હરિબળગીતા
કડવું – ૨૧
જુઠી સામર્થી જીવની જાણીયેજી, પૂરણ સામર્થી પ્રભુની પ્રમાણીયેજી ।
એહ ભરોંસો દૃઢ ઉરમાં આણીયેજી, વણ તપાસે વળી શીદ તાણીયેજી ॥૧॥
ઢાળ
તપાસ વિના ન તાણીયે, જોઈએ જીવ વિચારી વાત ।
મોટાની મોટપ શા વડે, એમ સમજવું સાક્ષાત ॥૨॥
પિતા પાળે જેમ પુત્રને, વળી પ્રીતે કરે પ્રતિપાળ1 ।
સુખ કરે ને દુઃખ હરે, શોભાવે સદાય કાળ ॥૩॥
ખાવા પીવા બોલવા, વળી રે’વા શીખવે રીત ।
અરિ મિત્ર પર2 આપણાં, તેહ નકી કરાવે નિત ॥૪॥
એમ હમેશ હેત કરે, ફરે બાળકની વાંસે વળી ।
પ્રીતે પાળે પુત્ર જાણી, માત તાત દોયે મળી ॥૫॥
બાળપણમાં બહુ પેરે,3 આવે બની અપરાધ ।
તોયે અવગુણ ન લીયે અર્ભનો,4 સમઝે સુતને અસાધ5 ॥૬॥
એમ મોટાની મોટપનો, કોઈ પામી શકે નહિ પાર ।
પુત્ર પિતાને પટંતરે,6 સમઝુ સમઝો સાર ॥૭॥
એમ જીવને જગદીશ છે, જનક7 જનની સમાન ।
નિષ્કુળાનંદ એહ નવ તજે, નિશ્ચે જાણો નિદાન ॥૮॥ કડવું ॥૨૧॥