સ્નેહગીતા

કડવું ૧૩

પિયુ પરિયાણિયા1 મથુરાં જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે છે ઉછાવજી2

આપણ ઉપરથી ઉતરિયો ભાવજી, પિયુ વિના પ્રમદા લે’શું કે’શું3 લાવજી4 ॥૧॥

લા’વો લેતાં લાડીલાશું, ઘણું આનંદે ઘડી નિગમતાં5

દિન જાતા વદન જોતાં, વળી રજની જાતી એ’શું રમતાં ॥૨॥

એહ સુખ બાઈ ક્યાંથી સાંપડે, અક્રૂર મૂલે6 આવિયો ।

પ્રાણ લેવા પાપિયો, આ રથ જોને લાવિયો ॥૩॥

જાદવ કુળના વૃદ્ધ વે’લા, આને મોર્યે બહુ મરી ગયા ।

આપણે ભાગ્યે અક્રૂર જેવા, વેરી કેમ વાંસે રહ્યા ॥૪॥

બાઈ ઘણા દિવસનો જે હોય ઘરડો, તેને મે’ર ન હોય મનમાં ।

નિર્દય હોય દગ્ધ7 દિલનો, બાઈ ત્રાસ ન હોય તેના તનમાં ॥૫॥

હમણાં રથને હાંકશે, બાઈ ધાઈને8 આડાં ફરજો ।

આ જો લૂંટી જાયે અમને, એમ પ્રગટ પોકારજો ॥૬॥

માત તાત સુત સંબંધીની, વળી લોકની લાજ મ લાવજો ।

મરજાદા મૂકી રથને રોકી, વળી વા’લાને વાળી લાવજો ॥૭॥

જેહ લાજમાં બાઈ કાજ બગડે, તે લાજને શું કીજિયે ।

પ્રીતમ રે’તાં જો પત્ય9 જાયે, તો જોકશું10 જાવા દીજિયે ॥૮॥

પ્રેમને બાઈ નેમ ન હોય, જેના પ્રાણ પ્રીતમશું મળ્યા ।

લોકલાજ વેદવિધિ કર્મ, તે તો તેને કરવાં ટળ્યાં ॥૯॥

એટલા માટે આપણે, રાખો રસિયાનો રથ રોકીને ।

નિષ્કુળાનંદનો નાથ સજની, કેમ જાશે વિલખતાં મૂકીને ॥૧૦॥ કડવું ॥૧૩॥

કડવું 🏠 home