વચન વિધિ
કડવું – ૩૨
વચનદ્રોહીની વાત સાંભળીજી, વચનમાં રે’જો સહુ જન મળીજી
નહિ તો વાત બગડશે સઘળીજી, કે’શો કેમ કહ્યું નહિ વે’લું તે વળીજી
વળી વળી વાત વર્ણવી, વિમુખની વારમવાર ॥
તે સરવે સાચી માનજો, જૂઠી જાણશો મા જવભાર1 ॥૨॥
માની ઈરષ્યાવાનની, સંત અસંતની વાત વર્ણવી ॥
તે પ્રસિદ્ધ છે પુરાણમાં, નથી કહી કાંઈ એ નવી ॥૩॥
જે જે ગયા જમપુરીએ, તે તો વિમુખને વચને કરી ॥
માટે સમજુ સમજી, મેલો પાપીને પરહરી ॥૪॥
ભોળા મનુષ્યને ભોળવી, વળી ફાંસી નાંખશે કોટમાં ॥
જીવ બિચારા જીવિતવ્ય હારી,2 ખ્વાર3 થાય છે ખરી ખોટમાં ॥૫॥
એટલા માટે ઓળખાવિયું, વિમુખનું વિઘન વળી ॥
સહુ જન એ સાવચેત રે’જો, શીખની4 વાત આવી સાંભળી ॥૬॥
જેમ છે તેમ જણાવિયું, સર્વે વાતનું સ્વરૂપ ॥
હિતકારી છે હરિજનને, છે વિમુખને વિષરૂપ ॥૭॥
પૂરણ સુખને પામવા, ઇચ્છા કરે કોઈ ઉર ॥
નિષ્કુળાનંદ તે જનને, જોઈએ જાણવું આટલું જરૂર ॥૮॥
પદ – ૮
રાગ: ધોળ (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)
જ્યાન5 છે જરૂર તે જાણજો, વસતાં તે વિમુખની પાસ રે;
આળ આવી ચડે અણચિંતવી, થઈ જાયે ધર્મનો નાશ રે. જ્યાન૦ ॥૧॥
વિમુખ આપે છે પાંતી6 પાપમાં, ભોળવીને કરે ભાગદાર રે;
અણકર્યું પડે આવી ઉપરે, ચાલતાં મારગે ચોર હાર7 રે. જ્યાન૦ ॥૨॥
ન હોય ઘાટ એવો ઘટમાં, થાવા વળી વચનથી બા’ર રે;
વિમુખની વાત ઉર ઊતરે, તો થાયે પાપમાંહી પ્યાર રે. જ્યાન૦ ॥૩॥
પછી અટક8 ન રહે આજ્ઞાતણી, રાખે જ્યાં ત્યાં ન રે’વાય રે;
નિષ્કુળાનંદ કહે તે નર નિશ્ચે, માનો ખરો મનમુખી થાય રે. જ્યાન૦ ॥૪॥