વચન વિધિ
કડવું – ૬
વચન વાલાનું લોપશો મા લેશજી, એટલો તો માની લેજો ઉપદેશજી
લોપતાં વચન આવશે કલેશજી, હેરાનગતિ પછી રહેશે હમેશજી
હમેશ રહેશે હેરાન ગતિ, અતિ તુચ્છ કરશે તિરસ્કાર ॥
આજ્ઞા હરિની લોપતાં, ભવમાં1 નહિ રહે ભાર ॥૨॥
બ્રહ્માએ ભાંગી હરિ આગન્યા, જોયું નિજસુતાનું2 શરીર ॥
જોતાં મતિ રતી નવ રહી, વળી ગઈ હૈયેથી ધીર ॥૩॥
અણઘટિત ઘાટ ઊપજ્યો, જે મટાડતાં મટ્યો નહિ ॥
તે પાંચમે મુખે પ્રકાશિયો, નેક અતિ નિર્લજ્જ થઈ ॥૪॥
એવાને પણ એમ થયું, મરજાદા હરિની મેલતાં ॥
ત્યારે બીજાની બકાત્ય3 સહી,4 ખેલ અખેલ્યા ખેલતાં ॥૫॥
એવી અભંગ છે આગન્યા, અખંડ હરિની આકરી ॥
તેને લોપતાં ત્રિલોકમાં, કહો કોણ બેઠો ઠરી ॥૬॥
સુખ કરણી છે દુઃખ હરણી, આગન્યા શ્રીમહારાજની ॥
આસુરી જનને અર્થ ન આવે, છે દૈવી જીવના કાજની ॥૭॥
આસુરી મતિને જે આશર્યા, તેને આજ્ઞાની આડી5 કશી ॥
નિષ્કુળાનંદ એ નરનું, નાક કાપવું ઘટે ઘશી ॥૮॥