હરિબળગીતા
કડવું – ૪
એહ વિના ઉપાય હોય કોઈ એકજી, કે’જો સહુ સમજી કરી વિવેકજી ।
એહ વિના સાધન બીજાં અનેકજી, અતિ મતિ ગતિયે નક્કી કર્યું નેકજી1 ॥૧॥
ઢાળ
નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર ।
નાથના નિશ્ચય વિના, અતિ રહે અંધારું ઘોર ॥૨॥
પૂરણ પુરષોત્તમ પ્રગટી, નરતન ધરે નાથ ।
તેહ મૂર્તિ જેહને મળે, તે સર્વે જન સનાથ ॥૩॥
મનુષ્યાકાર અપાર સામર્થી, જેહ સમે ધરે જેહ નામ ।
તેહ નામ સમરતાં, જન થાયે પૂરણકામ ॥૪॥
જેમ વેજું2 કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાયે ચોટ3 ।
તેમ નામ ઘનશ્યામને, થાય કલ્યાણ કોટ ॥૫॥
જેમ ઇંદુમાં4 અગ્નિ નહિ, નહિ અર્કમાંહી અંધાર ।
તેમ પ્રભુ પ્રગટમાં, નો’ય અમંગળ નિરધાર ॥૬॥
વિદ્યુત5 ન તજે વહનિ, શીતળતા ન તજે શ્રીખંડ ।
તેમ કલ્યાણ મહારાજમાં, રહ્યું અતિશય અખંડ ॥૭॥
એહ દૃષ્ટાંતને ઉર ધરી, રે’વું નિઃસંશય નિર્ભય વળી ।
નિષ્કુળાનંદ નિશ્ચે કહે, સત્ય માનજો સહુ મળી ॥૮॥ કડવું ॥૪॥
પદ – ૧
રાગ - સામેરી મલાર (‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ)
વિશ વશા6 એહ વાત છે, તમે સાંભળજો સહુ જન રે ।
અંતર શત્રુ અજિત છે, પળે પળે પાડે છે વિઘન રે... વિશ૦ ॥૧॥
સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, એણે લીધી છે સહુની લાજ રે ।
દેવ દાનવ માનવ મુનિ, એણે રોળિયો સુરરાજ રે... વિશ૦ ॥૨॥
નિર્દોષ જન કોઈ નજરે, નથી આવતાં નિરધાર રે ।
કામ ક્રોધ લોભ મોહમાં, સહુ એબે7 ભર્યાં અપાર રે... વિશ૦ ॥૩॥
એવા અવગુણ અવલોકીને, હરિ કરે કેનું કલ્યાણ રે ।
નિષ્કુળાનંદ તૈયે નાથને, ઠાલો ફેરો પડ્યો પરમાણ8 રે... વિશ૦ ॥૪॥ પદ ॥૧॥