હરિબળગીતા
કડવું – ૩૩
એમ સમજ્યા વિના જે અધૂરાજી, પ્રાકૃત1 ગુણે કરી માને પૂરાજી ।
પરને પીડવા સુધા અતિ શૂરાજી, પળે પળે દલમાં તર્ક અતિ તૂરાજી ॥૧॥
ઢાળ
તૂરા અતિ અંતરમાં, તેણે ગરીબની ગણતી નહિ ।
શિયાળ વેષ લઈ સિંહનો, બિવરાવે બીજાં કહિ ॥૨॥
પણ જંબુક2 મન નથી જાણતો, આ તો બળ છે અજીનનું3 ।
તેણે કરીને થાય છે, અપમાન દુર્બળ દીનનું ॥૩॥
એમ ગુણ ગોવિંદના, જરાયક પામે છે જન ।
માને હું મોટો થયો, સર્વે ગુણે સંપન્ન ॥૪॥
તેણે કરી તન મનમાં , ફોગટ4 રહે છે ફૂલ્ય ।
પણ તપાસતો નથી તેહને, જે ભારે આવી ગઈ ભૂલ્ય ॥૫॥
જોને પે’રી ઘરેણાં પરનાં, મને માનવી મોટાઈ કેમ ।
જ્યારે ઉતારી લેશે અંગથી, ત્યારે રહીશ તેમનો તેમ ॥૬॥
માટે મોટપ માનવી, મોટી મહા પ્રભુ માંઈ ।
જોઈ પોતાના જોરને, જન જોમ ન કરવું કાંઈ ॥૭॥
નિશ્ચય નથી નિપજતું, આપણાથી અણુંભાર ।
નિષ્કુળાનંદ એમ નરને, કરવો વારમવાર વિચાર ॥૮॥ કડવું ॥૩૩॥