વચન વિધિ
કડવું – ૧૧
વચન આધારે વર્તે છે જેહજી, મોટા સુખને પામશે તેહજી
એહ વાતમાં નહિ સંદેહજી, લોક પરલોકે પૂજ્યા જોગ્ય તેહજી
લોક અલોકમાં આબરું, રે’શે એની રૂડી રીતશું ॥
વચન વા’લાનાં વા’લાં કરી, પ્રસન્ન મને રાખ્યાં પ્રીતશું ॥૨॥
વચન પાળતાં જો વિપત્તિ પડે, તો સહે શ્રદ્ધાયે કરી ॥
વચન લોપતાં જો સુખ મળે, તો ઘોળ્યું પરું મેલે પરહરી ॥૩॥
અશન1 વસન2 ભૂષણ ભૂમિ, મર મળે ત્રિલોકીનું રાજ ॥
વચન જાતાં જાતું કરે, જાણે થાય એથી અકાજ ॥૪॥
પ્રહલાદને કહ્યું એના પિતાયે, તને આપું રાજ અધિકાર ॥
નામ મેલી દે નરહરિનું, આજથી મા કર્ય ઉચ્ચાર ॥૫॥
પણ હળવા સુખ સારુ હરિજન, મૂકે કેમ મોટા સુખને ॥
લોપી વચન મન લલચે, એવું ઘટે ઘણું વિમુખને ॥૬॥
નાક કપાવી નથ3 પે’રવી, એ તો નારી નઠારીનું કામ છે ॥
એથી મર રહીએ અડવાં,4 એવાં ભૂષણ પે’રવાં હરામ છે ॥૭॥
એમ વચન ગયે વડાઈ મળે, તેને પાપરૂપ જાણી પરહરો ॥
નિષ્કુળાનંદ નિશ્ચે કરી, હરિવચનમાં વાસ કરો ॥૮॥