સ્નેહગીતા
પદ ૭
રાગ સોરઠા (‘જનુની જીવો રે ગોપીચંદની’ એ ઢાળ)
ઉદ્ધવજી હવે ઉચ્ચરો, કરો વા’લાની વાત ।
જે રે કરો તે જીવાડજો, અમો છીએ અબળાની જાત; ઉદ્ધવજી꠶ ॥૧॥
સહુ મળી અમે સુણવા, લેવા સુખ શરીર ।
ઉદ્ધવ અમે છીએ અધિરિયાં, તેને આપજો ધીર; ઉદ્ધવજી꠶ ॥૨॥
એક વાતે શાન્તિ ઊપજે, એકે ઊઠે છે ઝાળ ।
વિવેકે કહેજો તે વીરા વળી, થઈ દિલના દયાળ; ઉદ્ધવજી꠶ ॥૩॥
વલવલું છું અમે વનિતા, તે તો કૃષ્ણને કાજ ।
નિષ્કુળાનંદનો નાથજી, ક્યારે મળશે મહારાજ; ઉદ્ધવજી꠶ ॥૪॥ પદ ॥૭॥