વચન વિધિ

કડવું – ૧૫

પછી સીતા સારુ શ્રીરઘુવીરજી, બાંધી પાજ ઊતર્યા સિંધુતીરજી

લીધી લંકા છેદી રાવણનાં શિરજી, પછી સીતા તેડાવ્યાં મળવા અચિરજી1

સીતાને કહ્યું રામજીએ, જેમ હોય તેમ રાખી વેશ ॥

આવી મળો તમે અમને, ફેર પાડશો મા વળી લેશ ॥૨॥

ત્યાં તો વિભીષણે ભાવે કરી, સજાવ્યો સુંદર શણગાર ॥

તેડી આવ્યા રામ પાસળે, ત્યાં તો રામે કર્યો તિરસ્કાર ॥૩॥

આજ્ઞા લોપીને આવિયાં, તેણે રાજી ન થયા રામ ॥

પછી અગ્નિમાં અંગ અરપ્યું, એવું કરવું પડ્યું કામ ॥૪॥

ત્યારે દશરથ આદિ દેવતા, સહુએ કર્યો સતકાર ॥

ત્યારે રામજીએ રાખિયાં, શુદ્ધ જાણી સીતા નાર ॥૫॥

વચન લોપતાં વિપત્ય પડી, શણગારનું ન રહ્યું સુખ ॥

એમ આજ્ઞા ઉલ્લંઘીને, ન થાવું વચનથી વિમુખ ॥૬॥

મોટાને પણ માનવા જોગ્ય, આજ્ઞા શ્રી જગદીશની ॥

છોટી મોટી જે આગન્યા, તે સરવે છે વસા વિશની2 ॥૭॥

આજ્ઞામાં આનંદ ઘણો, આવે નર નિર્જરને3 અતિ ॥

નિષ્કુળાનંદ કહે ન લોપવી, આજ્ઞા હરિની એક રતિ ॥૮॥

કડવું 🏠 home