હરિબળગીતા
કડવું – ૨૬
જુઓ ભગવાને રચ્યું આ બ્રહ્માંડજી, તેમાં કર્યા સાત દ્વીપ નવ ખંડજી ।
જેમાં વસ્યા જન જૂજવે પંડજી, એહ સહુ ભજે છે હરીને અખંડજી ॥૧॥
ઢાળ
અખંડ ભજે છે અવિનાશીને, વળી થઈ દીન આધીન ।
સમર્થ જાણે છે સ્વામીને, જાણી પોતાને બળહીન ॥૨॥
વળી આ બ્રહ્માંડમાં, કર્યા સમુદ્ર તે સાત ।
જળ તેનાં જૂજવાં, બનાવિયાં બહુ ભાત1 ॥૩॥
વળી મરજાદના2 મોટા ગિરિ, આડા નાખિયા એહ ।
તેણે કરી નિજ નિજ સ્થાનકે, સુખે વસિયાં તેહ ॥૪॥
મધ્યે એક મેરુ કર્યો, કર્યા નવ લખ તારા લઈ ।
શશિ સૂર સમર્થ કર્યા, પ્રકાશવા સહુને સઈ ॥૫॥
સ્થાવર જંગમ જીવ કર્યા, કર્યાં પોષણ તે બહુ પેર ।
આપ ઇચ્છાએ એહ કર્યું, તેની ન લાગી વેર3 ॥૬॥
એવા સમર્થ શ્રીહરિ, જે જે ધારે તેહ થાય ।
મૂકી એવાનો આશરો, નિર્બળ નિજબળ ગાય ॥૭॥
આશ્ચર્ય વારતા એ ઘણી, ભૂચરને4 વસવું વ્યોમ5 ।
નિષ્કુળાનંદ એ નરનું, જાણ્યા વિનાનું જોમ ॥૮॥ કડવું ॥૨૬॥