વચન વિધિ
કડવું – ૪૫
વણ ચેતે અવસર વણસે1 કામજી, રાજી ન થાય શ્રીઘનશ્યામજી
ત્યારે કેમ પામિયે પરમ ધામજી, વણ પામે ધામ નહિ સુખ ઠામજી
ઠામ નથી કોઈ ઠરવા, હરિ આજ્ઞા વિના અણુ જેટલું ॥
તે જડમતિ નથી જાણતો, કહી કહી કહિએ કેટલું ॥૨॥
વાવે છે ઝેરનાં ઝાડવાં, કરે છે અમૃત ફળની આશ ॥
તે ખાઈને કેમ ખેમ2 રે’શે, જેથી નર અમર પામ્યા નાશ ॥૩॥
મારી કુંવર નરનાથનો,3 ટિલે4 બેસવા થાય છે તૈયાર ॥
તેને રાજા રાજ કેમ આપશે, જાણી મોભી સુતનો5 મારનાર ॥૪॥
તેમ ભક્ત થઈ ભગવાનનો, કરે વચનની જો વિઘાત ॥
પછી ઇચ્છે સુખ આવવા, એહ કેમ બનશે વાત ॥૫॥
નહિ પામે ઠેકાણું નરકમાં, શીદ કરે ધાંખના6 ધામની ॥
ધામ નહિ મળે ધક્કા મળશે, ત્યારે ઊઘડશે આંખ્ય ગુલામની ॥૬॥
લાત લાયક તે વાત ન માને, મર હોય અતિશય હેતની ॥
સમુ કે’તાં વસમું લાગે, તેને મુખે પડો પસ7 રેતની ॥૭॥
શરીર સુખ સારુ સુધો8 વરતે, કલ્યાણમાં વરતે કાસળે9॥
નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળે ॥૮॥