વચન વિધિ
કડવું – ૪૦
હરિ આજ્ઞામાં રહ્યાં જે આપજી, જાણી પ્રભુનો મોટો પ્રતાપજી
તેને તો મનાણું પાપિયે1 પાપજી, ત્યારે સુખ થાવા શો રહ્યો જબાપજી2
જબાપ એનો જડતો નથી, જે વર્તે છે વચનથી બા’ર ॥
દેવ અદેવ દોયમાં વળી, એને ગણિયે કેની હાર ॥૨॥
દૈવી આસુરી જીવ જગમાં, તે તો જાણે છે સહુ જન ॥
દૈવી વરતે વચનમાં, આસુરી ન માને વચન ॥૩॥
બીજા તો બીતા બહુ રહે, લોપે નહિ વચન લગાર ॥
જિયાં જેને રાખિયા, તિયાં રહ્યા કરી નિરધાર ॥૪॥
હેડ્ય બેડી કોટડિયે, નથી અવરાણા ઓરડિયે ॥
બાંધ્યા નથી બીજે બાંધણે, બંધાણા છે વચન દોરડિયે ॥૫॥
તેને દેખવા દુઃખિયા, લેખવા સુખિયા વિમુખને ॥
એવા સમજું સહુ મરજો, પામી પૂરણ દુઃખને ॥૬॥
સાકરટેટીથી સારાં લાગે, અતિ રૂડાં ઇન્દ્રામણાં3 ॥
ખાવા બેસશે ખાંત્યે કરી, ત્યારે લાગશે વિષથી ભૂંડાં ઘણાં ॥૭॥
આખુ4 જેમ અગ્ન બળતી, લઈ જાય નિજ ઘેર વાટ્ય ॥
નિષ્કુળાનંદ એવું નર કરે છે, માને છે તેમાં ખાટ્ય5 ॥૮॥
પદ – ૧૦
રાગ: આશાવરી (‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ એ ઢાળ)
ખોટમાં દોટ દેવી નહિ દેખી, કરી લૈયે ખરાખરી ખાટ્ય રે;
શીદ ખાયે ખોળી ખડ ધાન્યને, જ્યારે પામ્યા રાજ્ય ને પાટ્ય રે, ખોટમાં૦ ॥૧॥
શણગાર સોનાના સજી શરીરે, ભૂંસિયે નહિ મુખે ભૂંડી મશ રે;
મુખ દેખે લેખે તે લજામણું, એમ શીદ ખોયે જાણી જશ રે. ખોટમાં૦ ॥૨॥
કરીથી6 ઊતરી ખરી7 પર ચડી, મોટી વાત મુખે ન કે’વાય રે;
કાઢી કટિપટ8 કોઈ કરે પતાકા,9 એના શરીરની શોભા જાય રે. ખોટમાં૦ ॥૩॥
એમ પોતાનો પતિ પરહરી પરો, કોઈ નારી કરે વ્યભિચાર રે;
નિષ્કુળાનંદ કે’ જાય જશ તેનો, વળી કોયે ન કરે પતિયાર10 રે. ખોટમાં૦ ॥૪॥