સ્નેહગીતા

કડવું ૧૯

એમ વિયોગ રોગ તે વનિતાને વાધિયોજી, જેનો પ્રાણ પ્રીતમશું બાંધિયોજી ।

જેણે શ્યામ સાથે સ્નેહડો સાંધિયોજી, પ્રમદાના પ્રેમનો પાર નવ લાધિયોજી ॥૧॥

પાર ન લાધ્યો પ્રેમ કેરો, વળી સુંદરીના સ્નેહનો ।

પ્રેમવશ પરવશ થઈ, ન કર્યો સંભાળ જેણે દેહનો ॥૨॥

જળ ભરવા જાયે જુવતી, સ્થળ સ્થળ પ્રત્યે થોભે ઘણું ।

ઇયાં રહી મારી આળ1 કરતા, ઇયાં તાણ્યુંતું અંબર અંગતણું ॥૩॥

ઇયાં મુજને આડા ફરતા, ઇયાં રોકી મુજને રાખતા ।

હેત દેખાડી લોભ લગાડી, ઇયાં ફંદમાં2 મને નાખતા ॥૪॥

ઘડો ચઢાવી ઘણા હેતે, વળી સાનમાં સમઝાવતાં ।

કોયે ન જાણે જન બીજો, એમ મંદિર3 મારે આવતાં ॥૫॥

એવાં સુખ સંભારતાં, વળી હૃદયે ભરાય છે રોદને4

એકાંતે જાઈ રુવે અબળા, કરી વિલાપ ઊંચે વદને ॥૬॥

રોઈ રોઈને રાતાં કરે, લોચન લાલ ગુલાલ રે ।

સ્નેહ સાલે5 શરીર માંયે, જેને વા’લા સાથે છે વા’લ રે ॥૭॥

ઘણીવાર જાણી6 ભરે પાણી, વળી વનિતા પાછી વળે ।

રહે આતુરતા અંતરમાંયે, જાણે મોહનજી ક્યારે મળે ॥૮॥

ઘટ ગાગર સોતી ઘેર પો’તી, વીસરતો નથી વિયોગ વળી ।

ભાર ન ગણે ઊભી આંગણે, જાણ્યે પ્રાણ વિનાની પૂતળી ॥૯॥

સ્નેહ એનો હું શું કહું, જેને પિયુશું પૂરણ પ્રીત છે ।

નિષ્કુળાનંદ નથી કે’વાતું, જથારથ જેવી એની રીત છે ॥૧૦॥ કડવું ॥૧૯॥

કડવું 🏠 home