વચન વિધિ
કડવું – ૨૩
મનનું ગમતું મૂકવું મોટાને પાસજી, વર્તવું વશ્ય થઈ દાસના દાસજી
તો તન મને નાવે કે દી ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી
અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન ॥
જોઈ લિયો સહુ જીવમાં, એમાં જાણો નથી કાંઈ જ્યાન1 ॥૨॥
માન મૂકે માન વધે, માન રાખ્યે ઘટી જાય માન ॥
એમ સમજી સંત શાણા, માન મૂકવા છે અતિ તાન ॥૩॥
દેહધારી દુઃખી માનથી, નિરમાની રે’ સુખી સદાઈ ॥
વિઘન રહે એથી વેગળાં, વળી કષ્ટ ન આવે કાંઈ ॥૪॥
માને કરી મોટા તણો, અપરાધ તે આવે બની ॥
તે કથા સુણી છે શ્રવણે, ચિત્રકેતુ સુરેશ ને શિવની ॥૫॥
વચનદ્રોહી વિમુખથી, ખોટ્ય માનીની મોટી અતિ ॥
અવગુણ લિયે હરિજન હરિનો, એવી માન ફેરવે છે મતિ ॥૬॥
માની કેનું માને નહિ, મર હોયે વાલપ્યનાં વેણ ॥
આપ ડા’પણમાં દેખે નહિ, રહે અંધધંધ દિન રેણ ॥૭॥
કામી ક્રોધી લોભીને લજ્જા, કેદી આવી જાયે ઉરમાંઈ ॥
નિષ્કુળાનંદ માનીને મને, લાજ શરમ નહિ કાંઈ ॥૮॥
નિરૂપણ
સત્સંગ તે સુખપદ જાણ્યો
‘મનધાર્યું મૂકવું મોટાની પાસજી, થઈ રહેવું તેના દાસાનુદાસજી.’
“પર્વતભાઈએ દાદાખાચરના ગોલા થવાનું કબૂલ કર્યું. રાજાભાઈએ પર્વતભાઈનું હળ હાંક્યું. મુક્તાનંદ સ્વામીએ મૂળુભાનું હળ હાંક્યું. કેટલો મહિમા! કેટલો વિશ્વાસ મોટાના વચનમાં હશે ત્યારે એમ થયું હશે! ગુણાતીતાનંદ સ્વામી ભાલમાં જતા હતા. સાથે ત્રીસ સંતો હતા. વરસાદ પડ્યો. તેથી બધા સંતના જોડા ગારાવાળા થયા અને જમીનમાં ખૂંપવા લાગ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ બધા સંતના જોડાની ગાંસડી કરી, બે મણનો ભાર માથે ઉપાડ્યો અને પાંચ ગાઉ ચાલ્યા. અનાદિ અક્ષરબ્રહ્મનો અવતાર! શાસ્ત્રીજી મહારાજ ભગતજીને મેસૂબ જમાડવા ૬૦ ગાઉ ચાલ્યા અને વરસાદમાં ધોલેરાથી નાવડા સુધી છાતી સુધી પાણી ડોળ્યું અને ગઢડા પહોંચ્યા. કાગળ લખ્યો હોત તો કંદોઈ ન બનાવી આપત? નિષ્ઠા કેવી સર્વોપરી! શું કરી નાખીએ? આ વસ્તુ મારે જમાડવી જ છે. આનું નામ શ્રદ્ધા! આપણા ગુરુ ૬૦ ગાઉ ચાલ્યા એમ જાણીએ, તો આપણને ચાલતાં દુઃખ લાગે? ગુરુ માની સેવા-ભક્તિમાં ટૂક ટૂક થઈ જાય તો સ્વામી વરણીય થઈ જાય.
“એક ડોશીનું વ્યવહારમાં બહુ ચિત્ત, પછી દુઃખ આવ્યું. તેથી રોજ અક્ષર ઓરડી પાસે આવી રોયા કરે. મહારાજ કહે, ‘શું કામ રડે છે? કથામાં રોજ આવતાં હોત, તો રોવું ન પડત.’ સત્સંગને સુખદ જાણ્યો હોય તો કથાવાર્તામાં સુખ આવે. મેરુભા બાપુ બળદને ધોંસરું નાખી ખેતરમાં કામ કરતા હોય, પણ જો કોઈ સત્સંગી આવે તો ધોંસરું છોડી નાખે અને વાતો કરવા માંડે. એવા વિદેહી પુરુષ હતા. સત્સંગ પ્રધાન રાખવો એ મુદ્દો. સત્સંગ સાંભળીએ પણ જીવમાં ઉતારવાનું તાન રાખવું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨/૫૩૦]