વચન વિધિ
કડવું – ૯
આજ્ઞા ઉલ્લંઘી શઠ સુરપતિજી,1 ગૌતમ ઘરમાંયે કરી ગતિજી
તેણે દુઃખ પામ્યો અંગમાંયે અતિજી,2 રહ્યું નહિ સુખ શરીરમાં રતિજી
સુખ શરીરે શાનું રહે, લોપી અવિનાશીની આગન્યા ॥
શચી3 સરખી ત્રિયા તજી, રાચ્યો અહલ્યા રૂપે વિવેક વિના ॥૨॥
પુરંદરને4 ઋષિપતની, ભોગવવું એ ભલું નહીં ॥
પણ અમરેશના5 અભિમાનમાં, ખોટની ખબર નવ રહી ॥૩॥
એવી અવળાઈ જોઈ ઇન્દ્રની, આપ્યો શાપ ઋષિએ રોષમાં ॥
કહ્યું સહસ્ર6 ભગ7 પામી પુરંદર, રે’ જે સદા સદોષમાં ॥૪॥
પરણીને ઘરુણી8 ઘણી રાખે, તોય ન થાય આજ્ઞા લોપ ॥
અવર નારી એકમાં પણ, થયો ઋષિનો કોપ ॥૫॥
વળી ભૂંડાં દુઃખને ભોગવવા, કર્યો કમળના વનમાંઈ વાસ ॥
જ્યાં જ્યાં હતી એની કીરતિ, ત્યાં ત્યાં થાવા લાગી હાસ ॥૬॥
એમ વચન લોપે જો લજ્જા રહે, તો કોણ માને વચનને ॥
મહાપ્રભુની મરજાદ મૂકી, સહુ વરતે ગમતે મનને ॥૭॥
મનમાને રે’તાં મોટપ્ય મળે, તો કોણ વેઠે વચનનું દુઃખ ॥
નિષ્કુળાનંદ તો નર અમર, વર્તે હરિથી સહુ વિમુખ ॥૮॥