સ્નેહગીતા
કડવું ૨૨
વળી વા’લપ વા’લાની કહ્યે નથી આવતીજી, જે જે કાંઈ કરિયું એણે આપણી વતીજી ।
અલબેલે આપિયું સુખ સમે સમે અતિજી, આપણે ન જાણ્યું માનિની મહા મૂઢમતિજી ॥૧॥
મૂઢમતિ અતિ આપણી, એને કાળો કહીને બોલાવતી ।
કંઈક વાતની વાતમાંયે, એને હા કહીને હુલાવતી1 ॥૨॥
વળી મહી2 મથાવ્યાં વત્સ3 ચરાવ્યાં, વળી કરાવ્યાં ઘરનાં કામને ।
કઠણ કહેતાં મ્હેણાં દેતાં, વળી લેતાં ટુંકારે નામને ॥૩॥
છાશ ખાટી વાટી4 દેતાં, વળી માખણ દઈને નચાવતાં ।
નટની પેરે નૃત્ય કરાવી, ઘેર ઘેરથી જોવા આવતાં ॥૪॥
વળી ડાહી થઈ બાઈ આપણે, એને કાળો જાણીને કલાવતી5 ।
અંતરે ભાર એનો આપણે, લેશ પણ નવ લાવતી ॥૫॥
કપટી લંપટ કૂડા6 બોલો, વળી તસ્કર કહેતી તેહને ।
અનાદર બાઈ કરતાં એનો, તોયે તે નવ તજતો સ્નેહને ॥૬॥
વળી ભલાઈ બાઈ ભૂધરજીની, જોને કહીએ મુખથી કેટલી ।
નથી કહેવાતી હેત પ્રીતની રીત, જેહ એણે કરી છે એટલી ॥૭॥
આપણા રે અપરાધનો, બાઈ પાર ન આવે પેખતાં ।
તેમ મોટપ જોતાં મહારાજની, કાંઈ લેખું7 ન આવે લેખતાં ॥૮॥
એમ મળી વળી અબળા, અવગુણ પરઠે આપણા ।
અહો બાઈ કહીએ કેટલા, ગિરાએ8 ગુણ ગોવિંદતણા ॥૯॥
બાઈ સાંભળતા હશે શ્યામને, સર્વે ગુણ ગોપીજન તણા ।
નિષ્કુળાનંદના નાથ સાથે, રાખી નથી કોઈ રીતે મણા ॥૧૦॥ કડવું ॥૨૨॥