વચન વિધિ
કડવું – ર
વચને કરી છે વર્ણાશ્રમજી, વચને કરી છે ત્યાગી-ગૃહી ધર્મજી
વચને કરી છે કર્મ અકર્મજી,1 એહ જાણવો જન મને મર્મજી
મર્મ એમ જન જાણીને, રહેવું વચન માંહે વળગી ॥
વચન લોપી જાણે સુખ લેશું, એવી અવિદ્યા2 કરવી અળગી ॥૨॥
વચને ઇન્દુ3 અર્ક4 ફરે, હરે તમ કરે પ્રકાશ ॥
વચને ઇન્દ્ર વૃષ્ટિ કરે, માની વચનનો મને ત્રાસ ॥૩॥
શેષજી શિરે ધરી રહ્યા, ચૌદ લોક ભૂમિનો ભાર ॥
વચને કાળ શક્તિ કરે, ઉત્પત્તિ સ્થતિ સંહાર ॥૪॥
વચને બાંધ્યો સિંધુ રહે, પાળ વિનાનું પાણી વળી ॥
તેણે કરી શું તુચ્છ થયા, એહ આદ્યે સરવે મળી ॥૫॥
વચન માંહી વર્તતાં, વણતોળી મોટપ્ય મળે ॥
વચન વિરોધી વિમુખ નર, તાપત્રયમાં5 તેહ બળે ॥૬॥
વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ, વચને બદ્ધ મુક્ત કહિયે ॥
તે વચન શ્રીહરિ મુખનાં, સુખદાયક સરવે લહિયે ॥૭॥
એમ સમજી સંત શાણા, વર્તે છે વચન પ્રમાણ ॥
નિષ્કુળાનંદ તે ઉપરે, સદા રાજી રહે શ્યામ સુજાણ ॥૮॥