સ્નેહગીતા
કડવું ૨૩
બાઈ આપણશું એણે અતિશય હેત કર્યુંજી, ગોપી ને ગોવાળ હેતે સ્વધામ પરહર્યુંજી1 ।
મેલી માન મોટપને મનુષ્યનું દેહ ધર્યુંજી, જોને બાઈ એનું આપણ થકી શું સર્યુંજી2 ॥૧॥
સર્યું નહિ કાંઈ શ્યામનું, આપણ માંયથી એક રતિ ।
કેવળ હેત એક કર્યું એણે, આપણે ન જાણ્યું મૂઢમતિ ॥૨॥
બાઈ ભવ બ્રહ્મા જેને ભજે, વળી નેતિ નેતિ નિગમ કહે ।
તેહને જાણ્યા જાર3 જુવતી, બીજું અજ્ઞ4 આપણથી કોણ છહે5 ॥૩॥
બાઈ ઈન્દ્ર આદિ અમર સર્વે, જેની અહોનિશ આજ્ઞા કરે6 ।
વળી શશી સહિત સૂર્ય સદા, જેના વચનમાં ફેરા ફરે ॥૪॥
સરસ્વતી કહે ઊત્તમ કીર્તિ જેની, વળી નારદ ગુણ જેના ગાય છે ।
સહસ્ર ફણીમાં જુગલ જીભે, શેષ સમરે જેને સદાય છે ॥૫॥
સર્વે સુખનું એહ સદન સજની, અને પ્રીતનો વળી પૂંજ7 છે ।
પૂરણકામ ને ઠામ ઠર્યાનું, વળી ઓછપ એહમાં શું જ છે ॥૬॥
જેમ નદી સર ને કૂપ વાપી, ભરપૂર જો હોયે ભરી ।
પણ વારિધિ8 કોય વારિ વડે, સુખ ન માને સુંદરી ॥૭॥
તેમ સુખ સરવે સજની, રહ્યાં અલબેલાને આશરી ।
એવા જાણીને જુવતી, રતિ9 કૃષ્ણ સાથે નવ કરી ॥૮॥
જેમ મૂરખને કોઈ મિરાંથ મળે, પારસ કે ચિંતામણિ ।
શિલા10 સમ તેનું સુખ સમજે, જેને બાળક બુદ્ધિ છે ઘણી ॥૯॥
એમ થયું બાઈ આપણે, ઓળખી ન શક્યાં એહને ।
નિષ્કુળાનંદને નાથે સજની, તેહ સારુ દીધો છે છેહને11 ॥૧૦॥ કડવું ॥૨૩॥