હરિબળગીતા
કડવું – ૨૪
કૃષિ1 કરે જેમ કૃષિજનજી, વિવિધ ભાતનાં વાવે વળી અન્નજી ।
જાણે અન્ન વડે થાશે બહુ ધનજી, એમ મનસુબો2 કરે નિત્ય મનજી ॥૧॥
ઢાળ
કરે મનસુબો મનમાં, જાણે ભરીશ કણ કોઠાર ।
પણ તે તો હરિને હાથ છે, નથી જાણતો તે નિરધાર ॥૨॥
અવનીથી અન્નને ઉગાડવું, વળી મોટા કરવા મોલ3 ।
તે તો કરી ન શકે કરષિ,4 તપાસી કરવો તોલ ॥૩॥
જે જન અન્ન વાવે જેવું, તેવું થાય છે તદરૂપ5 ।
તેહ કર્તવ્ય ભગવાનનું, એમ સમજવું સુખરૂપ ॥૪॥
નિર્વિઘન નીપજાવવું, તેહ જાણો છે હરિને હાથ ।
ખેડુ જુવે જો ખોળીને, તો નવ વિસારે નાથ ॥૫॥
કિંચિત6 કર્તવ્ય કૃષિતણું, ઘણું કર્તવ્ય ઘનશ્યામનું ।
એમ જીવનું કર્તવ્ય જોતાં, કે’વા માત્ર છે કામનું ॥૬॥
જો કોઈ નરથી નીપજે, તો કષ્ટ રાખે કહો કોણ ।
માનો નર નિર્બળ છે, જોઈ લેવું એહ જોણ7 ॥૭॥
માટે શ્રીહરિના શરણ વિના, કારજ કોઈ ન થાય ।
નિષ્કુળાનંદ એમ નરને, માની લેવું મનમાંય ॥૮॥ કડવું ॥૨૪॥
પદ – ૬
રાગ – સામેરી (‘રે’જો મારી આંખલડી આગે’ એ ઢાળ)
જાણો જન સમર્થ શ્રી ભગવાન... । ટેક
એ જીવનું જોર8 ન જાણવું રે, અમથું કરે અભિમાન ।
કર્યું ન થાય કોઈનું રે, નર નિર્જરથી નિદાન... જાણો૦ ॥૧॥
એ પ્રાણી સુખને પામવા રે, કરે તે સર્વસ્વ દાન ।
જશ વાધે આ જગ્તમાં રે, વળી સહુ કરે સન્માન... જાણો૦ ॥૨॥
જપ તપ તીરથ જોગ જે રે, ધરે વન જઈ ધ્યાન ।
અર્થ9 ન સરે એહથી રે, જેવી વર વિનાની જાન... જાણો૦ ॥૩॥
એ મેલી બળ મહારાજનું રે, કરે ઉપાય કોઈ આન10 ।
નિષ્કુળાનંદ નિષ્ફળ છે રે, જાણો જોર11 થયું એ જ્યાન... જાણો૦ ॥૪॥ પદ ॥૬॥