હરિબળગીતા
કડવું – ૧૮
અઘાસુર બકાસુર ને બકીજી, એહ તો અસુર ખરા ધરથકીજી1 ।
શાલવ ને શિશુપાળ ક્રોધકીજી, એહનું કલ્યાણ નવ જોઈએ નકીજી ॥૧॥
ઢાળ
નકી ન જોઈએ કલ્યાણ એનું, જોઈએ નિશ્ચે નરકમાંહિ વાસ ।
તે પણ સમાવ્યાં તેજમાં, એવા છે અવિનાશ ॥૨॥
જેમ ભૂંડા ભૂંડાઈ નવ તજે, ભલા તજે નહિ ભલાઈ ।
તેમ દયા દયાળમાં, સહી રહી છે સદાઈ ॥૩॥
નવ જુવે જનની કરણી, જુવે નિજ મોટપ્ય જગદીશ ।
આવે અઘવંત2 આશરે, તેના ગુન્હા કરે બક્ષીસ ॥૪॥
ટળે નહિ એહ ટેવ પડી, પાપીનાં પ્રજાળવા પાપ ।
એહ અર્થે નરતન ધરી, હરિ આવે અવનિયે આપ ॥૫॥
મહા અઘહર મૂરતિ, જેહ જને જોઈ ઝાંખી કરી3 ।
તે જન્મ મરણની જાળમાં, નિશ્ચે નર ના’વે ફરી ॥૬॥
એવા પભુને આશરી, રે’વું મને મગન મસ્તાન ।
કોઈ રીતે અકાજ4 આપણું, નહિ થાય નિદાન ॥૭॥
શરણ લઈ ઘનશ્યામનું, શાને કરવો સંશય શોક ।
નિષ્કુળાનંદ નિશ્ચે પામશું, ગુણાતીત જે ગોલોક ॥૮॥ કડવું ॥૧૮॥