વચન વિધિ
કડવું – ૧૯
શિયા સુખ સારુ લોપે છે વચનજી, એમ મોટા મુનિ વિચારે છે મનજી
જુવો જડબુદ્ધિવાળા જનજી, પોતાના સુખમાં પાડે છે વિઘનજી
વિઘન પાડે છે વણ સમઝે, કાપે છે ડાળ બેસવા તણી ॥
તેને પડ્યાનું શું પૂછવું, પડશે જરૂર એના ધણી ॥૨॥
બહુ બૂકી1 બીજ ધતુરનાં, જાણે ખાઈ ભાંગીશ ભૂખને ॥
પણ ઘડીક પછી ઘાંટો2 ઝલાઈ, મરીશ પામી બહુ દુઃખને ॥૩॥
કાપે છે સર્પનો કંડિયો, માગ થાતાં મૂષો3 મલકાય છે ॥
પણ જાણતો નથી આખુ4 આંધળો, જે હમણાં ખીજી નાગ ખાય છે ॥૪॥
ચાલે છે ચોરને મારગે, ખરાખરું માને છે ક્ષેમ5 રે ॥
પણ શીશ કપાણાં જ્યાં સોયે સોયનાં, ત્યાં કુશળ રહીશ કેમ રે ॥૫॥
એમ વાઢી વેલી વચનની, ફેર6 પાકેલ ફળ કેમ મળશે ॥
ફળ એનું ફજેત7 થઈને, વેઠ્યે વેકર્ય8 દળશે ॥૬॥
કાં તો ખર ઊંટ અવતાર પામી, અણતોળ્યો ભાર ઉપાડશે ॥
કસર કરશે ચાલતાં તો, ધણી એનો ધોકે તાડશે ॥૭॥
માટે જોઈ વિચારી જગદીશનાં, વિમુખ રે’જો મા વચનથી ॥
નિષ્કુળાનંદ કહે નાથના, ઘરમાં અંધારું ઘોર નથી ॥૮॥