વચન વિધિ

કડવું – ૩૭

હરિ આજ્ઞાએ વિબુધ1 વસ્યા વ્યોમજી, હરિ આજ્ઞાએ રહ્યા શૂન્યે2 રવિ સોમજી3

હરિ આજ્ઞાએ રહ્યા ભૂચર4 ભોમજી, તે લોપે નહિ આજ્ઞા થઈ બફોમજી5

બફોમ થઈ બદલે નહિ, રહે સહુસહુના સ્થાનમાં ॥

અતિ પ્રસન્ન થઈ મનમાં, રહ્યા રાખ્યા ત્યાં ગુલતાનમાં ॥૨॥

બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ ॥

વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જૂજવો નિવાસ ॥૩॥

ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ ॥

જ્યાં જ્યાં કરી હરિએ આગન્યા, તિયાં રહ્યાં સુખે સદાકાળ ॥૪॥

બદરિતળે6 રાખ્યા ઋષીશ્વર,7 નિરન્નમુકત રાખ્યા શ્વેતદ્વીપમાં ॥

ગોપી ગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં ॥૫॥

એમ જેમ જેને રાખ્યા ઘટે, તેમ રાખ્યા છે કરી તપાસ ॥

જેવો જોયે અધિકાર જેને, તેવો આપ્યો છે અવિનાશ ॥૬॥

એ તો રહ્યાં છે સહુ રાજી થઈ, પોત પોતાને સ્થાન ॥

લેશ વચન નથી લોપતા, જાણી સમર્થ શ્રીભગવાન ॥૭॥

એમ સમજી આપણે રહીએ, આપ આપને સ્થાનકે ॥

નિષ્કુળાનંદ કહે નહિ તો, આવે દુઃખ અચાનકે ॥૮॥

 

 

નિરૂપણ

ગોલોક અને અક્ષરધામ કેવી રીતે સમજવાં?

ભગતજી માના ભગતને આસને રોજ કથા કરવા જતા. એક વખત કથાના પ્રસંગમાં ત્ર્યંબકલાલે પૂછ્યું, “ગોલોક અને અક્ષરધામ કેવી રીતે સમજવાં?”

ત્યારે ભગતજીએ કહ્યું, “ગોલોકનું તો માપ છે અને અક્ષરધામ તો અમાપ એટલે અધો-ઊર્ધ્વ અને પ્રમાણે રહિત છે. એમ ગોલોક અને અક્ષરધામમાં ઘણો ભેદ છે. શ્રીજીમહારાજે વચનામૃતમાં જ્યાં જ્યાં ભગવાનના ધામની વાત કરી છે ત્યાં અક્ષરધામને ગોલોકથી જુદું પાડ્યું છે. તેમાં પણ પંચાળા ૧લામાં તો ‘...તેથી દેવતાનું સુખ અધિક છે ને તેથી ઇન્દ્રનું સુખ અધિક છે ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે.’ વળી, અક્ષરધામના મુક્તને સ્ત્રી કે પુરુષની યોનિ અને ગુદાએ રહિત પુરુષાકારે ચૈતન્યપ્રકૃતિનો દેહ છે. જ્યારે ગોલોકના મુક્તને સ્ત્રી, પુરુષના વિજાતીય લિંગદેહ હોય છે. આમ, અક્ષરધામ અને ગોલોક જુદાં જ છે.

“નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે:

બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવજીને રાખ્યા કૈલાસ;

વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જુજવો નિવાસ.

ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ;

જ્યાં જ્યાં કરી હરિએ આજ્ઞા, તીયાં રહ્યા સુખે સદાકાળ.

બદ્રી તળે રાખ્યા ઋષીશ્વર, નિરન્નમુક્ત રાખ્યા શ્વેતદ્વીપમાં;

ગોપી ગોપ રાખ્યાં ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં.

એમ જેમ જેને રાખ્યા ઘટે, તેમ રાખ્યા છે કરી તપાસ;

જેવો જોયે અધિકાર જેને, તેવો આપ્યો છે અવિનાશ.

– વચનવિધિ: ૩૭

“વળી, સત્સંગિજીવનમાં પણ ગોલોક અને અક્ષરધામ જુદાં બતાવ્યાં છે:

दर्शयामास तत्रैव गोलोकं धाम चाक्षरम् ।

श्वेतद्वीपं च वैकुण्ठं सकलैश्वर्यसंभृतम् ॥

– ૨જું પ્રકરણ, અ. ૨૦-૧૬

આમ, ગોલોક અને અક્ષરધામ સમજવાની રીત આપણા શાસ્ત્રમાં સ્પષ્ટ છે.”

એટલી વાત કરીને વળી બોલ્યા, “મને તો મારા ગુરુએ અખંડ ભજન કરતાં શીખવ્યું છે. તેથી હું ભજનના સુખે સુખિયો છું અને જે મારો સંગ કરે તેને ભજનના સુખે સુખિયો કરી મેલું છું.” એવી રીતે ઘણી વાતો કરી.

પછી ત્યાંથી લક્ષ્મીવાડીએ મહારાજ પાસે જઈને ઘણી વાતો કરી. સૌ હરિભક્તો તથા સંતો ભગતજીની આજુબાજુ વીંટળાઈને બેસી ગયા. દરેકના સંકલ્પના ઉત્તર થતા જાય અને શંકાઓ તૂટતી જાય. એમ અનેક પ્રકારે વાતો થાય. તેથી સર્વેને ઘણો જ સમાસ થયો અને મહારાજ પણ ઘણા જ રાજી થયા.

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૩૦૨]

કડવું 🏠 home