વચન વિધિ
કડવું – ૪૬
પ્રભુ પાસ વાસ કરવા આશ જેનીજી, અતિ મતિ અવળી ન જોયે તેનીજી
જે સુખનિયે શીખ ન લેવી કેનીજી, શી ગતિ થાશે તપાસું છું તેનીજી
તપાસું છું હું તને મને, શી થાશે ગાફલ નરની ગતિ ॥
અવળું કરવા છે ઉતાવળો, નથી સવળું કરવા શ્રદ્ધા રતિ1 ॥૨॥
શરીરના સુખ કારણે, તતપર રહે છે તૈયાર ॥
હરિ આજ્ઞામાં હાલતાં, પગ ભાંગી પડે છે તે વાર ॥૩॥
પ્રભુ આજ્ઞામાં થયો પાંગળો,2 પંડ પોષવામાં પાંખો મળી ॥
ખરી કરી રાખી વાતો ખોટિયું, સાચી વાત સર્વે ગયો ગળી ॥૪॥
જેમ હોય કોઈ અતિ અમલી,3 આફૂ4 પૂરું શેર પીનાર ॥
તેને પૈસાભાર પચાવતાં, સહુ સમજો છે શિયો ભાર ॥૫॥
તેમ અનેક શાસ્ત્ર સાંભળ્યાં, સર્વે ગટકાવી ઉતાર્યા ગળે ॥
તેને અલપ સલપ ઉપદેશથી, કહો અજ્ઞાન કેમ ટળે ॥૬॥
ગમતું કરવા ગોવિંદનું, જેના જીવમાં જરાયે નથી ॥
તેને આગે વાતો ઉપદેશની, કેટલીક કહીએ કથી ॥૭॥
મનમુખી કે’ છે સૌ મુખ ઉપરે, નથી કે’તા વાત વળી વાંસળ્યે5 ॥
નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળ્યે ॥૮॥