વચન વિધિ

કડવું – ૪૪

લજામણાને લાજ ન હોયજી, નર મુનિવર મર વળી વગોયજી

તિરસ્કાર તલભાર ન માને તોયજી, મર આવી કહે કોવિદ1 નર કોયજી

કોઈનું કેમ માને કહ્યું, થયું જેને ગોઠણ જેટલું2

રોગરાજના3 રોગીને જેમ, ખુવે ખવરાવે તેટલું ॥૨॥

જેમ ભાદરવે ભેંસ પૂછલી,4 જેમ પડ્યો ગજ અજાડિયે5

જેમ લાગી ગોળી લલાટ માંયે, તેને જીવવાની ના પાડિયે ॥૩॥

તેમ આવતે જોબને આવી મળ્યો, જબરા કુસંગનો જોગ ॥

તેને સાધ્ય શી રહે શરીરમાંહી, જેને થયો અસાધ્ય રોગ ॥૪॥

જેમ ચંદનઘોના ચાખેલની, વળી નહિ ઊગરવા આશ ॥

તેમ કુસંગના કરડેલનો, જાણો ના’વે વળી વિશવાસ ॥૫॥

જેમ મમોઈગર કર6 માનવી, ખેરી7 પડી વળી કર ખાટકી8

પારાધી કર પશું પડ્યું, તે નહિ નહિ જીવે નકી ॥૬॥

તેમ ખરા કુસંગને પડ્યો ખબેડે,9 તેણે બુદ્ધિ ઊંધી આવી ઘણી ॥

તેને સવળું કેમ સૂઝશે, રાખશે કેમ સત્સંગ શિરોમણિ ॥૭॥

જેમ કોઈ ખાયે ઝાઝા ઝેરને, વળી કરડી જીભ કટકા કરે ॥

નિષ્કુળાનંદ એ નરને, નથી જીવવાનું જાણો સરે ॥૮॥

 

પદ – ૧૧

રાગ: કેદારો (‘પ્રાણ મ રહેજો પ્રિતમ વિના’ એ ઢાળ)

સરે સાર શોધતાં તે શું મળશે, કરતાં કુસંગનો સંગ વળી;

સુખ સ્વપને નહિ આવે શરીરને રે, આવશે દુઃખ અતોલ મળી. સરે૦ ॥૧॥

જાણી ઝગમગ ઘણી હીરાકણી,10 ખાય ખાંત્યે11 ખૂબ પેટ ભરી;

એમ કુસંગનો સંગ અંગમાં ઊતર્યો રે, કેમ રહે સતસંગ તેણે કરી. સરે૦ ॥૨॥

જેમ ખાય ઠગની ઠગમૂળી12 ઠાઉકી, તેને સાધ્ય શરીરે કેમ રહે;

તેમ વચન વિમુખનાં ઉરમાં આવતાં રે, જે ન કે’વાનું તે સર્વે કહે. સરે૦ ॥૩॥

એણે આ લોક પરલોક બેઉ બગાડિયા, ખવરાઈ13 ગઈ ખળે આવી ખેતી;

નિષ્કુળાનંદ કહે આવ્યે અવસરે રે, ચૂક પડી14 નવ શક્યો ચેતી. સરે૦ ॥૪॥

કડવું 🏠 home