કીર્તન મુક્તાવલી

2-1226: વળી વખાણું જળની ક્રીડા

વળી વખાણું જળની ક્રીડા

સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

પદ - ૮/૧૬

વળી વખાણું જળની ક્રીડા, સાંભળતામાં હરે ભવપીડા. ૧

ડુબકી મારે જળમાં હરિ જ્યારે, વહે શિર પર જળ છત્રાકારે. ૨

જાણીયે શેષજીયે ફણા વિસ્તારી, એમ જણાય ગંગાનાં વારી. ૩

ડુબકી મારીને મુખ કાઢે બારે, જમણો હાથ ફેરે છે મુખ પર ત્યારે. ૪

સહજ સ્વભાવે કોગળા કરે છે, સરવે મુનિના મનને હરે છે. ૫

સજલ જલજસમ મુખ બહુ શોભે, મુનિ હરિજનના ચિત્તને લોભે. ૬

ક્યારે નદી મધ્ય પ્રવાહમાં ઊભા, જળની રમતના કરે મનસુબા. ૭

મુનિ હરિજનને મેલે તણાતા, બહુ પછડાયે તે જાતા જાતા. ૮

તેને જોઈ બહુ હસે અલબેલો, વળી એક બીજાને મારે હડસેલો. ૯

એમ જળક્રીડા કરે બહુ શ્યામ, પ્રેમાનંદનો સ્વામી પૂરણકામ. ૧૦