હરિબળગીતા
કડવું – ૧૫
પંચ વિષય છે સહુનું પોષણજી, જેમ જન જીવે ખાઈ અન્નકણજી ।
પલ1 જળ ફળ દલ2 દાર તૃણજી, વણ પોષણે પામે પ્રાણી મરણજી ॥૧॥
ઢાળ
પોષણ વિના પ્રાણીના, પ્રાણ રે’વા નહિ કોઈ રીત ।
તેમ લોભાદિક લાગી રહ્યા, કોઈ બળે ન ટળે અજીત ॥૨॥
કાઢી કાઢી જાય કાઢવા, ત્યાગી ત્યાગી કરવા ત્યાગ ।
મુવા સુધી મૂકે નહિ, ભીંતરમાંથી એ ભાગ ॥૩॥
બહુ બળ એહ ઉપરે, કરે કોઈક જન અતિ ।
પોં’ચે નહિ દન પાછળે, એમ સમજવું શુભમતિ ॥૪॥
અંડજ3 જેમ ઊંચાં ચઢી, ઇચ્છે અડવા વળી આકાશ ।
પોં’ચે કઈ પેર પંખિયાં, જેનો વૃક્ષ પર છે વાસ ॥૫॥
તેમ વિષયથી વેગળાં, નવ રહે કોઈ નિરધાર ।
એવી ખોટ્ય ખોળતાં, કોઈ હોય નહિ ભવપાર ॥૬॥
દૈહિક દોષ દેહમાં, જે રહ્યા છે એકતાર ।
તેને શોધી શુદ્ધ કરતાં, લાગે સહુને વાર ॥૭॥
માટે મોટો માનવો, મને પ્રભુજીનો પ્રતાપ ।
નિષ્કુળાનંદ ન કરવો, અંતરમાંહિ ઉતાપ4 ॥૮॥ કડવું ॥ ૧૫॥