હરિબળગીતા
કડવું – ૧
રાગ: ધન્યાશ્રી
મંગળ મૂર્તિ શ્રીઘનશ્યામજી, શરણાગતના સદા સુખધામજી ।
પતિતપાવન પૂરણકામજી, અધમ ઉદ્ધારણ નિર્ભય નામજી ॥૧॥
ઢાળ
નામ નિર્ભય નિગમ કહે, જે સમરતાં સંકટ ટળે ।
દુષ્કૃત1 જેહ દેહ ધારીનાં, તેહ પાપના પુંજ પળે2 ॥૨॥
પુરુષોત્તમ પ્રગટનું, નામ નિર્ભય નિશાણ ।
જે જન જીભે ઉચ્ચરે, તે પામે પદ નિર્વાણ3 ॥૩॥
જે નામે પામી ગુણિકા ગતિ, થયો અજામિલનો ઉદ્ધાર ।
અગણિત એહ નામથી, પતિત પામ્યા ભવપાર ॥૪॥
કરી4 ખરી દીનતા કરી, કરી આરતશું5 અરદાસ6 ।
અર્ધો શબ્દ ઉચ્ચારતાં, આવ્યા વા’રે અવિનાશ ॥૫॥
કામુકિની7 કરણી કશી, અજામિલ નહિ અઘહીણ8 ।
નારાયણના નામથી, થયા પાર પ્રીછો9 પ્રવિણ ॥૬॥
ત્રિલોકમાં તપાસતાં, નાવે નારાયણ નામ તુલ્ય ।
પતિતને પાવન કરવા, એ છે નિધિ અમુલ્ય ॥૭॥
જપ તપ તીર્થ જોગ જગન, વ્રત વિધિ દીયે વળી દાન ।
નિષ્કુળાનંદ નારાયણના, ના’વે નામ સમાન ॥૮॥ કડવું ॥૧॥