વચન વિધિ

કડવું – ૪૮

વળી વચનદ્રોહી મતિમંદજી, પંચવિષયમાંહિ માન્યો છે આનંદજી

તે કેમ ટાળશે માથેથી ભવફંદજી, જેણે હરિ વચનમાં માન્યું દુઃખ દ્વન્દ્વજી

દ્વંદ્વ દુઃખના વચનદ્રોહીને, હરિવચનમાં રે’તાં વળી ॥

અલપ સુખને અરથે, વાત બગાડે છે સઘળી ॥૨॥

જે વચનથી મોટપ્ય મળે, વળી આવે વચનથી સુખ ॥

તે સમજ્યા વિના શઠપણે, વરતે છે વચનથી વિમુખ ॥૩॥

જે વચને નર અમર સુખી, અહિ અજ ઈશ અમરેશ ॥

જે વચને શશી સૂર્ય સુખી, ગીરા1 ગજાનન મુક્ત મુનેશ ॥૪॥

એવા વચનને ઉલ્લંઘી, બીજા આગળ કહે છે વાત ॥

હું તો આવ્યો હતો ભારે ભીડ્યમાં, પણ ભલી ઊગરિયો એ ઘાત ॥૫॥

ખાવું પીવું ને પે’રવું એહ, મુકાવ્યું હતું મનગમતું ॥

એ મોટા દુઃખમાંથી નીસર્યો, હવે મનને રાખશું રમતું ॥૬॥

ભલું થયું એહ આડ્ય2 ભાંગી, હવે મોકળે મને મા’લશું ॥

દુઃખ દેખશું જ્યાં દેહને, તો ત્યાંથી તરત ચાલશું ॥૭॥

એવા અભાગી નર અમરને, સુખ નહિ આવે સ્વપ્ને ॥

નિષ્કુળાનંદ કહે જો એમ હોય તો, શીદ કરે કોઈ તપને ॥૮॥

 

પદ – ૧૨

રાગ: કેદારો (‘પ્રાણ મ રહેજો પ્રિતમ વિના’ એ ઢાળ)

તપ જેવું વા’લું છે વાલમને, તેવું વા’લું નથી બીજું કાંઈ;

વચનમાં રહી ને જે તપ કરે રે, તે તો સુખ પામશે સદાઈ. તપ૦ ॥૧॥

નારાયણ વચનથી વિધિએ,3 આદરિયું તે તપ અનુપ;

તેણે કરી રમાપતિ રીઝિયા રે, આપ્યો વર સારો સુખરૂપ. તપ૦ ॥૨॥

શ્વેતદ્વીપમાંહિ મુનિ રહે, નિરન્નમુક્ત છે જેહનું નામ;

અન્ન પાન વિના કરે તપ આકરું રે, રાજી કરવા ઘણું ઘનશ્યામ. તપ૦ ॥૩॥

બદ્રિકાશ્રમે બહુ મુનિ રહે, દમે છે કોઈ દેહ ઇન્દ્રય પ્રાણ;

સુખ સર્વે તજી શરીરનાં, થઈ રહ્યાં વા’લાના વેચાણ. તપ૦ ॥૪॥

એને ન સમજો કોઈ અણસમજુ, તજ્યાં જેણે શરીરનાં સુખ;

પામરને4 પ્રવીણ ન પ્રીછવા, જે કોઈ રહ્યા હરિથી વિમુખ. તપ૦ ॥૫॥

વચન વિમુખથી જેહ સુખ મળે, તેહ સુખ સર્વે જાજો સમૂળ;5

નિષ્કુળાનંદ એવું નવ કરો રે, જેમાં આવે દુઃખ અતુળ.6 તપ૦ ॥૬॥

કડવું 🏠 home