વચન વિધિ
કડવું – ૩૬
વચન વા’લાનું લોપીને લબાડજી, પાપે પ્રવરતે છે જે પાપના પા’ડજી1
ભાંગી ભૂંસાડી વચનની વાડ્યજી, પછી જીયાંતીયાં થાય હાડ્ય હાડ્યજી2
હાડ્ય હાડ્ય થાય છે હરિ વિમુખ, વર્તતાં વચનથી બારણે ॥
જીયાં તીયાં જડે છે જૂતિયાં,3 એવું કરે છે શિયા કારણે ॥૨॥
આ લોકે પરલોકે આબરુ, જેની જડે નહિ જરા જેટલી ॥
ભવમાં4 જે ભૂંડાઈ રહી છે, પાપી પામે છે તેટલી ॥૩॥
ખાય છે ફટકાર ખલકની,5 મલકનો6 લિયે છે મેલ જો ॥
એમાં ખોળી કાઢી શી ખાટ્યને, વળી શું સમજાણું સે’લ7 જો ॥૪॥
પ્યાજ8 પેજારું9 ખાઈને પૈસા, અંતે જેહ આપવા પડે ॥
તે મો’રેથી ન જાણે જે માનવી, તે પાછળ ઘણું ઘોડા10 ઘડે ॥૫॥
દંડ ભોગવી ડા’પણ કરે, તેને ડા’યો કેદિયે ન દેખવો ॥
પૂંઠ્ય પખાળી11 પુરીષ12 તજે, તેને મોટો મૂરખ લેખવો ॥૬॥
લૂંટાવી સર્વે લૂગડાં, પછી નાગો થઈ ભાગ્યો ઘણો ॥
એવું કર્યું એ અભાગિયે, હવે ડા’યો કે ભોળો ગણો ॥૭॥
સમો13 ન શક્યો સાચવી, આવી તકમાં અવળું પડ્યું ॥
નિષ્કુળાનંદ એ નરને, કોઈ પાપ પૂર્વનું આવી નડ્યું ॥૮॥
પદ – ૯
રાગ: આશાવરી (‘શ્રીનાથ સાથે મન માનિયું’ એ ઢાળ)
પાપ પૂર્વનાં પ્રગટે પ્રાણીને, ત્યારે સૂઝે તે અવળો ઉપાય રે;
કરવાનું જે હોય તે ન કરે, ન કર્યાનું કામ કરાય રે. પાપ પૂર્વનાં૦ ॥૧॥
સુખમાંહી તે સુખ ન સૂઝે, દુઃખમાંહી દુઃખ ન દેખાય રે;
ખોટાને પણ ખરું કરી માને, સાચામાં સાચું ન લેખાય રે. પાપ પૂર્વનાં૦ ॥૨॥
એ જે વચનથી વિપત્તિ વિરમે, તે વચન વિષસમ લાગે રે;
જેહ વચનથી જાય જમપુરમાં, તેહ વચનને અનુરાગે રે. પાપ પૂર્વનાં૦ ॥૩॥
એમ કુબુદ્ધિને ઊંધું સૂઝે અતિ, વળી મોટા રાખે ત્યાં ન રે’વાય રે;
નિષ્કુળાનંદ એ નરનું ઠેકાણું, આલોકે પરલોકે ન કે’વાય રે. પાપ પૂર્વનાં૦ ॥૪॥