સ્નેહગીતા

કડવું ૨૯

ઉદ્ધવ કહે વળી સુંદરી સુણો સહુજી, તમે છો હરિને બાઈ વ્હાલી બહુજી ।

નિશદિન1 નાથની સાથે બાઈ હું રહુંજી, કહ્યું મને શ્રીકૃષ્ણે તે તમને કહુંજી ॥૧॥

કહ્યું છે બાઈ કૃષ્ણજીએ, કરજો કર જોડી પ્રણામ ।

વળી વળી શું કહું કૃષ્ણ કહે, મારે સુંદરી2 સુખધામ ॥૨॥

રાત દિવસ રટણ રહે છે, વારંવાર વ્રજ સાથને3

તમારા પ્રેમની વાત પ્રમદા, નથી વિસરતી નાથને ॥૩॥

વળી ઊઠતાં બેસતાં એમ બોલે, શું કરતી હશે વ્રજ સુંદરી ।

સુતાં સુતાં જાગે જ્યારે, ત્યારે ગોપી ગોપી ઊઠે કરી ॥૪॥

એમ સંભાળે છે શ્યામળો, વળી વળી વ્રજજનને ।

પ્રાણ થકી અધિક અબળા, જણાવો છો જીવનને ॥૫॥

ભવ બ્રહ્મા ભજે છે જેને, તે તો ભજે છે બાઈ તમને ।

તમારી તેની ખબર ખરી, કાંઈ પડતી નથી અમને ॥૬॥

કોણ જાણે જે કેમ હશે, વળી નથી કળાતી વારતા ।

રાત દિવસ હૃદયથી, હરિ તમને નથી વિસારતા ॥૭॥

ઉદ્ધવ કહે હું આશ્ચર્ય પામ્યો, શિયાં પુણ્ય તમારાં છે સજની ।

સુતાં બેઠાં જાગતાં, વ્હાલો વાત કરે છે વળી વ્રજની ॥૮॥

બાઈ પ્યારી છો તમે પ્રાણથી, કૃષ્ણે કહ્યું ને હું પણ કહું ।

હરિ તમારા હેતનો હું, પાર કઈ પેરે લહું ॥૯॥

પણ હેત કરી હરિ હૈયાનું, હારદ4 કહ્યું છે અમને ।

નિષ્કુળાનંદના નાથનું ગમતું, તે સાંભળો તો કહું તમને ॥૧૦॥ કડવું ॥૨૯॥

કડવું 🏠 home