હરિબળગીતા
કડવું – ૩૦
વળી સ્પર્શ પ્રભુનો પરમ પાવનજી, જેહ જેહ પામ્યા સંત અસંત જનજી ।
તેહ તેહ થયા સહુ ધન્ય ધન્યજી, એહની સમતા કરે શું સાધનજી ॥૧॥
ઢાળ
સાધન બિચારાં શું કરે, આપે કર્યાં પ્રમાણે ફળ ।
સ્પર્શ કરતાં મહાપ્રભુનો, આપે સુખ અટળ ॥૨॥
સ્પર્શ પામી પૂતના, હરિ ધવાર્યા લઈ હાથ ।
પુરુષોત્તમના સ્પર્શથી, શંખણી1 થઈ સનાથ ॥૩॥
ગોવિંદ સ્પર્શથી ગોપિકા, થઈ સર્વે શ્રુતિ સમાન ।
કુબજા સ્પર્શી કૃષ્ણને, નિર્ભય થઈ નિદાન ॥૪॥
એવો સ્પર્શ પાવન અતિ, પરમ પ્રાપ્તિનો દેનાર ।
પાપી પ્રાણીનો સ્પર્શ જેહ, તેહ આવે કેમ એની હાર2 ॥૫॥
એવો સ્પર્શ જેને થયો, તે કૃતાર્થ કે’વાય છે ।
બીજાં કોટિ સાધન કરે, પણ તેહ તુલ્ય ક્યાંય થાય છે?॥૬॥
પરબ્રહ્મનો સ્પર્શ પામી, જેહ થયા પૂરણ કામ ।
તન મૂકતાં તરત તેહ, પામશે પ્રભુનું ધામ ॥૭॥
જેમ પારસના પ્રતાપથી, લોહપણું ન રહે લગાર ।
નિષ્કુળાનંદ એમ નાથ સ્પર્શે, પ્રાણી પામે ભવપાર ॥૮॥ કડવું ॥૩૦॥