વચન વિધિ
કડવું – ૮
ઇચ્છે કોઈ કરવા અવળું આપણુંજી, તે જન લોપે વચન હરિતણુંજી
જેણે કરી થાય દુઃખ ઘણું ઘણુંજી, પામી દુઃખ પછી મુખ થાય લજામણુંજી
લજામણું મુખ લઈને, જન જીવે જે જગમાંઈ ॥
ધિક ધિક એ જીવિતવ્યને, કામ ન આવ્યું કાંઈ ॥૨॥
સારપ્ય એની શું રહી, આવ્યો હરિવચનના વાંકમાં ॥
મોર્યથી નાખી કર મૂછ પર, પછી છરી મંડાવી નાકમાં ॥૩॥
શું થયું જપ તપ તીરથે, શું થયું વળી જોગ જગને ॥
શું થયું વિદ્યા ગુણ ડહાપણથી, જો ન રહ્યો હરિને વચને ॥૪॥
સુરગુરુ1 સરિખો નહિ, વળી બીજો કોઈ બુદ્ધિમાન ॥
વીરની2 વધૂ વિલોકીને, ઉર આવી ગયું અજ્ઞાન ॥૫॥
વિચાર વિના વચનનો, લોપ કર્યો લજ્જા તજી ॥
માથે મેષ3 બેસી ગઈ, તે હરકોઈ કે’ છે હજી ॥૬॥
જે જે વચન જેને કહ્યાં, તેમાં રે’વું સહુને રાજી થઈ ॥
આજ્ઞા અદ્રિ4 ઉલ્લંઘતાં, સમજો સહુને સારું નઈ ॥૭॥
શીદ લૈયે સંતાપને, વચનથી વરતી બા’ર ॥
નિષ્કુળાનંદ ન લોપિયે, વચન હરિનું લગાર ॥૮॥
પદ – ૨
રાગ: જકડી
વચન લોપી જાણે સુખ લેશું રે,
તે તો કે’શું કે’વાને જો રે’શું રે… વચન૦ ટેક.
જ્યારે પશ્ચિમે પ્રગટશે રવિ રે, થાશે બીજ રહિત પૃથ્વી રે;
તોયે નહિ થાય રીત એ નવી રે… વચન૦ ॥૧॥
જ્યારે શૂન્ય5 સુમનની6 સ્રજ7 થાશે રે, ઝાંઝુજળ8 પાને જન ધાશે રે;
તોયે એ વાત કાંઈ મનાશે રે… વચન૦ ॥૨॥
સુત ષંઢથી9 પામશે નારી રે, મળશે માખણ વલોવતાં વારિ રે;
તોયે વિમુખ સુખ રે’શે હારી રે… વચન૦ ॥૩॥
એહ વાત પ્રમાણ છે પકી રે, તે તો ખોટી ન થાય કોઈ થકી રે;
કહે નિષ્કુળાનંદ એમ નકી રે… વચન૦ ॥૪॥