વચન વિધિ
કડવું – ૩
વચનમાં વરતે સંત શાણાજી, દેહ ગેહ સુખમાં જે ન લોભાણાજી
મન કર્મ વચને હરિ બોલે બંધાણાજી, એવા જન જેહ તેહ મોટા ગણાણાજી
મોટા ગણાણા તે માનવું, કર્યું ગમતું જેણે ગોવિંદતણું ॥
તે વિના મોટપ્ય નવ મળે, ફરી ફરી શું કહિયે ઘણું ॥૨॥
રાધાજિયે રાજી કર્યા, શ્રી કૃષ્ણ કૃપાનિધાન ॥
તેણે કરીને મોટપ્ય મળી, વળી પામિયા બહુ સનમાન ॥૩॥
કમળાએ કૃષ્ણને રીઝવ્યા, રીઝ્યા અલબેલો અવિનાશ ॥
તેણે કરીને તેહ પામિયાં, હરિ ઉરે અખંડ નિવાસ ॥૪॥
વૃંદા1 વચનમાં વરતી, કર્યા પ્રભુને પ્રસન્ન ॥
તેણે કરી હરિ અંઘ્રિમાં,2 રહ્યાં કરી સુખ સદન ॥૫॥
વ્રજવનિતા વચને રહી, વળી વા’લા કર્યા વ્રજરાજ ॥
તેણે કરીને તોલે તેને, ના’વે શિવ બ્રહ્મા સુરતાજ ॥૬॥
પંચાલિયે3 પ્રસન્ન કર્યા પ્રભુને, આપી ચીરી ચીંથરી ચીરતણિ4 ॥
તેણે કરી તને નગ્ન ન થયાં, વળી ભક્ત કા’વ્યાં શિરોમણિ ॥૭॥
એહ રીતે મોટપ્ય મળે, પહેલા રાજી કર્યે પરબ્રહ્મ ॥
નિષ્કુળાનંદ કહે તે વિના, ઠાલો5 પડે જાણો પરિશ્રમ ॥૮॥