વચન વિધિ
કડવું – ૩૪
વળી વદે વિમુખ મનફરજી, ઘણે દુઃખે ભર્યું મૂક્યું’તું ઘરજી
અંગને ન મળતું અન્ન ને અંબરજી, જાણ્યું સત્સંગમાં એ છે સભરજી
સભર છે સત્સંગમાં, ખાવા પીવા ખૂબ ખાસું મળે ॥
જૂનું અન્ન વસન જડે નહિ, એવું સાંભળ્યું’તું સઘળે ॥૨॥
ગળી રસોયું ગામો ગામમાં, ઘણી આપશે ઘેરેઘેર ॥
જનમ ધરી જે જડી નથી, તે પામશું બહુ પેર ॥૩॥
એવું સુણી હું આવ્યો હતો, સુણી સુખ સત્સંગ માંઈ ॥
ઇયાં તો આણ્યો આંકસમાં,1 મન ગમતું ન થાયે કાંઈ ॥૪॥
પોષ ભરી પાણી નાંખવું, અમૃત સરિખા અન્નમાં ॥
ભેળું કરેલ ભાવે નહિ, અતિ મૂંઝવણ્ય થાય મનમાં ॥૫॥
વળી માહાત્મ્ય દેખાડી મંદિરનું, ઉપડાવે ઈંટ પથરા ઘણું ॥
ત્યારે સંસાર મૂકીને શું કમાણા, જ્યારે રહ્યું એનું એ કૂટણું2 ॥૬॥
જાણ્યું ખાશું પીશું ખૂબી3 કરશું, ફરશું નિત્ય નવા ગામમાં ॥
ત્યાં તો અટાટ4 નાખી આજ્ઞાતણો, કંઠ દબાવી જોડ્યો કામમાં ॥૭॥
એમ બોલે અભાગિયા, હરિ સેવામાં શ્રદ્ધા ખોઈ ॥
નિષ્કુળાનંદ એવા નરનું, મુખ રખે જોતા કોઈ ॥૮॥