સ્નેહગીતા
કડવું ૩૩
ઉદ્ધવ અમે અંતરે થઈ છું જાજરીજી,1 તે તો શ્યામ સલુણાને સ્નેહે કરીજી ।
ધીર અંગે અબળા નથી શકતી ધરીજી, અધૂરું પૂરું કરવા આવિયા તમે ફરીજી ॥૧॥
અધૂરું પૂરું કરવા કાજે, એ સંદેશો કૃષ્ણે કહાવિયો ।
કાળજું તો કાપીને ગયા’તા, વળી મારીને પ્રાણ મંગાવિયો ॥૨॥
પ્રાણ અમારા લઈને ઉદ્ધવ, અલબેલોજી શું કરશે ।
અમો અબળાનો અંત આણે, એનું કારજ તે શું સરશે ॥૩॥
માશી2 મલ્લ3 મામાને4 માર્યો, એમ આવી મારે મર અમને ।
પણ દૂર રહીને દગા રચે છે, તે તો ઘટતું નથી ત્રિકમને ॥૪॥
સ્વારથ વિના શાને માટે, અમ ઉપર એણે આદર્યું ।
અમે અબળાએ ઉદ્ધવ એનું, ભૂંડું તે ભાઈ કહો શું કર્યું ॥૫॥
અનેક અપરાધ હોય અબળાના, તોયે નર નથી કોઈ મારતા ।
ભણી આવ્યા છે ભાઈ બહુ, કેમ એટલું નથી વિચારતા ॥૬॥
પારાધી બાંધી મારે પશુને, તે તો માંસ ચર્મને માટ જો ।
એ તો અમારું અર્થ નહિ આવે, શું મારીને કરશે ખાટ5 જો ॥૭॥
નો’તું દીઠું નો’તું સાંભળ્યું, જે પ્રીત કરીને પ્રાણ હરવા ।
ઉદ્ધવજી એવું અલબેલાને, કોણે શીખવ્યું જો કરવા ॥૮॥
કેને કહીએ કોણ સાંભળે, જ્યારે અલબેલે એવું આદર્યું ।
ઊગરવાની અમે આશા મેલી, મરવાનું મન નિશ્ચે કર્યું ॥૯॥
અધુરે સુખે મરશું અમે, રે’શે આશા અમારી એહશું ।
નિષ્કુળાનંદના નાથ સાથે, નથી પડવું નોખું સ્નેહશું ॥૧૦॥ કડવું ॥૩૩॥