સ્નેહગીતા

કડવું ૩૯

પ્રમદાનો પ્રેમ તે કેમ કરી જાય કહ્યોજી, સુંદરીનો સ્નેહ દેખી દિગમૂઢ થયોજી ।

ધન્ય ધન્ય અહો ઉદ્ધવ એમ કરે રહ્યોજી, જોયું હેત જુવતીનું અપાર પાર નવ લહ્યોજી ॥૧॥

પાર ન લહ્યો પ્રેમ કેરો, જોઈ જોઈ જોયું ઉદ્ધવે ।

શ્રીકૃષ્ણ વિના પ્રાણ આના, કેમ કરીને રે’શે હવે ॥૨॥

કોઈક મુખ નિશ્વાસ મૂકે, કોઈ આંખડીએ આંસુ ભરે ।

કોઈક વદન કરી ઊંચું, ગાઢે સ્વરે રોદન કરે ॥૩॥

ઉદ્ધવ કહે બાઈ એમ મ કરો, તમે ધરો અંતર ધીર ।

તમને હરિ સુખ આપશે, લોઈ નાખો નયણનાં નીર ॥૪॥

ત્યારે સુંદરી કહે અમે શું કરું, કેમ રહે નયણાંનાં નીર ઝાલિયાં ।

તમે હતા જે કથા કે’તા, તેહ પણ વીરા તમે ચાલિયા ॥૫॥

સારું સધાવો સ્નેહી શ્યામના, દરશ સ્પરશ કરો હરિચરણને ।

અમારાં આશિષ વચન, કે’જો અશરણ શરણને ॥૬॥

પછી ઉદ્ધવ ગોપીને પાયે લાગી, માગી શીખ રથ ચલાવિયો ।

અહો સ્નેહ સુંદરીનો, મનન કરતાં મથુરાં આવિયો ॥૭॥

ઉદ્ધવ આવિને ભેટ્યા ભૂધરને, નયણાં તૃપ્ત ન થાયે નીરખતાં ।

ત્યારે કૃષ્ણ કહે ભલે આવ્યા ઉદ્ધવ, શું કરેછે વ્રજવનિતા ॥૮॥

સ્નેહ મુજશું સુંદરીને હતો, અતિ ઘણો અતોલજો ।

કોઈ હવે સંભારે છે વ્રજમાં મને, તમે ઉદ્ધવજી સાચું બોલજો ॥૯॥

ઉદ્ધવ કહે સુણો શ્રીહરિ, ધન્ય ધન્ય વ્રજની વિરહિણી ।

નિષ્કુળાનંદના નાથ કે’તાં, વીતે છે દિન ને રેહણી ॥૧૦॥ કડવું ॥૩૯॥

કડવું 🏠 home