વચન વિધિ

કડવું – ૨૬

સંતને સોંપિયે સર્વે આપણુંજી, એથી અંતરાય ન રાખીએ અણુંજી

કરિયે ગમતું સાચા સંતતણુંજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુંજી

ઘણું રાજી કરી સંતને, કૈક પામિયા પરમ ધામ ॥

સંત વિના શોધી જુવો સઘળે, કહો કેનું સરિયું કામ ॥૨॥

જેમ નાવ વિના નીરનિધિમાં,1 નથી તરવા અન્ય ઉપાય ॥

તેમ સંત વિના સંસાર તરવા, શીદ ઇચ્છે કોઈ ઉરમાંય ॥૩॥

જેમ રવિ વિનાની રજની, જાણો નથી જાવાની જરૂર ॥

તેમ સંત વિના અજ્ઞાન અંધારું, કે દી ન થાયે દૂર ॥૪॥

જેમ વરસાત વિના વસુંધરા,2 સદાયે સૂકી રહે ॥

તેમ સંત વિના જીવ જગતના, કહો સુખ ક્યાંથી લહે ॥૫॥

તેવા સંતશું ત્રોડિયે, જોડિયે પાપીશું પ્રીત ॥

તેને સુખ થવાનું નથી સૂઝતું, ચિંતવી જોયે છૈયે ચિત્ત ॥૬॥

ફોડી આંખ્ય થાય આંધળો, પછી ઇચ્છે જોવા રૂપને ॥

રૂપ જોયાનું રહ્યું પરું, જો ભરે3 નહિ ઊંડા કૂપને4 ॥૭॥

માટે સાચા સંત સેવીને, કરિયે રાજી રળિયાત ॥

નિષ્કુળાનંદ તો નરને, સુધરી જાયે સર્વે વાત ॥૮॥

 

 

નિરૂપણ

સંત રાજી થાય ત્યારે ભગવાન આપે છે

સવારે વહેલા ચાર વાગ્યે ગણપતરામભાઈ, જેકૃષ્ણ, જેઠાભાઈ ભગતજીને ઘેર ગયા. ભગતજી ઊઠીને તેમને મળ્યા અને ઉઘાડે શરીરે ખાટલામાં બેસીને ઘણી વાતો કરી. પછી તે સર્વેને માલણ નદીએ નાહવા મોકલ્યા અને પોતે પણ સાથે નાહવા પધાર્યા. ભગતજી એક છીપર ઉપર બેસી નાહતા હતા અને જેઠાભાઈ નવરાવતા હતા. ગણપતરામભાઈ તથા જેકૃષ્ણ હેઠવાસ નાહ્યા. પછી નાહીને વાતો કરતા ઘેર આવ્યા અને કપડાં બદલાવી, મંદિરમાં આવી પૂજા કરી. પછી ફૂલચંદભાઈએ ‘વચનવિધિ’ની કથા શરૂ કરી. તેમાં ભગતજીની પ્રેરણાથી કથાની શરૂઆત જ નીચેના ‘કડવા’થી થઈ:

સંતને સોંપીએ સર્વે આપણુંજી, એથી અંતરાય ન રાખીએ અણુજી;

કરીએ ગમતું સાચા સંત તણુંજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુંજી.

ઘણું રાજી કરી સંતને, કૈંક પામીયા પરમ ધામ;

સંત વિના શોધી જુઓ સઘળે, કહો કેનું સરીયું કામ.

જેમ નાવ વિના નીરનિધિમાં, નથી તરવા અન્ય ઉપાય;

તેમ સંત વિના સંસાર તરવા, શીદ ઇચ્છે કોઈ ઉરમાંય.

પછી ભગતજીએ વાત કરી:

“શ્રીજીમહારાજે બસો બાસઠ વચનામૃતમાં પ્ર. ૫૪ અને મ. ૫૪ એ બે વચનામૃત મોક્ષનાં કહ્યાં અને દીનાનાથ ભટ્ટને પણ એ બે જ પોતાનાં કરવાની આજ્ઞા કરી. વળી, ગુણાતીતાનંદ સ્વામીએ તો એક વખત પ્ર. ૫૪મું વચનામૃત પાંચ વાર લાગટ વંચાવ્યું અને સૂતા હતા તે બેઠા થઈને વાત કરી, “અહો! આ વચનામૃતમાં તો મહારાજે મોક્ષનું દ્વાર જ દેખાડી દીધું. આ વચનામૃત જેને નહિ સમજાતું હોય તેનાં કરમ ફૂટ્યાં જાણવાં. માટે જ્યારે સાચા સંત મળે છે ત્યારે અંતરના ત્રિવિધ તાપ ટળે છે અને અજ્ઞાનરૂપી અંધારું નાશ થાય છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ થાય છે.

“નિષ્કુળાનંદ સ્વામીએ પણ આ કડવામાં કહ્યું, ‘એવા સાચા સંત સાથે કોઈ પણ જાતનો અંતરાય ન રાખીએ અને એને સર્વસ્વ સોંપીને એનું ગમતું કરીએ, તો રાજી થઈ જાય.’ સંત રાજી થાય ત્યારે પોતાની પાસે ભગવાન હોય તે આપી દે. જેમ બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાંને આપે છે; તેમ સંતના હૃદયમાં તો ભગવાન જ છે, તે પોતાના આશ્રિતને આપે છે. પણ સાચા સંતને રાજી કરવા બહુ કઠણ છે. આ દેહના જ્યારે ચૂરે-ચૂરા થયા ત્યારે સ્વામી રાજી થયા છે. માટે જો સંતનું ગમતું કરીએ અને અનુવૃત્તિમાં રહીએ તો રાજી થઈને મોજ આપી દે છે. જેમ જેમ એ ભક્ત સંતનો ગુણ લે, તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. એવા મોટાપુરુષ જો રાજી થઈ જાય તો ગમે તેવા મલિન સંસ્કાર હોય તે નાશ પામી જાય અને રાંક હોય તે રાજા થાય અને ભૂંડા પ્રારબ્ધ રૂડાં થઈ જાય.” એમ ઘણી વાતો કરી.

ગણપતરામના કેટલાક પ્રશ્નોના ઉત્તર ભગતજીની વાતમાં થતા ગયા, એટલે ભગતજીની પરાવાણીથી એમને ખૂબ શાંતિ થઈ.

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૪૦૮]

કડવું 🏠 home