પુરુષોત્તમ પ્રકાશ સાર
પ્રકારઃ ૮
રે’જો પંચ વ્રત1 પ્રમાણ રે, ધારી વિચારી સહુ સુજાણ રે ।
પંચ વ્રત છે સહુને પાર2 રે, નથી એથી બીજું કાંય બા’ર રે ॥૫॥
અષ્ટ પ્રકારે3 તજવી નારી રે, તેમ ધન તજવું વિચારી રે ।
કોઈ દેશ કાળ ક્રિયા સંગે રે, એથી અળગું રે’વું અષ્ટ અંગે રે ॥૭॥
સહુ જાણજો જન એમ પંડ્યે રે, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે રે ।
એમ નક્કી કરી નિરધાર રે, ફરો પરહિતે પૃથવી મોઝાર રે ॥૮॥
પ્રકારઃ ૧૨
બેસે રાજા ગાદિ પર કોય રે, છોડે બંધીવાનના બંધ સોય રે ।
તેમ બંધથી છોડાવ્યા બહુ જન રે, પોતે પ્રગટી શ્રીભગવન રે ॥૧૮॥
મહા મોટો પ્રતાપ પ્રગટાવી રે, રીત નૌતમ ન્યારી ચલાવી રે ।
જેને ઊપર નહિ બીજો કોય રે, તે તો જેમ કરે તેમ હોય રે ॥૧૯॥
સૌના નાથ નિયંતા સ્વામી રે, સૌ ધામતણા પણ ધામી રે ।
તે તો અઢળક આજ ઢળિયા રે, થયા સુખી જન જેને મળિયા રે ॥૨૦॥
પ્રકારઃ ૨૧
વળી ખાતાં પીતાં સંત જોઈ રે, લીધો ગુણ કે આવા ન કોઈ રે ।
જોઈ વર્તવું ને વળી વેશ રે, સુણી સારો લાગ્યો ઉપદેશ રે ॥૧૫॥
જેને વા’લી લાગી સંત વાત રે, રાખ્યાં નિ’મ થઈ રળીયાત રે ।
તેને તન છૂટે તતકાળ રે, આવે તેડવા દીનદયાળ રે ॥૧૬॥
તેને આપે અક્ષરમાં વાસ રે, મહાસુખ પામે છે તે દાસ રે ।
કર્યો સંતનો દરશ સ્પરશ રે, ગાયા જિહ્વાએ સંતના જશ રે ॥૧૭॥
તે પણ ધામના છે અધિકારી રે, ખરી વાત લખી છે વિચારી રે ।
વાત શ્રીમુખથી સાંભળેલ રે, નથી બીજે તે ક્યાંયે લખેલ રે ॥૧૮॥
પ્રકારઃ ૨૩
કાને એ નામની ભણક પડી રે, તેને અક્ષરપોળ ઊઘડી રે ।
સ્વામિનારાયણની કીરતિ રે, સુણી રહે નહિ પાપ રતી રે ॥૧૨॥
સકાર કે’તાં સર્વે દુઃખ વામે રે, હકાર કે’તાં હરિધામ પામે રે ।
જકાર કે’તાં જય જય જાણો રે, નકાર કે’તાં નિર્ભય પ્રમાણો રે ॥૧૮॥
દકાર કે’તાં દદામા9 દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે ।
સ્વામિનારાયણ નામ સાર રે, જેથી જીવ તર્યા છે અપાર રે ॥૧૯॥
પ્રકારઃ ૨૭
જીવ જોરેશું જાવા છે લઈ રે, સુખી કરવા છે સુખ દઈ રે ।
હશે જીવને જાવાનું બીજે રે, પણ જાવું પડશે રીઝે ખીજે રે ॥૧૯॥
પ્રકારઃ ૨૯
લે’રી આવ્યા બહુ લે’રમાં, અતિ મે’ર કરી મે’રવાન ।
દુઃખીયા જીવ સુખીયા કર્યા, વળી પાપી કર્યા પુણ્યવાન ॥૩॥
ભાગ્ય મોટાં એ ભૂમિનાં, જિયાં હર્યા ફર્યા હરિ આપ ।
પાવન થઈ એ પૃથ્વી, હરિ ચરણને પ્રતાપ ॥૪॥
પ્રકારઃ ૩૨
વળી સંતને આપી આગન્યા રે, રે’વું નહિ આંહિ આવ્યા વિના રે ।
વરષો વરષ એક માસ રે, કરવો આ મંદિરમાંહિ વાસ રે5 ॥૧૩॥
આ વારનો જે અવતાર રે, એવો ન થાયે વારમવાર રે ।
નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજ્યો સૌ મનમાંથી રે ॥૨૦॥
પ્રકારઃ ૩૯
ધર્મ અમને છે બહુ વા’લો રે, એમ કહે છે ધર્મનો લાલો રે ।
ધર્મવાળા સાથે હેત મારે રે, એમ વાલો કહે વારે વારે રે ॥૧૨॥
અધર્મી સાથે મારે અદેખાઈ2 રે, રે’ છે રાત દિવસ મનમાંઈ રે ।
અધર્મી જનની જેહ ભગતિ રે, નથી ગમતિ મને જો રતિ રે ॥૧૩॥
એના હાથનું અન્ન ન ભાવે રે, મર બહુ સારું કરી લાવે રે ।
અધર્મીના હાથનું જે પાણી રે, નથી પીતા તે અશુદ્ધ જાણી રે ॥૧૪॥
એનું ચંદન પૂજા ને હાર રે, નથી લેતા અમે કરી પ્યાર રે ।
લાવે અઘવંત3 સેવા સાજ4 રે, તેનો તર્ત કરું છું હું ત્યાજ5 રે ॥૧૫॥
પ્રકારઃ ૪૧
સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હુંયે ન ભૂલું રે ।
સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છઉં સાક્ષાત રે ॥૬॥
સંત જુવે તે ભેળો હું જોઉં રે, સંત સૂતા પછી હું સોઉં રે ।
સંત જાગે તે ભેળો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગું1 રે ॥૭॥
સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેડ્યે હું ભમું રે ।
સંત દુઃખાણે હું દુઃખાણો રે, એહ વાત સત્ય જન જાણો રે ॥૮॥
સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે ।
સંત માનજો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એક રતિ રે ॥૯॥
કે’શે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે ।
એટલો જ ગુણ કોઈ ગ્રે’શે રે, તે તો બ્રહ્મમો’લે વાસ લેશે રે ॥૧૪॥
એમ માંડ્યો છે મોટો અખાડો રે, બ્રહ્મમો’લ જાવા રાત્ય દા’ડો રે ।
એવો અભાગી કોઈ ન કે’વાય રે, જે કોઈ આ સમામાં રહી જાય રે ॥૧૮॥
સંત દેશ પરદેશ ફરે છે રે, સહુ જીવનાં અઘ5 હરે છે રે ।
એનાં દર્શન સ્પર્શ જે કરશે રે, તે તો ભવજળ પાર ઊતરશે રે ॥૧૯॥
એ તો વીશ વસાની6 છે વાત રે, સહુ સમજજો સાક્ષાત રે ।
કહ્યું શ્રીમુખે એમ મહારાજ રે, સાકટમ7 નોતરું છે આજ રે ॥૨૦॥
પ્રકારઃ ૪૨
આપે જ્ઞાન દાન જનને રે, કહી વા’લપનાં વચનને રે ।
હિતકારી છે સહુના સનેહી રે, જાણો પર ઉપકારી એહી રે ॥૫॥
સાચા સંત સગા સૌ જનના રે, ઉદાર છે અપાર મનના રે ।
જેને શત્રુ મિત્ર સમતોલે રે, સુખે દુઃખે દિલમાં ન ડોલે રે ॥૬॥
હાની વૃદ્ધિ ને સમ વિષમ1 રે, નથી આપ અરથે ઊદ્યમ રે ।
હર્ષ શોક ને નૈ હાર્ય જીત રે, માન અપમાને સમ ચિત્ત રે ॥૭॥
અહં મમત ને મારું તારું રે, એહ નથી લાગતું જેને સારું રે ।
જક્તદોષ નથી જેમાં જરા રે, એવા સંત તે સંત મારા ખરા રે ॥૮॥
એવા સંત છે સગાં સહુના રે, સુખદાયક જન બહુના રે ।
જેવી એ સંત કરે છે સા’ય રે, તેવી કોઈ થકી કેમ થાય રે ॥૧૧॥
માત તાત ને સગાં સંબંધી રે, કરે હિત એહ બહુ વિધિ રે ।
એનું હિત રહે યાનું યાંહિ4 રે, ના’વે કલ્યાણનાં કામ માંહિ રે ॥૧૨॥
દેવ ગુરુ કુળ ને કુટુંબ રે, એહ નહિ સાચા સંત સમ રે ।
સાચા સંત તેમાં અમે રૈ’યે રે, મળી જીવને અભયદાન દૈયે રે ॥૧૩॥
જાણો જનમ મરણ ભય ટાળી રે, જાશું ધામે વજાડતાં તાળી રે ।
સંત સમાગમ પરતાપે રે, જાશું બ્રહ્મમો’લ માંહિ આપે રે ॥૧૬॥
કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, અતિ અગણિત અપ્રમાણ રે ।
પણ સહુથી સરસ સંતમાં રે, રાખ્યું વાલમે એની વાતમાં રે ॥૧૮॥
પ્રકારઃ ૪૪
સર્વે ધામના ધામ એ થિયાં રે, રહ્યા સંત સહિત અમે જિયાં રે ।
બીજાં તીર્થ ધામ બહુ કા’વે રે, પણ અમે રહ્યા તે તુલ્ય નાવે રે ॥૧૫॥
કાં જે પામ્યા અમારો પ્રસંગ રે, તેને તુલ્ય આવે કેમ ગંગ રે ।
એને સ્પર્શ્યા’તા વામન પાવે7 રે, તે તો હરિ અવતાર કા’વે રે ॥૧૬॥
પણ અવતારના જે અવતારી8 રે, વાત તેની તો જાણજો ન્યારી રે ।
જાણો પુરુષોત્તમનો સ્પરશ રે, તે તો સહુ થકી જો સરસ રે ॥૧૭॥
પ્રકારઃ ૪૮
છેલી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે’જ્યો રે ।
શિક્ષાપત્રી માંહિ અમે રે’શું રે, રહી એમાં સહુને સુખ દેશું રે ॥૧૦॥
પ્રકારઃ ૫૫
આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ;
પુરુષોત્તમ પ્રગટી રે. ॥
અમૃતના સિંધુ ઉલટ્યા રે, રંગડાની વાળી છે રેલ... પુરુષોત્તમ. ॥૫॥
નિર્ભયની નોબત્યું વાગિયું રે, મળીયા મોહનરાય... પુરુષોત્તમ. ।
વિધવિધ થયાં વધામણાં રે, કસર ન રહી કાંય... પુરુષોત્તમ. ॥૬॥
ખોટ્ય ગઈ છે ખોવાઈને રે, જીત્યનાં જાંગિર2 ઢોલ... પુરુષોત્તમ. ।
દુઃખ ગયું બહુ દનનું રે, આવિયું સુખ અતોલ... પુરુષોત્તમ. ॥૭॥
કળશ ચઢાવ્યો કલ્યાણનો રે, સહુના મસ્તક પર મોડ... પુરુષોત્તમ. ।
ધન્ય ધન્ય આ અવતારને રે, જોવા રાખી નહી જોડ... પુરુષોત્તમ. ॥૮॥
સહુને પાર સહુ ઉપરે રે, એવી ચલાવી છે રીત... પુરુષોત્તમ. ।
નો’તી દીઠી નો’તી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત... પુરુષોત્તમ. ॥૯॥
સર્વના સ્વામી જે શ્રીહરિ રે, સર્વના કા’વિયા શ્યામ... પુરુષોત્તમ. ।
સર્વેના નિયંતા નાથજી રે, સર્વેનાં કરિયાં કામ... પુરુષોત્તમ. ॥૧૦॥
સ્વામિનારાયણ નામનો રે, શક્કો બેસારિયો આપ... પુરુષોત્તમ. ।
એ નામને જે આશર્યા રે, તેના તે ટાળિયા તાપ... પુરુષોત્તમ. ॥૧૧॥
ધામી જે અક્ષરધામના રે, તેણે આપ્યો છે આનંદ... પુરુષોત્તમ. ।
અખંડ આનંદ આપી જીવને રે, કાપ્યાં ભારે ભવફંદ3... પુરુષોત્તમ. ॥૧૨॥
ખાતાં વળાવ્યાં છે ખોટ્યનાં રે, ખરી કરાવી છે ખાટ્ય4... પુરુષોત્તમ. ।
બંધ કીધાં બીજાં બારણાં રે, વે’તી કીધી અક્ષર વાટ્ય... પુરુષોત્તમ. ॥૧૩॥
તમ ટાળ્યું ત્રિલોકનું રે, પ્રકાશી પૂરણબ્રહ્મ... પુરુષોત્તમ. ।
અંધારું રહ્યું’તું આવરી રે, તે ગયું થયું સુગમ... પુરુષોત્તમ. ॥૧૪॥
સૂરજ સહજાનંદજી રે, આપે થયા છે ઉદ્યોત5... પુરુષોત્તમ. ।
પૂર્વની દિશાયે પ્રગટી રે, ખોટા મોટા તે કર્યા ખદ્યોત... પુરુષોત્તમ. ॥।૧૫॥
અષાઢી મેઘે આવી કર્યાં રે, ઝાઝાં બીજાં ઝાકળ... પુરુષોત્તમ. ।
પૂર ચાલ્યાં તે પૃથવિયે રે, ધોયા ધરતીના મળ... પુરુષોત્તમ. ॥૧૬॥
ગાજ વીજ ને વરસવું રે, અગમ સુગમ કર્યું સોય... પુરુષોત્તમ. ।
સહુ જનને સુખ આપિયાં રે, દુઃખી રહ્યું નહિ કોય... પુરુષોત્તમ. ॥૧૭॥