કીર્તન મુક્તાવલી

2-1346: એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો

એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો

સાધુ મધુરવદનદાસ

એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો,

પ્રમુખસ્વામી મળ્યા ને મારો ફેરો ફળ્યો. એક ટાંકણું. ધ્રુવ

કેટલાય પથ્થર ખાણોમાં અટવાતા, શિલ્પીને મનડામાં કોઈક જ ભાવતા;

 કેવડાં તે પુણ્યે એ મારા પર સ્વામીનો,

 આમ જ અચાનક હાથ પડ્યો! એક ટાંકણું. ૧

કાળમીંઢ છાતી પર વાવ્યાં મેં શમણાં, ટચકે ટચકે મારી ભાંગી’તી ભ્રમણા;

 વિષયોની ખીણ મહીં ઠેબે ચડતો તેને,

 કંઠ મહીં ફૂલોનો હાર ચડ્યો. એક ટાંકણું. ૨

પ્રેમ તણા ટાંકણાનો ઘાવ મધમીઠો, ને વાગ્યો જણાય નહીં એવો અદીઠો;

 દોષોની કાંકરીઓ ક્યારે ઊડી એનો,

 બુદ્ધિને ક્યારે ના તાગ જડ્યો. એક ટાંકણું. ૩