હરિબળગીતા
કડવું – ૩૯
કઠણ વેળા અતિ અંતની કે’વાયજી, મહાશૂરવીરે પણ ન સે’વાયજી ।
એહ દુઃખને ઉપમા ન દે’વાયજી, તે સમે ધીરજ કેણેક ગ્રહેવાયજી ॥૧॥
ઢાળ
ગ્રહેવાય નહિ ઘણા દુઃખમાં, ધીરજ મોટા ધીરથી ।
રોમ રોમે વીંછી વેદના પ્રગટે, જ્યારે ચાલવું થાય શરીરથી ॥૨॥
તેહ સમામાં કોણ કેનું, જ્યારે પરવશ પ્રાણી પડે ।
સ્વાર્થ લઈ સહુ સહુનો, સગાં સંબંધી સર્વે રડે ॥૩॥
તેહ સમે શ્રીહરિ સ્વામી, વા’લા મા કરજો વેલ1 ।
આધાર મારા આવજો, ઉતાવળા અલબેલ ॥૪॥
મોટે મોટે એહ માગિયું, કરજો વસમી વેળાએ વા’ર ।
તેહ સુણીને શ્યામળા, પ્રભુ કરું છું પોકાર ॥૫॥
ઘણા હેતુ2 છો ઘનશ્યામજી, સુખદ સાચા સનેહ ।
તમ વિના ત્રિલોકમાં, નથી સા’ય કરવા એહ ॥૬॥
એહ સમો જો સુધર્યો, તો સુધર્યું સર્વે ઘણું ।
એહ સમો જો બગડ્યો, તો શું ઉપજ્યું શુભ ગુણતણું ॥૭॥
તેહ માટે તમ પાસળે, માગું છું હું મહારાજ ।
નિષ્કુળાનંદ કહે નાથજી, એહ સમે રાખજો લાજ ॥૮॥ કડવું ॥૩૯॥