સ્નેહગીતા

કડવું ૧૬

હરિવર હાલિયા મથુરાં મારગેજી, જુવે રુવે જુવતી ઊભી રહી એક પગેજી ।

નયણે ન મળે1 પળેપળે જળ વહે દોય દ્રગેજી, રથ જાતાં રસિયાનો દીઠો છે દૂર લગેજી ॥૧॥

દૂર લગી તો રથ દીઠો, પછી ખેહ2 તેહ રહી જોઈ ।

જ્યારે નયણે ગરદ3 ન દીઠી, ત્યારે પડી પૃથવીએ રોઈ ॥૨॥

જેમ પ્રાણ જાતાં પંડને, અતિશય પીડા ઊપજે ।

એવી ગત્યને પામી ગોપીકા, જાણે તન તજ્યું કે તજે ॥૩॥

સૂધ ન રહી શરીરની, મૂર્છા ખાઈ પડી માનની ।

ઊઠી ન શકે અવનિ થકી, વળી ભૂલી દશા દેહભાનની ॥૪॥

હંસ4 ગયો હરિની સાથે, રહ્યું દેહ તેહ પડી પૃથવી ।

જેમ દોરી તૂટી દારુકની,5 ચાલ્ય રહિત પૂતળી હવી ॥૫॥

એવી અવસ્થા પામી અબળા, વળી શ્યામળિયો સધાવતાં ।

વણ દરદે6 દરદ વ્યાપ્યું, લાલશું લેહ7 લગાવતાં ॥૬॥

એટલા પછિ અંગ સંભાળી, અને ઊઠી સર્વે અબળા ।

માંહોમાંહિ મળી વળી કહે જે, નાથજી પાછા નવ વળ્યા ॥૭॥

અહો આ શું થયું બાઈ, હવે ભૂધરને કૈયે ભાળશું ।

સદન માંહી સખી આપણે, શું જોઈને મન વાળશું ॥૮॥

ઘેર જાતાં ચરણ ન ચાલે, આઘી ચાલીને પાછી વળે ।

પછી પગલાં જોઈને પિયુજીનાં, વારંવાર તિયાં ટળવળે ॥૯॥

રજ લઈ લઈ મસ્તક મૂકે, વળી વળી કરે બહુ વંદના ।

વે’લા વળજો વા’લા મારા, નાથ નિષ્કુળાનંદના ॥૧૦॥ કડવું ॥૧૬॥

કડવું 🏠 home