હરિબળગીતા
કડવું – ૩૪
એમ વિચાર કરવો નરને ઘણોજી, શુભ ગુણ સર્વે શ્રીહરિતણોજી ।
ગુણસાગર ગોવિંદને ગણોજી, એ સમ નહિ ગુણ આપણોજી ॥૧॥
ઢાળ
આપણા ગુણને ગણતાં, અતિશય અનાદર થાય ।
અર્થ એકે સરે નહિ, જાણો જરૂર લજ્જા જાય ॥૨॥
પો’ચ્ય ન હોય પોતા પાસળે, વળી કરે વડાઈની વારતા ।
કામ પડે કેમ કરશું, એમ નથી વિચારતા ॥૩॥
જેમ દામ1 વિનાની હામ2 હૈયે, કરે કોઈ સુખ કારણે ।
તે તો પાંગુળુંએ3 ચાલવા પણ4 લીધું, વિના વાહન બારણે5 ॥૪॥
માટે મોટપ ન માનવી, ગુણ પરના6 પામીને ।
દીન આધીન વરતવું, સૌ સંતને શીશ નામીને ॥૫॥
અલ્પ ગુણના અભિમાનમાં, અપરાધ થાય શુદ્ધ સંતનું ।
પામવાનું સુખ રહે પાછળે, આવે દુઃખ અત્યંતનું ॥૬॥
માટે વિચારી વરતવું, ઘણું ઘણું ગરજુ થઈ ।
અલમસ્તી7 ન દેવી આવવા, બેગરજુ થાવું નઈ ॥૭॥
આવી વાતને અંતરે, રાખશે જન રૂડી રીતશું ।
નિષ્કુળાનંદ તે ઉપરે, પ્રસન્ન થાશે પ્રભુ પ્રીતશું ॥૮॥ કડવું ॥૩૪॥