વચન વિધિ
કડવું – ૪૯
અતોળ રોળ1 રહ્યા છે જેમાંજી, શીદને તૈયાર રહો છો તેમાંજી
અણુ એક ભાર નથી સુખ એમાંજી, દુઃખ દુઃખ દુઃખ છે દુઃખની સીમાજી
સીમા છે સરવે દુઃખની, હરિ વિમુખનો વળી સંગ ॥
મહાપ્રભુ મળવાને મારગે, જાણું આડો ઊતર્યો ભોયંગ2 ॥૨॥
જેમ આવ્યો દિન આનંદનો, ત્યાં મૂવો મોટેરો સુત રે ॥
તેમ અવસર આવ્યો હરિભજ્યાનો, ત્યાં મળ્યો જાણો યમદૂત રે ॥૩॥
જેમ ભોજન બહુ રસે ભર્યાં, કર્યાં જુગત્યે જમવા જેહ ॥
તેમાં પડી મૂઈ માખિયો, કહો કેમ ખવાય તેહ ॥૪॥
તેમ મનુષ્ય દેહ મહામોંઘામાંહિ, વચન પડ્યાં વિમુખનાં ॥
સુખ ન આવે સ્વપને, એ તો દેનાર છે દુઃખના ॥૫॥
દૈત્ય દાનવ દનુજ3 થયા, યક્ષ રાક્ષસ ભૂત પલીત4 ॥
તે સર્વે વિમુખના સંગથી, બીજી મા જાણજો કોઈ રીત ॥૬॥
જેવી વચનદ્રોહીથી વાત વણસે, તેવી વણસે નહિ વેરી થકી ॥
વેરી કાપે એક કંઠને, આ તો કોટિ કંઠે નથી નકી ॥૭॥
એને સંગે એવા દુઃખ મળે, ત્યારે તેનાં તે દુઃખ કેવાં કહિયે ॥
નિષ્કુળાનંદ ન કહિયે ઘણું, એ તો મનમાં સમજી લહિયે ॥૮॥