સ્નેહગીતા

કડવું ૧૨

અહો કષ્ટ અચાનક આવિયોજી, જ્યારે હરિવરને કંસે બોલાવિયોજી ।

મથુરાની નારીનો દાવો1 બાઈ ફાવિયોજી, આપણે તો લેખ2 એવો જો લખાવિયોજી ॥૧॥

લેખ લખતાં ભૂલ્યો તું બ્રહ્મા, અને અકલ ગઈ તારી ઊચળી3

જોડ્ય જોડિ નાખે છે ત્રોડી, તારી અસત મત્ય એવી વળી ॥૨॥

વિવેક હોય જો વિધિ તુંમાં, તો એવું ન કરે કોઈ દિને ।

જોગ મેળી દે છે ઉબેળી,4 તેની મે’ર નથી તારે મને ॥૩॥

મન ગમતું સુખ મેળવીને, વળી વિછોહ5 પાડછ6 વળતો ।

માટે મૂરખ મોહોટો ભાઈ, નથી કોઈ તુંજ ટળતો ॥૪॥

જેમ કલ્પાકરે7 કાંઈ કરિયાં, ઘણાં ઘણાં રચે ઘરઘોલિયાં8

રમતાં રમતાં રોષ ઊપનો,9 તારે ભાંગતાં તે કાંયે ભૂલિયાં ॥૫॥

તેહ માટે તુંને બ્રહ્મા ભાઈ, ઉપમા તે એહની આપિયે ।

હરિવર તેં આપ્યો અમને, તો અસન10 પેઠે ન ઉથાપિયે ॥૬॥

હોંશ અમારી હૈયાં કેરી, નથી પૂરી કરી નાથને ।

વાલાથી કેમ કરે છે વેગળાં, એવો વેરી થયો શું વ્રજસાથને ॥૭॥

નયણે નીરખતાં નાથને, જેહ મટકે કરી પાંપણ મળે ।

તેહજ બ્રહ્મા ભૂલ્ય તારી, કાંરે ભાઈ તું નવ કળે11 ॥૮॥

એટલી ખોટ તે ખરખરે,12 તો વેગળે13 મન કેમ વાળીયે ।

તેહ માટે ભાઈ કહ્યું તુજને, દયા દલથી નવ ટાળીયે ॥૯॥

કૃષ્ણ વિના કેમ કરીને, વળી વિકટ ઘડી વામશે ।

નિષ્કુળાનંદનો નાથ ચાલતાં, પ્રાણ પ્રીતે દુઃખ પામશે ॥૧૦॥ કડવું ॥૧૨॥

કડવું 🏠 home