વાહન હોયજી;

   તે તમે વિચરો છો એકલા, કેમ કળી શકે કોયજી. બોલો ૨૩

જે તન ઉપર જોઇયે, હીરા મોતીના હારજી;

   તન તે ઢાંક્યું મૃગચર્મથી, સજ્યા નથી શણગારજી. બોલો ૨૪

જે શિર ઉપર જોઇયે, મણિજડિત મુકુટજી;

   તે શિર ઉપર જણાય છે, જોતાં આજ જટાજૂટજી.8 બોલો ૨૫

કાંચન ઝારી9 કટોરિયો, જળ પીવાને જોગજી;

   તે તમે રાખ્યું છે તુંબડું, તજ્યા વૈભવ ભોગજી. બોલો ૨૬

વર્ણી લાગો છો વાલા ઘણા, આવો અમારે ઘેરજી;

   જુગતી10 કરીને જમાડિયે, રસોઈ રુડી પેરજી. બોલો ૨૭

આશીષ આપને આપીયે, ધરી ઉરમાં વહાલજી;

   નિત્ય તમારું રક્ષણ કરો, વિશ્વવિહારીલાલજી. બોલો ૨૮

ચોપાઇ

કહ્યું એ રીતે સર્વ સુંદરિયે, કાંઈ કાને ધર્યું નહિ હરિયે;

આખા નગરમાં વિસ્તરી વાત, મોટા સંત છે કોઈ સાક્ષાત. ૨૯

કાં તો ઈશ્વરનો અવતાર, થયો ભૂમિનો હરવાને ભાર;

આવ્યા છે તે તો આપણે ગામ, વડ પાસે કર્યો છે વિરામ. ૩૦

જોવા ઉલટ્યાં સકળ નર નારી, બાળ વૃદ્ધ તરુણ તનુ ધારી;

ટોળે ટોળાં મળી જોવા જાય, છબી નિરખતાં તૃપ્ત ન થાય. ૩૧

રામાનંદજી સ્વામીના ચેલા, ભલાં શાસ્ત્ર પુરાણ ભણેલા;

સારું જેનું સુખાનંદ નામ, સ્નાન કાજ આવ્યા તેહ ઠામ. ૩૨

તેણે દીઠા મહારાજ કેવા, સુણો ભૂપ કહું છું હું એવા;

જોતાં એવું તો રૂપ જણાય, તેની તુલ્ય ન કોઈ ગણાય. ૩૩

દિસે શ્રીજીમાં સાધુતા કેવી, અન્ય જનમાં જણાય ન એવી;

જન જે વિષે સાધુતા દિસે, તેની રીત તો જુદી અતીશે. ૩૪

શાલિનીવૃત્ત

સાધૂતાની ચાલ જુદી જ જાણો, સાધૂતાની વાણી જુદી પ્રમાણો;

સાધૂતાનું ડોળ જુદૂં જણાય, સાધૂતા તો આંખ્યમાં ઓળખાય. ૩૫

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

માથે મંજુલ11 ચીકણા12 ચળકતા ભૂરા ભલા કેશ છે,

તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે નેત્રો બહુ બેશ13 છે;

નાસાગ્રે ધરી દૃષ્ટિ તે નવ ચળે નાસા દિસે નિર્મળી,

શોભે છે મુખ ચંદ્રબિંબ14 સરખું તે મંદ હાસ્યે મળી. ૩૬

લોહી માંસ રહ્યું ન તીવ્ર તપથી અસ્થિ ત્વચા દેહ છે,

રાખે તો પણ પ્રીત નિત્ય તપમાં એવા મુનિ એહ છે;

ઉનાળે વરષા સમે શિશિરમાં15 જે જે તપો છે કર્યાં,

તેનાં ચિહ્ન જુદાં જુદાં શરીરમાં ધર્માત્મજે છે ધર્યાં. ૩૭

નાડી જાળ જણાય અંગ સઘળે કાયા દિસે દુર્બળી,

જીત્યાં ઇન્દ્રિય નિર્વિકાર મન છે તૃષ્ણા ગઈ છે ટળી;

ઓપે આપ અતર્ક્ય16 ઈશ્વરપણું જેમાં દિસે છે ઘણું,

ધારેલું મૃગચર્મ દંડ કરમાં શી તેની શોભા ભણું. ૩૮

કંઠી માળ કમંડળું વળી ધર્યો સચ્છાસ્ત્રનો ગૂટકો,

શાળગ્રામ તથા સુપાત્ર જમવા પાસે ન પૈસો ટકો;

પાણી ગાળણ વસ્ત્ર કોપિન તથા બીજું બહિર્વાસ17 છે,

કૂવેથી જળ કાઢવા સુતરની દોરી હરિ પાસ છે. ૩૯

ઉપજાતિવૃત્ત

એવા તપસ્વી નિરખી હરીને, કહે સુખાનંદ સ્તુતિ કરીને;

કહો તપસ્વી નિજ સત્ય વાત, ક્યાં જન્મ ધાર્યો કુણ માત તાત? ૪૦

ક્યાં સૌ તમારા સ્વજનો રહે છે? તમારું શું નામ જનો કહે છે?

કેને ગણો છો ગુરુ કોણ દેવ? બોલ્યા સુણી શ્રીહરિ તર્તખેવ. ૪૧

ગુરૂ નહીં તે નહિ તે સ્વભ્રાતા, પિતા નહીં તે નહિ તેહ માતા;

ન દેવતા કે પતિ તે કહાવે, જે જન્મમૃત્યુ થકી ના મુકાવે.18 ૪૨

હું છું અજન્મા અવિનાશી આપ, તો ક્યાંથી માતા વળી ક્યાંથી બાપ;

સદૈવ વ્યાપી સર્વત્ર હું છું, આત્મા તણા અંતરમાં રહું છું. ૪૩

તે સાધુને શ્રીહરિયે સ્વચિત્તે, વિદ્વાન જાણ્યા ઉચર્યાની રીતે;19

ઇચ્છા થઈ કાંઈક પૂછવાની, બોલ્યા દયાળુ પ્રભુ સૌખ્યદાની.20 ૪૪

છો આપ વિદ્વાન જણાય એવું, માટે રુચે છે મુજને કહેવું;

જે પ્રશ્ન હું પાંચ વિચારી પૂછું, તમો થકી ઉત્તર તે ચહું છું. ૪૫

જીવો તથા ઈશ્વર રૂપ કેવું, માયા તથા બ્રહ્મ તણું કહેવું;

તથા બતાવો પરબ્રહ્મ રૂપ, એ પાંચ પ્રશ્નો અતિ છે અનુપ. ૪૬

હું પાંચ પ્રત્યક્ષ પ્રમાણ પેખું,21 તે સર્વ હસ્તામલ22 તુલ્ય લેખું;23

વિચારીને ઉત્તર આપ આપો, શાસ્ત્ર પ્રમાણે કહી સત્ય થાપો. ૪૭

સુણી સુખાનંદ ચિત્તે વિચારે, આ છે મહાત્મા વિદવાન ભારે;

સુસ્નેહ આણી મન રાખી શાંત, કહે સુખાનંદ સુણો મહાંત. ૪૮

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

રામાનંદ ગુરૂજી જે અમ તણા છે કચ્છ માંહી સહી,

મુક્તાનંદ સુશિષ્ય તેહ ગુરુના છે લોજ માંહી અહીં;

ચાલો તેમની પાસ આપ મુનિજી એ ઉત્તરો આપશે,

પ્રશ્નો જે શુભ પૂછશો સુખ થકી તે સંશયો કાપશે. ૪૯

એવું સાંભળી સંત સાથ મુનિની પાસે પ્રભુજી ગયા,

પાંચે પ્રશ્ન પૂછ્યાં જઈ પ્રભુજીયે રાજી સુણીને થયા;

મુક્તાનંદ કહે યથાર્થ ઉચરે કચ્છે ગુરુ તે વસે,

આપું શાસ્ત્ર પ્રમાણ ઉત્તર સુણો મારાથી જેવા થશે. ૫૦

વસંતતિલકાવૃત્ત (અથ જીવાત્માસ્વરૂપકથનં)

જે જ્ઞાનશક્તિ ધરનાર જીવ પ્રમાણો,

   દિસે ન જ્ઞાન લવ તે જડ વસ્તુ જાણો;

આત્મા અદર્શ્ય અણુથી અતિ છેક છોટો,

   વ્યાપે સમગ્ર તન જો કદી દેહ મોટો. ૫૧

છે કાષ્ઠમાં અનળ24 તે નજરે ન ભાસે,

   તે તુલ્ય જીવ તનમાં સઘળે પ્રકાશે;

જન્મ્યો નથી ન મરી જાય અનાદિ એ છે,

   માયા વિષે પ્રલયકાળ સમે રહે છે. ૫૨

જે ઇંદ્રિયો મન વડે જ ક્રિયા કરે છે,

   ભોક્તા કર્યા કરમનો પણ તે ઠરે છે;

છે તે અછેદ્ય25 અણભેદ્ય26 નિરંશ27 એવો,

   સૂકાય કે બળિ શકે ન સડે ન તેવો. ૫૩

છે ક્ષેત્ર આ શરીર તે નિજ જીવ જાણે,

   ક્ષેત્રજ્ઞ નામ જીવનું શ્રુતિયો પ્રમાણે;

ચૈતન્યરૂપ હૃદયે રહિને સ્વદેહ,

   વ્યાપે શિખા નખ સુધી સર્વત્ર તેહ. ૫૪

દેખાય વાયુ નહિ તે તરુને હલાવે,

   તે દેખીને જન કહે તહિં વાયુ આવે;

દેખાય જીવ નહિ તેની ક્રિયા જણાય,

   છે આત્મા એથી જનને મનમાં મનાય. ૫૫

એ છે અનાદિ વળી સંચિત28 કર્મવાળો,

   છે જ્ઞાનરૂપ પણ તે પરિણામી ભાળો;29

ઓછું વિશેષ જીવમાં કદી જ્ઞાન જાણો,

   અલ્પજ્ઞ જીવ સર્વજ્ઞ પ્રભુ પ્રમાણો. ૫૬

આત્મા સદૈવ પરતંત્ર જુવો જણાય,

   છે જે સ્વતંત્ર પરમાત્મ પ્રભુ ગણાય;

ભક્તિ કર્યાથી ભવબંધન છૂટી જાય,

   આત્મા તથાપિ પરમાત્મ કદી ન થાય. ૫૭

આત્મા સદૈવ શુભ ઈશ્વરનું30 શરીર,31

   ચૈતન્યશક્તિ પ્રભુની પણ એ જ ધીર;

સર્વેન્દ્રિથી મન થકી પણ નિત્ય ન્યારો,

   શાસ્ત્રાનુસાર ઇતિ આત્મસ્વરૂપ ધારો. ૫૮

શાર્દૂલવિક્રીડિતવૃત્ત (અથ ઈશ્વરસ્વરૂપ કથનં)

ભાખું ઈશ્વરનું સ્વરૂપ સુણજો દૈવત્વ કેવું દિસે,

ચૌદે લોક મળી વિરાટ મૂરતિ આ વિશ્વ તેમાં વસે;

તે તો સ્થૂળ શરીર ઈશ્વર તણું વેદાદિ શાસ્ત્રો કહે,

તેમાં સૂક્ષ્મ શરીરરૂપ સઘળે સૂત્રાત્મ વ્યાપી રહે. ૫૯

ત્રીજો કારણ દેહ ઈશ્વર તણો અવ્યાકૃતાખ્યા32 કહી,

ઉત્પત્તિ સ્થિતિ નાશ ઈશ્વર કરે તે મધ્ય વ્યાપી રહી;

આ બ્રહ્માંડ તણું સદૈવ ગણવું વૈરાટ તે નામ છે,

બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ સુરનાં તેમાં રુડાં ધામ છે. ૬૦

તે સર્વોપરી એકને ભજી ભજી એવા સમર્થો થયા,

એવા ઈશ્વરકોટિ તે સ્થિર થઈ બ્રહ્માંડ પ્રત્યે રહ્યા;

જાણે છે નિજ વિશ્વની ગતિ બધી સર્વજ્ઞ તે જાણિયે,

નીયંતા નિજ વિશ્વના પણ ખરા એવા ઉરે આણિયે. ૬૧

માલિનીવૃત્ત (અથ માયાસ્વરૂપ કથનં)

અકળ ત્રિગુણ આત્મા33 જાણવી એવિ માયા,

   જડચિદમય34 છે તે છાય અજ્ઞાનછાયા;

નિગમ પણ કહે છે શક્તિ શ્રીકૃષ્ણ કેરી,

   જનમ મરણ હેતૂ જીવની એ જ હેરી. ૬૨

નથી જનમ જ લેતી નામ એનું અજા35 છે,

   મન સમજવી માયા જેહ અજ્ઞાનતા છે;

શરીર શરીર કેરાં સર્વ સંબંધિયોમાં,

   અસત મમતકારી એ જ છે પ્રાણિયોમાં. ૬૩

સદ અસદ વિષે તો મોહ માયા કરે છે,

   અમિત36 તિમિર37 રૂપી એ જ આપે ઠરે છે;

પ્રગટ સકળ માયા કાર્ય હેતૂ જણાય,

   ભજન વિઘનકારી એ જ આપે ગણાય. ૬૪

ઉપર ઉપર જોતાં સદ્ય દેખાય સારી,

   ગ્રહણ કરી જુવે ત્યાં તે દિસે કષ્ટકારી;

ભ્રમિત મતિ કરે છે જીવની એ જ માયા,

   સુર નર મુનિ મોટા હાર્ય પામ્યા ગણાયા. ૬૫

હરિ શરણ થકી તે મોહમાયા જીતાય,

   જપ તપ વ્રત કીધે તેહ જીતી ન જાય;

નૃપપદ તજી કોઈ જંગલે જૈ વસે છે,

   વડી38 સરપણિ માયા ત્યાં જઈને ડસે છે. ૬૬

જળ મહી39 દવ40 આદિ ભૂત છે પાંચ જેહ,

   ત્રણવિધિ અહંકારો ને મહત્તત્વ તેહ;

સમળ41 સકળ માયા શાસ્ત્રનો એ જ સાર,

   વળી વિવિધ પ્રકારે તે કરે છે વિકાર. ૬૭

સતત અચળ એ છે નાશ પ્રાપ્તિ ન તેને,

   પરમપુરુષ પ્રેરી અક્ષરદ્વાર એને;

જગત જનની વાંછા ધેનુરૂપે પુરે છે,

   સ્થિર ચર42 ઉતપત્તી એ જ માયા કરે છે. ૬૮

રજ તમ સત રૂપે એ જ માયા રહે છે,

   નહિ લવ હરિજ્ઞાની તે જીવો ભોગવે છે;

પછીથી અધિક પ્રાણી બંધને તે પડે છે,

   વડી દુઃખમય માયા જીવને તે નડે છે. ૬૯

તજી હરિપદ43 માયા વશ્ય જે જીવ થાય,

   પ્રભુ પણ તજી તેને દૃષ્ટિથી દૂર જાય;

દિનકર કર44 દેખી જાય છે અંધકાર,

   પ્રભુ પરમ નિહાળી તેમ માયા વિકાર. ૭૦

વૈતાલીયવૃત્ત (અથ બ્રહ્મસ્વરૂપ કથનં)

શુભ લક્ષણ બ્રહ્મનું કહું, શ્રુતિશાસ્ત્રો થકી સર્વ તે લહું;

ચિદ45 છે પરિપૂર્ણ સત્ય છે, અવિકારી સુઅનંત નિત્ય છે. ૭૧

મૂરતિ વીણ મૂર્તિમાન46 છે, હરિ કેરું વસવાનું સ્થાન છે;

અવિનાશક ને અખંડ છે, સઉ તેમાં સ્થિત બ્રહ્માંડ47 છે. ૭૨

મૂરતિ વીણ વ્યાપિને ઠરે, ધરી મૂર્તિ હરિસેવના કરે;

શુભ અક્ષરધામ નામ છે, નહિ સીમા સ્થિતિ સર્વ ઠામ છે. ૭૩

સહુ તે નિજ શક્તિથી ધરે, વળી માયાદિ પ્રકાશ તે કરે;

રવિકીર્ણ જણાય શું જહાં, શશિ અગ્નિ પણ શું કરે તહાં. ૭૪

શ્રુતિ બ્રહ્મપુરી સદા કહે, જઈ ત્યાં જન્મ જરા48 નહીં લહે;

અજરામર ધામ એવું તો, નથી જાણ્યું પુર બ્રહ્મ જેવું તો. ૭૫

નથી દુઃખ કે ક્ષુધા તૃષા, નથી ત્યાં સ્થૂળ તથા નથી કૃશા;

નથી ત્યાં વિષયાદિ વાસના, નથી ત્યાં પાપ તથા ન ત્રાસના.49 ૭૬

ગુણ માયિક ત્યાં નથી કશો, નથી ત્યાં ક્લેશ કદી જઈ વસ્યો;

નથી ત્યાં દિવસો તથા નિશા, નથી ત્યાં પૂર્વ તથોત્તરા દિશા. ૭૭

વળી તે કહું બ્રહ્મના ગુણો, સદ્‌ભાગી વરણીંદ્ર તે સુણો;

અતિ અદ્‌ભુત એનું કૃત્ય છે, નિજના સર્વ મનોર્થ સત્ય છે. ૭૮

પરમેશ્વરની રજા થકી, સઘળે ઠામ પ્રકાશ દે નકી;

પ્રભુની ચિરરૂપ50 શક્તિ તે, પ્રભુની નિત્ય કરે સુભક્તિ તે. ૭૯

નથી ત્યાં બળ કાળ કર્મનું, નથી ત્યાં કૃત્ય કશું અધર્મનું;

સુખ વૈભવ કૃષ્ણ તુલ્ય છે, મણિ માણિક્ય તહાં અમૂલ્ય છે. ૮૦

રથોદ્ધતાવૃત્ત (અથ પરબ્રહ્મસ્વરૂપ કથનં)

જે ગણાય પ્રભુ સર્વ ઊપરી, સર્વશક્તિ નિજમાં રહ્યા ધરી;

રૂપરાશિ51 ગુણ સર્વથી ઘણા, બ્રહ્મ આદિ સહુ દાસ તે તણા. ૮૧

મૂર્તિમાન પ્રભુ પૂર્ણ કામ છે, બ્રહ્મ એ જ નિજ કેરું ધામ છે;

લેશમાત્ર નહિ કોઈની સ્પૃહા,52 છે સમર્થ પ્રભુ સર્વથી મહા. ૮૨

બ્રહ્મ આદિ સહુના સુઆતમા, સેવનારી બહુ રાધિકા રમા;

જ્ઞાન તેજ બળે તો અનંત છે, જેહનો ન કદી આદિ અંત છે. ૮૩

સેવનાર બહુ મુક્ત સંત છે, કીર્તિ ગાય શ્રુતિયો અનંત છે;

કૃષ્ણદેવ કરુણાનિધાન છે, અક્ષરાદિ સહુના નિદાન53 છે. ૮૪

સર્વ સદ્‌ગુણ તણા નિધાન છે, કોઈ બીજું નહિ તે સમાન છે;

શેષનાગ ગુણ પાર ના લહે, નેતિ નેતિ નિગમાગમો કહે. ૮૫

ધામ કેરું નર નામ જાણવું, નાર54 તત્ર સ્થિતનું પ્રમાણવું;

તે વિષે વળી નિવાસ જે કરે, નાર ને અયન55 નામ તે ઠરે. ૮૬

સર્વ ઠામ સ્થિત તે જ જેહનું, વાસુદેવ પણ નામ તેહનું;

સ્વપ્રકાશ વળી તે સ્વતંત્ર છે, એ જ નાથ સહુના નિયંતૃ છે. ૮૭

દિવ્ય મૂર્તિ પરબ્રહ્મ એ જ છે, કૃષ્ણદેવ પરમાત્મ તે જ છે;

અક્ષરેશ હરિ વિષ્ણુ નામ છે, શ્રીમુકુંદ પ્રભુ મેઘશામ છે. ૮૮

અચ્યુતાખ્ય56 વળી તે અનંત છે, માધવાખ્ય57 બહુ શક્તિમંત છે;

જે પરેશ પુરુષોત્તમાખ્ય છે, સત્યસંકલ્પ અવ્યયાખ્ય58 છે. ૮૯

સર્વજાણ59 મુદરૂપ60 છે સદા, કાળ કર્મ વળગે નહીં કદા;

સર્વકર્મફળદાયી એહ છે, આત્માનાય પણ આત્મ તેહ છે. ૯૦

મત્સ આદિ અવતાર જે ઘણા, એ જ કારણ ગણાય તે તણા;

જેહનો ઉપરી કોઇયે નથી, એ જ એક પ્રભુ શ્રેષ્ઠ સર્વથી. ૯૧

મંદ મંદ મુખ જેનું હાસ્ય છે, જીવ ઈશ સહુના ઉપાસ્ય છે;

કાળ જેની ભ્રકુટી થકી ડરે, સર્વ દેવ શિર આગન્યા ધરે. ૯૨

આદિ સૃષ્ટિ રચવા ઇચ્છા ધરે, કાળ કર્મ તણી પ્રેરણા કરે;

તેથી વિશ્વ કરતા ગણાય છે, કલ્પનાથી61 જગ કોટિ થાય છે. ૯૩

કાળ કર્મ નિજભાવ62 ને અજા,63 તે વડે પ્રગટ તે કરે પ્રજા;

તોય નિત્ય નિરલેપ તે રહે, તે થકી અકરતા64 શ્રુતિ કહે. ૯૪

જેહના ડરથી વાયુ સંચરે, શેષનાગ શિર પૃથ્વીને ધરે;

સાગરો ન હદ છોડીને ખસે, સૂર્ય ચંદ્ર નભમાં સદા વસે. ૯૫

એ પ્રભુજી શુભ ધર્મ થાપવા, ભૂમિભાર હરિ કષ્ટ કાપવા;

દેહ ધારી જગમાં કદી ફરે, મુક્ત કોટિ જનને તદા65 કરે. ૯૬

રૂપ એમ પરબ્રહ્મનું કહ્યું, જેમ શાસ્ત્ર શ્રુતિયો વિષે રહ્યું;

લેશ સંશય કદાપિ જો હશે, કચ્છમાંથી ગુરુ આવે ટાળશે. ૯૭

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણ્ય નૃપ પરમેશ આપ જે છે, ધરી નરદેહ સુપ્રશ્ન તે પૂછે છે,

નથી નથી લવ માત્ર તે અજાણ, પણ સુચરિત્ર કરે જન પ્રમાણ. ૯૮

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે

લોજનગરે શ્રીહરિ-મુક્તાનંદમુનિ પંચપ્રશ્નોત્તરકથનનામા પ્રથમો વિશ્રામઃ ॥૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે